Gujarati News

Gujarati News

News of Tuesday, 7th September 2021

ત્રિશલા નંદનને હૈયાના હેતથી વધાવતો જૈન સમાજ

પર્યુષણ મહાપર્વના પાંચમા દિવસે જિનાલયોમાં પ્રભુ મહાવિર જન્મ વાંચન : દેરાસરોમાં સવારથી માતા ત્રિશલાને આવેલ ૧૪ સ્વપ્નાઓ ઉતારવાનો લાભ લેતા ભાવિકોઃ ભગવાન મહાવિર સ્વામીના અક્ષત વધામણા

ત્રિશલા નંદન વિર કી જય બોલો મહવિર કી  : આજે પર્વાધિરાજ પર્યુષણના પાંચમા દિવસે પવિત્ર કલ્પસુત્ર વાંચનમાં માતા ત્રિશલાને આવેલ ૧૪ સ્વપ્નાઓમાંથી ફુલની માળા, ચંદ્ર, સૂર્ય, પૂર્ણ કળશ, પદમ સરોવર, ધજા, રત્નાકર, દેવ વિમાન, રત્નનો ઢગલો, અગ્નિશીખાનું વર્ણન કરવામાં આવેલ. જેમાં ભાવિકોએ સ્વપ્નાઓની ઉછામણીનો લાભ લ્યે છે. મણીયાર દેરાસર ખાતે સવારથી ધર્મોલ્લાસ સાથે વિરપ્રભુને વધાવવા શ્રાવક-શ્રાવિકાઓ ઉમટયા હતા. દરેક સ્વપ્નાના ઘી  બોલાયા હતા. લાભાર્થી પરિવારોએ અક્ષત વધામણા કરેલ. પૂ. ગુરૂ ભગવંતોએ આશીર્વચન પાઠવેલ. આ પ્રસંગે દાદાવાડી દેરાસરના પ્રમુખ જીતુભાઇ ચા-વાળાએ સમગ્ર વ્યવસ્થા સંભાળેલ, ભકિતકાર બીમલભાઇ શાહ અને ગ્રુપે ભકિત સંગીતની રમઝટ બોલાવી ભાવિકોને રસતરબોળ કર્યા હતા. (તસ્વીર : સંદિપ બગથરીયા) 

રાજકોટ તા. ૭ :.. જૈનોના પર્વાધિરાજ પર્યુષણના દિવસો તપ, ધર્મ, આરાધના સાથે આગળ વધી રહ્યા છે. મૂર્તિપૂજક જૈનોમાં આજે પર્યુષણ પર્વનો પાંચમો દિવસ તથા સ્થાનકવાસી જૈનોમાં આજે ચોથા દિવસની ઉજવણી થઇ રહી છે. સમસ્ત જૈન સમાજમાં નાની-મોટી તપશ્ચર્યા થઇ રહી છે.

જૈન દર્શનમાં મન અને કાયાની શુધ્ધિ ગુરૂ ભગવંતોના શ્રીમુખે આચાર્ય ભદ્રબાહુસ્વામી રચિત 'કલ્પસૂત્ર'ના બે વ્યાખ્યાનો સંપન્ન થયા.

આજે સવારે અથવા બપોરે સંઘોમાં પૂ. ગુરૂદેવોના શ્રીમુખે 'કલ્પસૂત્ર' ના વાંચન દરમિયાન ભવાન મહાવીર સ્વામીના જન્મ વાંચન તથા માતા ત્રિશલાને આવેલા ૧૪ સ્વપ્નાનું વર્ણન થયું. દરેક સ્વપ્નાની ઉછામણી થઇ લાભાથી પરિવારે સ્વપ્નને હૈયાના 'હેત' થી અક્ષત દ્વારા વધાવ્યુ ફુલની માળા વડે સ્વપ્નને સુશોભિત કરીને સ્વપ્નના પ્રતિકને મસ્તક પર મુકીને વધામણા કર્યા. આજે જીનાલયોમાં વિશાળ સંખ્યામાં ભાવિકો ઉમટી પડયા હતાં.

