Gujarati News

Gujarati News

News of Tuesday, 7th September 2021

અમૃત પાર્કના સ્ટીલના ધંધાર્થી સાથે ૫૮.૭૭ લાખની ઠગાઇ

ઓળખાણનો ગેરફાયદો ઉઠાવ્યોઃ ૧૦૧ ટન એલોય સ્ટીલ રો-મટીરીયલનો ચાર ટ્રક ભરી માલ મંગાવ્યા બાદ 'ધૂંબો' મારી દીધો : ગોંડલ રોડ માનસત્તા ઇન્ડસ્ટ્રીમાં પેસિફિક સ્ટીલ કોર્પોરેશન નામે વ્યવસાય કરતાં મિલન કાકડીયાની કોઠારીયા રોડ ખોડિયાર પાર્કના રાહુલ વામજા વિરૂધ્ધ માલવીયાનગર પોલીસમાં ફરિયાદઃ આરોપી ગોંડલ પોલીસના સકંજામાં: ત્યાંથી કબ્જો મેળવવા તજવીજ

રાજકોટ તા. ૭: શહેરમાં પર્ણકુટીર પોલીસ ચોકી પાછળ અમૃતપાર્કમાં રહેતાં અને ગોંડલ રોડ માનસત્તા ઇન્ડસ્ટ્રીમાં સ્ટીલ ટ્રેડીંગનો વ્યવસાય કરતાં વેપારી પટેલ યુવાન પાસેથી કોઠારીયા રોડ ખોડિયાર સોસાયટીના શખ્સે ગયા માર્ચ મહિનામાં રૂ. ૫૮,૭૭,૪૩૦નો ૧૦૧ ટન એલોય સ્ટીલ રો-મટીરીયલનો માલ ખરીદ કર્યા બાદ રકમ ન ચુકવી ઠગાઇ કરતાં પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે. ઠગાઇ કરનાર શખ્સ ગોંડલ સીટી પોલીસના હાથમાં આવ્યો હોઇ ત્યાંથી રાજકોટ પોલીસ કબ્જો મેળવી તપાસ કરશે.

આ બનાવ અંગે માલવીયાનગર પોલીસે પર્ણકુટીર પોલીસ ચોકી પાછળ અમૃત પાર્ક મેઇન રોડ પર રહેતાં અને ગોંડલ રોડ એસટી વર્કશોપ પાછળ માનસત્તા ઇન્ડસ્ટ્રીઝ એરિયા શેરી નં. ૫-એમાં પેસિફીક સ્ટીલ કોર્પોરેશન નામે સ્ટીલ ટ્રેડિંગનો વ્યવસાય કરતાં મિલન ચંદુભાઇ કાકડીયા (ઉ.વ.૩૦) નામના પટેલ વેપારી યુવાનની ફરિયાદ પરથી કોઠારીયા રોડ ખોડિયાર સોસાયટી મેઇન રોડ પર રહેતાં રાહુલ રમેશભાઇ વામજા અને તપાસમાં ખુલે તેની સામે આઇપીસી ૪૦૬, ૪૨૦ મુજબ રૂ. ૫૮,૭૭,૪૩૦ની ઠગાઇ કરવાનો ગુનો નોંધ્યો છે.

મિલન કાકડીયાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે હું એલોય સ્ટીલ રો-મટીરીયલ ટ્રેડિંગનો વ્યવસાય કરતો હોઉ નવેમ્બર-૨૦૨૦માં મારો સંપર્ક સિધ્ધેશ્વર ટેકનોકાસ્ટ પ્રા.લિ.ના મેનેજર રાહુલ બાબરીયા મારફત કાવ્યા ટ્રેડિંગના પ્રોપરાઇટર રાહુલ રમેશભાઇ વામજા (રહે. ખોડિયાર સોસાયટી કોઠારીયા રોડ) સાથે થયો હતો. ત્યારથી અમે એકબીજા સાથે ધંધાકીય વ્યવહાર કરતાં હતાં. એ પછી માર્ચ ૨૦૨૧માં રાહુલ વામજાએ મને ફોન કરી મને એલોય સ્ટીલ રો-મટીરીયલ ૧૦૧ ટનનો ઓર્ડર લખાવ્યો હતો. તેના બે ત્રણ દિવસ પછી રાહુલ મારી ઓફિસે આવ્યો હતો અને તેની કાવ્યા પ્રોપરાઇટર પેઢીના નામનો ચેક આપ્યો હતો.

