Gujarati News

Gujarati News

News of Tuesday, 7th September 2021

હાય...હાય...પાણીપુરીમાં ગંભીર પ્રકારના બેકટેરિયા જોવા મળ્યાઃ નમૂના ફેઈલ

અનહાઈજેનીક કન્ડીશનમાં વેચાતી પાણીપુરીના બટેટાના માવામાં, મીઠા પાણીમાં 'ઈ-કોલીના' પ્રકારના બેકટેરિયા જોવા મળ્યાઃ ૧૨ કિલો અખાદ્ય ચીજોનો નાશ કરાયોઃ સાધના ભેળ, નારાયણ દિલ્હી ચાટ, બોમ્બે સ્ટાઈલ ભેળ, જય જલારામ પાણીપુરીના નમૂના ફેઈલઃ રવિરાજ રેફ્રીજરેશનના આઈસ્ક્રીમનો નમૂનો નાપાસ

રાજકોટ, તા. ૭ : મ.ન.પા.ની આરોગ્ય ટીમ દ્વારા થઈ રહેલી ખાણી-પીણીની ચકાસણી દરમિયાન લેવાયેલ પાણીપુરીના નમૂનાઓમાં ગંભીર પ્રકારના બેકટેરિયા જોવા મળતા ૪ સ્થળોએથી લેવાયેલા નમૂનાઓ રાજ્ય સરકારની લેબોરેટરીમાં નાપાસ થયા છે. જ્યારે આઈસ્ક્રીમનો ૧ નમૂનો પણ મિસબ્રાન્ડેડ જાહેર થયો છે.

આ અંગે મ.ન.પા.ના આરોગ્ય વિભાગની સત્તાવાર યાદીમાં જણાવાયા મુજબ પાણીપુરીના ૫ અને આઈસ્ક્રીમનો ૧ નમૂના સહિત કુલ ૬ નમૂના નાપાસ થયા છે.

જેમાં (૧) પાણીપુરીનો માવો (પ્રિપેર્ડ, લુઝ) જય જલારામ પાણીપુરી, ડી માર્ટ પાછળ, પુરૂષાર્થ મે. રોડમાં ઈ-કોલીના બેકટેરીયા હાજર હતા. (૨) ખજુરનું મીઠુ પાણી (પ્રિપેર્ડ, લુઝ) સાધના ભેળ બોમ્બે હોટલની બાજુમાં ગોંડલ રોડમાં ઈ-કોલીના બેકટેરીયા હાજર હતા. (૩) પાણીપુરીનો બટેટાનો મસાલો (પ્રિપેર્ડ, લુઝ) બોમ્બે સ્ટાઈલ ભેળવાળા સર્વેશ્વર ચોકમાં ઈ-કોલીના બેકટેરીયા હાજર હતા. (૪) ખજુરની ચટણી (પ્રિપેર્ડ, લુઝ) નારાયણ દિલ્હી ચાટવાલા, મોરી હોસ્પીટલની સામે ૨૫-ન્યુ જાગનાથના નમૂનાઓમાં ઈ-કોલીના બેકટેરીયા હાજર હતા. (૫) પાણીપુરીનો બટેટાનો મસાલો (પ્રિપેર્ડ, લુઝ) નારાયણ દિલ્હી ચાટવાલા મોરી હોસ્પીટલની સામે ૨૫-ન્યુ જાગનાથના નમૂનામાં ઈ-કોલીના બેકટેરીયા હાજર હતા. (૬) મસ્કા અમેરીકન ડ્રાયફ્રુટ (૧૦૦ મીલી પેક) રવિરાજ રેફ્રીજરેશન પેડક રોડ ચાર રસ્તામાં ફુડ કેટેગરી દર્શાવેલ ન હોવાના કારણે નમૂનો નાપાસ કરાયેલ.

નાયબ આરોગ્ય અધિકારીના જણાવાયા મુજબ ઉકત પાણીપુરીના નમૂનાઓમાં જે 'ઇ-કોલીના' બેકટેરીયા જોવા મળ્યા છે તેનાથી ફૂડ પોઇઝનિંગ  (ઝાડા - ઉલ્ટી) જેવા રોગની શકયતા રહે છે. અનહાજેનિક કંડીશનમાં તૈયાર કરેલી વાસી - પડતર વસ્તુને કારણે આ બેકટેરીયા થઇ જાય છે. આથી જાહેર આરોગ્ય હીતાર્થે નવા ફૂડ એકટ હેઠળ આ નમૂના નાપાસ કરી હવે વેપારીઓ સામે દંડ સહિતની કાર્યવાહી થશે.  આ ઉપરાંત ગઇકાલે કોઠારીયા રોડ વિસ્તારમાં ચેકીંગ દરમિયાન ઉમેશ પાણી પુરી સેન્ટરમાંથી ૩ કિલો રગડો, ૪ કિલો બટેટા, ખોડીયાર ભેળમાંથી ૨ કિલો સોસ, આઇશ્રી ખોડિયાર પાણીપુરીમાંથી વાસી ૧ કિલો રગડો અને સંતોષ દાબેલીમાંથી ૨ કિલો મીઠી ચટણી સહિત કુલ ૧૨ કિલો અખાદ્ય પદાર્થોનો નાશ કરાયેલ.

(3:04 pm IST)