ત્રિશલા રાણીએ અર્ધ જાગૃત અવસ્થામાં ૧૪ સ્વપ્નો જોયા. જેમાં ગજવર, વૃષભ, સિંહ તથા લક્ષ્મીદેવીનું વર્ણન ગઇકાલે કરાયું હતું.

સ્વપ્નએ સર્જનની ભૂમિકા બતાવે છે. ત્રિશલા રાણીએ ચૌદ સ્વપ્ન જોયા. તેથી તે તીર્થકરતું સર્જન રનારી બની. ત્રિશલા રાણીએ સ્વપ્નમાં પ્રથમ સિંહ જોયો. એવી જ રીતે મરૂદેવા માતાએ પ્રથમ વૃષભ જોયો. છતાં રર તીર્થકર માટે જુદુ વર્ણન કરવાનું ન રહે તેથી સામાન્ય સ્વપ્ન વર્ણનમાં હાથીથી શરૂઆત કરવામાં આવી છે. શેષ ૧૦ સ્વપ્નોઓનું વર્ણન આજે કરવામાં આવેલ. સ્વપ્નાઓ ઉતારવાના અને ઘોડીયા પારણાના ચઢાવા અંતરના ઉલ્લાસ સાથે થયા હતાં.

જૈન સમાજ પર્યુષણ મહાપર્વની ભકિતમાં લીન છે. આજે ત્રિશલામાતાના ચૌદ સ્વપ્નોની વધામણી કરાઇ હતી. મહાવીર જન્મ વાંચનમાં વીર પ્રભુને પારણે ઝૂલાવાયા હતાં. માતા ત્રિશલાને આવેલ સ્વપ્નાઓના 'ઘી' બોલાયા હતાં.

આજે પૂ. ગુરૂ ભગવંતોએ માતા ત્રિશલાના અન્ય દસ સ્વપ્નો ફુલની માળા, ચંદ્ર, સૂર્ય, ધની, પૂર્ણ કળશ, પદ્મસરોવર, સમાકર, દેવવિમાન, રત્નનો ઢગલો, ધુમાડા વગરની અગ્નિ શીખા વગેરેનું વર્ણન કર્યુ. જૈનોએ પ્રભુ વીરના જન્મનું વર્ણન અનેરા ધર્મોલ્લાસ સાથે સાંભળ્યું.

જિનાલયમાં આજે મહાવીર જન્મવાંચન કરાયુ હતું. ત્રિશલા માતાના સ્વપ્નાઓને વધાવાયા હતાં.

જેમાં શ્રાવકો લાભ લઇ ધન્ય બન્યા હતાં. જેમાં એક પછી એક સ્વપ્નાઓ થકી શ્રાવિકો ભકિતમાં ડૂબ્યા હતાં.

પ્રભુજીને અલૌકિક આંગી કરવામાં આવી હતી. મહાવીર જન્મ વાંચન દરમિયાન ભકિત - સંગીત ગવાયું હતું. જૈન જૈનેતરો દ્વારા પ્રભુ મહાવીરના જન્મના વધામણા કરવામાં આવ્યા હતાં. સમગ્ર સૌરાષ્ટ્ર - કચ્છના જૈન સમાજમાં હર્ષોલ્લાસ છવાયો.

મહાપર્વ પર્યુષણના પાંચમા દિવસે મહાવીર સ્વામી જન્મ વાંચન બાદ મૂર્તિપૂજક સંઘોમાં વર્ષોની પ્રણાલી મુજબ સંઘ જમણનું આયોજન થાય છે. પણ ગત વર્ષથી કોરોના મહામારીના કારણે સંઘ જમણ યોજાયેલ નહી. અને આ વર્ષે પણ કોવીડ ગાઇડ લાઇન મુજબ મૂર્તિપૂજક સંઘોમાં સંઘ જમણનું આયોજન કરાયુ નથી.

