Gujarati News

Gujarati News

News of Tuesday, 7th September 2021

પોપટપરા રામસીંગ ચોકમાં થયેલ મહમદ માલાણીની છરીના ધા મારીને હત્યાના ગુનામાં બે આરોપીનો નિર્દોષ છૂટકારો

રાજકોટ તા. ૭ : અત્રેના પોપટપરાના રામસીંગ ચોકમાં બનેલ ચકચારી મર્ડર કેસમાં આરોપીઓનો નિર્દોષ છુટકારો સેસન્સ કોર્ટે ફરમાવેલ છે.

આ કેસની ટૂંકી વિગત એવી છે કે, રાજકોટ તા.૧૧/૦૭/૨૦૧૭ ના રોજ સવારે ૯ વાગ્યે પોપટપરાના રામસીંગ ચોકમાં મરણ જનાર મહમદભાઈ અયુબભાઈ માલાણી અને આરોપીઓ (૧)ઇકબાલ ફતેહમહમદભાઇ પારેડી (૨) હુશેન ફતેહમહમદભાઈ પારેડી (૩) ફતેહમહમદ નુરમહમદભાઈ પારેડી વચ્ચે આગલી રાત્રે ૧.૩૦ વાગ્યે આરોપીઓના ઘર પાસે સ્પીડમાં મોટરસાયકલ ચલાવવા બાબતે તકરાર થયેલ જે અંગે નો ખાર તા.૧૧/૭ ના સવારે ૯ વાગ્યે આરોપી નં.૧ ઇકબાલે પોતાની પાસે રહેલ છરી વડે મહમદભાઇ માલાણીને છરીના ઘા ઝીંકી દીધેલ અને મહમદભાઈ માલાણી સાથે રહેલ સાહેદ અબ્બાસભાઈ અને નિઝામને ને પણ આરોપી નં.૧ ઇકબાલે છાતીના ભાગે છરીના ઘા મારેલ અને આરોપી નં.ર હુશેન પારેડી લોખંડના પાઇપ વડે મારેલ અને આરોપી નં.૩ ફતેહમહમદભાઈએ ઢીકા પાટાએ ત્રણેય ભોગ બનનારને મારેલ હતા.

આ અંગે ત્રણેય ભોગ બનનારને સારવાર હેઠળ સિવિલ હોસ્પિટલમાં લઇ જતા સારવાર દરમિયાન મહમદભાઈ માલાણી નું મોત નીપજેલું અને બંને સહેદો અબ્બાસભાઈ અને નિઝામને ગંભીર ઇજા થયેલ અને આમ ત્રણેય આરોપીઓએ એકબીજાની મદદગારીમાં મહમદભાઇનું ખૂન કરેલ હોય અને સહેદોને ઇજા કરેલ હોય પ્રદ્યુમનનગર પોલીસ દ્વારા તપાસ કરી આરોપીઓ વિરૂધ્ધ આઇ.પી.સી. કલમ ૩૦૨, ૩૨૩, ૫૦૪, ૧૧૪ તથા ગુજરાત પોલીસ એકટની કલમ ૧૩૫/૧) મુજબનો ગુન્હો નોંધલ અને તપાસ દરમિયાન આરોપીઓની ધરપકડ કરી જેલ હવાલે કરેલા તેમજ તપાસના અંતે કોર્ટમાં ચાર્જશીટ કરેલ. આ કામમાં તપાસ દરમિયાન પોલીસે બનાવ વખતે હાજર રહેલ પાંચ દાર્શનિક સાહેદો તથા બે ઇજા પામનાર સહેદોના નિવેદનો નોંધેલ તથા આરોપીઓ પાસેથી પંચનામા જોગ હથિયારો કબ્જે કરેલ તથા આરોપીઓના તથા મરણ જનારના કપડાં પણ કબ્જે કરેલ અને એફએસએલ ખાતે મોકલેલ.

આ કામ નો કેસ રાજકોટ સેશન્સ કોર્ટ માં ચાલેલ ફરિયાદ પક્ષે કુલ ૧૬ સહેદો તપાસેલ તેમજ ૩૨ દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરી આરોપીઓને સજા કરવા રજૂઆત કરેલ. અત્રે ઉલેખનીય છે કે કેસ ચાલવા દરમિયાન આરોપી નં.૩ ફતેહમહમદ પારેડીનું અવસાન થયેલ હતું જેથી આ કેસ અન્ય બે આરોપીઓ વિરૂધ્ધ ચાલેલો. આ કેસના અંતે તમામ સાહેદો, લેખીત મૌખિક પુરાવાઓ, ઉભયપક્ષે ફરેયાદ પક્ષ અને અરોપી પક્ષ તરફે થયેલ રજૂઆતો તદુપરાંત ઉચ્ચ ન્યાયાલયના ચુકાદાઓ વિગેરે તમામ બાબતોને ધ્યાને લઇ રાજકોટના એ.ડી.સેશન્સ જજશ્રી એચ.એમ.પવારે આ કામના બંને આરોપીઓને એમની વિરુધ્ધ લાગેલ તમામ તહોમતોમાંથી છોડી મૂકવાનો હુકમ કરેલ છે.

આ કામમાં આરોપીઓ વતી રાજકોટના વકિલ રૂપરાજસિંહ પરમાર, અજીત પરમાર, હુસેનભાઇ હેરંજા, જયદેવસિંહ ઝાલા તથા શકિતભાઈ ગઢવી રોકાયેલ હતા.

(3:05 pm IST)