Gujarati News

Gujarati News

News of Tuesday, 7th September 2021

બાલાજી હોલ પાછળ ગોવિંદરત્ન બંગલો સામે આર.એમ.સી. કવાર્ટરના ગેઇટ પાસે ગૂંડાગીરી

બકાલુ લેવા નીકળેલા દંપતિની શાહરૂખ સહિત ચાર શખ્સે ટીખળ કરી લાકડી-પાઇપથી ફટકાર્યા

દરરોજ પડ્યા પાથર્યા રહેતાં શખ્સોએ 'જો ફરિયાદ કરી તો જીવતો પતાવી દઇશું' તેવી ધમકી પણ દીધીઃ છોડાવવા આવેલા રૂબીબેનને પણ માર માર્યોઃ સિકયુરીટી ગાર્ડની નોકરી કરતાં જીજ્ઞેશ દેસાણીની ફરિયાદ

રાજકોટ તા. ૭: દોઢસો ફુટ રીંગ રોડ બાલાજી હોલ પાછળ કવાર્ટરમાં રહેતું બાવાજી દંપતિ બકાલુ લેવા નીકળ્યું ત્યારે કવાર્ટરના ગેઇટ પાસે બેઠેલા ચાર પૈકી એક શખ્સે ટીખળ કરતાં તેને આવુ ન કરવા સમજાવતાં ગાળો દઇ લાકડી-પાઇપથી હુમલો કરી પતિ-પત્નિને ફટકાર્યા હતાં. બચાવવા આવેલા અન્ય એક મહિલાને પણ માર માર્યો હતો અને જો ફરિયાદ કરી તો જીવતો નહિ મુકીએ એવી ધમકી આપી ભાગી ગયા હતાં. ચાર પૈકી એકનું નામ શાહરૂખ હતું.

આ અંગે તાલુકા પોલીસે ૧૫૦ રીંગ રોડ બાલાજી હોલ પાછળ ગોવિંદરત્ન બંગલો સામે આર.એમ.સી. કવાર્ટર બ્લોક નં. ૮ કવાર્ટર નં. ૧૬૩૨મા રહેતાં અને સિકયુરીટી ગાર્ડ તરીકે નોકરી કરતાં જીજ્ઞેશ ચુનિલાલભાઇ દેસાણી (બાવાજી) (ઉ.વ.૩૯)ની ફરિયાદ પરથી શાહરૂખ નામના શખ્સ અને ત્રણ અજાણ્યા સામે ગુનો નોંધ્યો છે.જીજ્ઞેશ દેસાણીએ ફરિયાદમાં જણાવ્યું છે કે સાંજના આઠેક વાગ્યે હું, મારા પત્નિ હંસા ચાલીને શાકબકાલુ લેવા જતાં હતાં  ત્યારે અમારા કવાર્ટરના ગેઇટ પાસે પહોંચતા ચાર શખ્સો બેઠા હતાં. તે દરરોજ અહિ બેસે છે જે પૈકી એકનું નામ શાહરૂખ છે અને બીજાના નામ મને આવડતાં નથી. આ ચારમાંથી એક અમારા પતિ-પત્નિ વિશે કંઇક બોલતાં મેં ત્યાં જઇ 'કેમ અમારા વિશે બોલો છો?' તેમ કહેતાં શાહરૂખે ગાળો ભાંડી હતી. તેને ગાળો દેવાની ના પાડતાં તેણે એકટીવા જેવા વાહનમાંથી પાઇપ કાઢી મને કપાળે ઘા ઝીંકી દીધો હતો. તેના કારણે હું પડીગયો હતો. એ દરમિયાન મને માથાના પાછળના ભાગે કોઇએ કંઇક મારી દીધું હતું. મારા પત્નિ હંસા મને બચાવવા આવતાં તેના પર પણ લાકડી-પાઇપથી ચારેય જણાએ હુમલો કરી ઇજા પહોંચાડી હતી. અમને બંનેને લોહી નીકળવા માંડતા રાડારાડી કરતાં આ ચારેય જણાએ જો ફરિયાદ કરીશ તો જીવતો નહિ છોડીએ તેવી ધમકી આપી વાહનમાં બેસી ભાગી ગયા હતાં.

અમારા પર હુમલો થયો ત્યારે નજીકમાં કરીયાણાની દૂકાન હોઇ ત્યાંથી પણ લોકો છોડાવવા આવ્યા હતાં. જે પૈકી એક રૂબીબેન નામના મહિલાને પણ આ શખ્સોએ માર માર્યો હતો. ચારેય જણાએ અમારા પતિ-પત્નિ વિશે બોલી કારણ વગર હુમલો કરી ઇજા પહોંચાડી હતી. તાલુકા પીએસઆઇ પી. એમ. રાઠવાએ ગુનો નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. 

(3:07 pm IST)