નેમીનાથ વિતરાગ સંઘ

શ્રી નેમીનાથ વીતરાગ સંઘમાં પરમ ગુરૂદેવશ્રી નમ્ર મુની મા.સા.ની કૃપાથી શાસન પ્રભાવક શ્રી (૧) પરાગભાઇ શાહ (ર) જીનીતભાઇ અજમેરા (૩) અલ્પનાદીદી (૪) પીનલ દીદી પર્યુસણ પર્વની આરાધના ખુબ જ સુંદર રીતે કરાવી રહયા છે. આવતીકાલે મહાવીર જયંતી નીમીતે ૧૪ સ્વપ્નની ઉછા મળી શ્રીસંઘમાં સવારે ૯.૩૦ વાગેથી રાખેલ છે. તો ભાવીકોને લાભ લેવા વિનંતી કરવામાં આવે છે. વ્યાખ્યાન સમય સવારે ૯.૩૦ થી રોજ રાખવામાં આવે છે. (૪.૧૧)

ઉવસગ્ગહરં સાધના ભવન

રાષ્ટ્રસંત યુગદિવાકર પૂ. પરમ ગુરૂદેવશ્રી નમ્રમૂન મ. સા. પ્રેરિત શ્રી ઉવસગ્ગહર સાધના ભવન (પારસધામ) રાજકોટ દ્વારા ભગવાન મહાવીર જન્મોત્સવ ઉપલક્ષ્યે ધર્મમય સુંદર કાર્યક્રમનું બુધવાર, તા. ૮-૯-ર૧ ના રોજ બપોરના ર થી પ-૩૦ કલાક દરમિયાન કાલાવડ રોડ સ્થિત આત્મીય કોલેજ ઓડીટોરીયમ ખાતે આયોજન કરવામાં આવેલ છે.

આ કાર્યક્રમમાં સમસ્ત રાજકોટ જૈન સંધોના પદાધિકારીઓ ઉપસ્થિત રહી ભગવાન મહાવીર જન્મોત્સવની ભૂરી ભૂરી અનુમોદના કરશે.

સર્વ ધર્મપ્રેમી ભાવિકોને આ ધર્મસભામાં પધારવા શ્રી ઉવસગ્ગહરં સાધના ભવન શ્રી સંઘ અનુરોધ કરે છે.

આ કાર્યક્રમ સંપન્ન થયે ગૌતમપ્રસાદના ફૂડ પેકેટની પ્રભાવના કરવામાં આવશે.

પર્યુષણ પર્વની પ્રસાદી : પૂ. ધીરજમુનિ મ.સા.

પર્યુષણ પર્વ જગતના જીવોને પૈગામ આપે છે કે- માનવજીવનમાં સત્યનો સ્વીકાર કરતાં શીખો. સત્ય સુગર કોટેડ હોતુ નથી. સત્ય હંમેશા સત્ય જ રહે છે. જો કે દંભનો દશકો હોય, પણ સત્યની શતાબ્દીઓ હોય છે. જીવનમાં સત્યનું આચરણ અતિ જરૂરી છે.

પાપીનો નહિ પાપનો ધિક્કાર કરવાનો છે. કોઇ પણ વ્યકિતની ભૂલ થાય તો વ્યકિતનો તિરસ્કાર કરશો નહિ. માણસ માત્ર ભૂલને પાત્ર તેમ સમજીને પડી જાય તેને બેઠો કરવામાં નિમિત્ત બનજો.

સદ્ગુણોનો આવકાર કરતા રહો. અવગુણને જોવાને બદલે સદ્ગુણ જોતા શીખી જવું જરૂરી છે. અવગુણ શોધનારને અશાંતિ અને સદ્ગણ જોનારને શાંતિ મળશે. ડગલે ને પગલે આવતી સમસ્યાનું સાચું કારણ આપણી ખરાબ ગ્રહદશા નથી, પરંતુ ખોટી આગ્રહદશા છે.

પર્યુષણમાં કોઇ આઠ ઉપવાસ (અટ્ટાઇ) કર્યા પછી હોટલમાં જોવા મળે તો વ્યકિત કહેતો ફરશે કે - 'મેં તો હોટેલમા જોયા'. પરંતુ ત્યારે એમ વિચારો કે - 'હોટેલમાં જનારાએ પણ અટ્ટાઇ તો કરીને !!! સદ્ગુણની દૃષ્ટિથી વિચારવું જરૂરી છે.

શુદ્ધ વ્યવહાર એ અતિ-અતિ આવશ્કય છે. આજના કાળે માનવીનું ધાર્યુ પરિણામ ન આવે તો બીજા સાથે અશુદ્ધ વ્યવહાર કરવા લાગે છે. પરંતુ આવા સમયમાં જયાં જીવો છો તેની ચિંતા કરવાને બદલે જયાં જવાના છો તેની ચિંતા કરો.