તે વખતે તેણે એવું પણ કહ્યું હતું કે થોડા દિવસમાં જ તમને આરટીજીએસથી પેમેન્ટ કરી દઇશ. જેથી મને વિશ્વાસ આવ્યો હતો. એ પછી અમે અમદાવાદ શ્રીજી એન્ટરપ્રાઇઝમાં તથા બ્રિટીશ સુપર અલોય પ્રા.લિ. નામની કંપનીમાં ઉપરોકત માલનો ઓર્ડર આપ્યો હતો. જેનું પેમેન્ટ આરટીજીએસથી કર્યુ હતું. એ માલ અલગ અલગ ચાર ટ્રકમાં રવાના થયો હતો. જેમાં તા. ૧૧/૩/૨૧ના રોજ એક ટ્રક રાજકોટ ગોંડલ રોડ ચોકડીએ આવતાં મેં રાહુલને ફોન કરીને જાણ કરી હતી. જેથી તેણે આ ટ્રક શાપર વેરાવળ પરફેકટ વે બ્રીજ ખાતે મોકલી આપવા કહ્યું હતું.

આથી મેં ટ્રક ત્યાં મોકલ્યો હતો. એ ટ્રકમાં એલોય સ્ટીલ રો-મટીરીયલ્સનું વજન ૩૬ ટન થયું હતું. જેની કિમત રૂ. ૨૧,૨૦,૨૮૩ થઇ હતી. એ પછી બીજા ત્રણ ટ્રક તા. ૨૦/૩ના રોજ આવતાં તેની રાહુલને જાણ કરતાં તેણે એ ટ્રક પણ શાપર વેરાવળ મોકલવા કહ્યું હતું. જેથી શાપર પરફેકટ વે બ્રીજ ખાતે વજન કરાવતાં ૩૦ ટન, ૧૮ ટન અને ૧૭ ટન રો-મટીરીયલ   હોવાનું વજન થયું હતુ઼. ચારેય ટ્રકનો મળી કુલ ૧૦૧ ટન માલ જેની કિંમત રૂ. ૫૮,૭૭,૪૩૦ થાય છે તે મેં રાહુલ વામજાના કહેવાથી તેના માણસને સોંપી દીધો હતો.

એ પછી એક મહિનો વીતી ગયા બાદ  રાહુલને મેં એલોય સ્ટીલ રો-મટીરીયલના રૂ. ૫૮,૭૭,૪૩૦ ચુકવવા માટે વાતચીત કરતાં તેણે લોકડાઉન હોઇ થોડા દિવસ પછી પોતે પેમેન્ટ કરશે તેમ કહ્યું હતું. પરંતુ ત્યારબાદ તેણે સતત ખોટા વાયદા કર્યા હતાં અને પેમેન્ટ ચુકવ્યું નહોતું. દરમિયાન છેલ્લા દોઢેક મહિનાથી તેણે પોતાનો ફોન પણ બંધ કરી દીધો હોઇ તેણે છેતરપીંડી કર્યાનું જણાતાં ફરિયાદ નોંધાવી છે.

માલવીયાનગર પીઆઇ કે. એન. ભુકણની રાહબરીમાં પીએસઆઇ વી. કે. ઝાલાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ આરોપીને ગોંડલ સીટી પોલીસે હાલમાં ઠગાઇના ગુનામાં પકડ્યો છે. ત્યાંથી કબ્જો  લઇ ધરપકડની તજવીજ કરવામાં આવશે.

(3:05 pm IST)