''કિસી મેં કમી હૈ તો અપને કો હાની નહીં,

અપને મેં કમી હૈ તો અપને કો હાની હૈ,

દૂસરોં કી ચિંતા સે બચો ઔર અપને કો દેખો.''

 તમે કયાં બેઠા છો તે મહત્વનું નથી. અગત્યનું એ છે કે તમારામાં કોણ બેઠું છે. સમાજ સુધારક બનતા પહેલા સ્વભાવ સુધારક બનવું જરૂરી છે.

ઘણાં લોકો જયાં જાય ત્યાં આનંદ, આનંદ અને ઘણાં જયાંથી જાય ત્યાં આનંદ. હવે વિચારી લેજો કેવું જીવન જીવવું છે.

શુદ્ધ વ્યવહારથી આગળ વધીને શુદ્ધાત્મા સ્વરૂપ સુધી પહોંચી જવાશે તો પર્યુષણ સફળ બન્યા વિના રહેશે નહી.

પર્વાધિરાજ - પર્વ પર્યુષણ દિન - પંચમ

પ્રભુ મહાવીર જન્મવાંચન દિવસ

પર્યુષણ પર્વનો પાંચમો દિવસ એ પ્રભુ મહાવીરનો જન્મકલ્યાણક દિવસ નથી પરંતુ કલ્પસુત્રમા ક્રમશઃ વર્ણન આવતા ભગવાન મહાવીર સ્વામીનો જન્મવાંચન દિવસ છે.આજે કલ્પસુત્રના ત્રીજા અને ચોથા વ્યાખ્યાનમા માતા ત્રિશલારાણીએ જોયેલા ૧૪ સ્વપ્નો પૈકી શેષ ૧૦ સ્વપ્નોનું વર્ણન કરવામાં આવે છે તે આ પ્રમાણે છે.પ. ફુલની માળા ૬. ચંદ્ર ૭. સુરજ ૮. ધજા ૯. પુર્ણ કળશ ૧૦. પદ્મ સરોવર ૧૧. રત્નાકાર ૧૨. દેવવિમાન ૧૩. રત્નનો ઢગલો ૧૪. અગ્નિશિખાભગવાન મહાવીર સ્વામીના પિતા સિધ્ધાર્થ મહારાજા સ્વપ્ન પાઠકોને બોલાવી તેમનો સત્કાર કરી ૧૪ સ્વપ્નના ફળની પૃચ્છા કરે છે અને સ્વપ્ન પાઠકો કહે છે કે તીર્થંકરનો જન્મ થશે.આજે બપોરે ચતુર્વિઘ સંઘ પ્રભુનો જન્મ સાંભળવા ભેગો થશે. ગુરૂદેવના શ્રીમુખે સાંભળવા મળશે કે ચૈત્ર સુદ ૧૩ની મધ્યરાત્રીએ નવગ્રહો ઉચ્ચસ્થાને પહોચતા માતા ત્રિશલા પ્રસન્ન વાતાવરણમાં પુત્રને જન્મ આપે છે તે સાંભળતા લોકો ઝૂમશે અને નાળિયેર વધેરશે.પ્રભુના શાસન પામવાના આનંદથી શ્રીફળ વધેરનાર સંકલ્પ કરે છે. જિનશાસનની રક્ષા માટે શ્રીફળનીજેમ અમે માથુ આપશુ પણ પાછા નહી હઠીએ.આજે ઘોડીયા પારણાનો ચઢાવો બોલનાર પોતાના ઘરે વાજતે ગાજતે પ્રભુનુ પારણું લઇ જાય છે. રાત્રીમા ત્યા ભાવના થાય છે અને સાંજના પ્રતિક્રમણમાં પ્રભુ મહાવીર સ્વામીનું હાલરડું બોલાય છે.આ રીતે કલ્પસુત્રના ૪ વ્યાખ્યાન પુરા થયા.

હિમાંશુ બી.દેસાઇ મો.૯૪૨૯૩ ૧૫૩૨૦

(3:09 pm IST)