Gujarati News

Gujarati News

News of Tuesday, 7th September 2021

ગરીબ પરિવારોને લાડવા અર્પણ કરીને પ્રભુનો જન્મોત્સવ ઉજવાશે

રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મ. સા.નાં સાંનિધ્યે કાલે ભગવાન મહાવીર જન્મોત્સવઃ માતા ત્રિશલાદેવીને આવેલા ચૌદ મહાસ્વપ્નોના દિવ્ય દર્શન

રાજકોટઃ તા.૭: અનંત આત્માને સંસાર સાગર તરાવવા માટે આ અવની પર જેમનું પરમ પુણ્યવંતુ અવતરણ થયું હતું, એવાં ત્રણ લોકના નાથ, જગતના તારણહારા, દેવાધિદેવ તીર્થંકર પ્રભુ મહાવીર જન્મોત્સવનો ભવ્યાતિભવ્ય અવસર રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબનાં સાંનિધ્યે ઉજવાઇ રહેલા ગ્લોબલ પર્યુષણ મહાપર્વ અંતર્ગત આવતીકાલ તા.૮ બુધવારના દિને પરમધામ સાધના સંકુલના પ્રાંગણમાં આયોજિત કરવામાં આવ્યો છે.

પ્રભુના અવતરણ સમયે માતા ત્રિશલાદેવીને આવેલાં ૧૪ મહાસ્વપ્નની અલૌકિક વણઝારના દિવ્ય દર્શન કરાવવા સાથે આ અવસરે પ્રભુના અમૂલ્ય ગુણોને પ્રકાશિત કરતાં સુંદર અને પ્રેરણાત્મક દ્રશ્યાંકનની પ્રસ્તુતિ બાદ હજારો ભાવિકો અત્યંત ભકિતભાવ અને નૃત્ય કિર્તના કરતાં કરતાં પ્રભુ જન્મોત્સવના વધામણાં લેશે ત્યારે ગુંજી રહેશે પરમધામના અણુ અણુમાં પ્રભુના નામનો જય જયકાર.

ઉલ્લેખનીય છે કે, જૈન દર્શનમાં તીર્થંકર પ્રભુની માતાને આવતા ૧૪ મહામંગલકારી મહાસ્વપ્નનુ અત્યંત મહત્વ દર્શાવવામાં આવ્યું છે. દરેકે દરેક સ્વપ્ન મંગલકારી, શુભકારી અને રિદ્ધિપ્રસિદ્ધિ, સમૃદ્ધિનાં પ્રતિક હોય છે. એવા એ દિવ્ય મહાસ્વપ્નોના દર્શન સાથે પ્રભુ મહાવીર પ્રત્યે અંતરની શ્રદ્ધા ભકિતભાવની અર્પણતા કરવા આ અવસરે પરમધામમાં ચાતુર્માસ બિરાજિત રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ આદિ ૪૯ સંત પ્ર સતીજીઓ ઉપરાંત સમગ્ર ભારત તેમજ વિદેશના અમેરિકા, લંડન, ઓસ્ટ્રેલિયા, જર્મની, આફ્રિકા, નાયરોબી, બાંગ્લાદેશ, કંબોડીયા, પાકિસ્તાન, યુગાન્ડા, સિંગાપોર, દુબઇ, અબુધાબી, સુદાન આદિ ૧૨૦ થી વધુ દેશોના લાખો ભાવિકો અત્યંત આતુરતા અને ઉત્સાહપૂર્વક તત્પર બની રહ્યાં છે.

ઉપરાંતમાં, પ્રભુ જન્મોત્સવના આનંદને સર્વત્ર પ્રસારિત કરવા આ અવસરે રાષ્ટ્રસંત પરમ ગુરુદેવની પ્રેરણાથી અનેક ક્ષેત્રોનાં ગરીબ લોકોને લાડવા અર્પણ કરીને પ્રભુનો જય જયકાર વર્તાવવામાં આવશે.પ્રભુ જન્મોત્સવના પાવન અવસરે, પ્રભુ જન્મોત્સવ જે ભકિતભાવથી ઉજવે, તે પ્રભુ પરિવારમા જન્મ પામે આવા ભાવ સાથે સર્વ પ્રભુપ્રેમી ભાવિકોને પ્રત્યક્ષ કે લાઈવના માધ્યમે જોડાવા આમંત્રણ આપવામાં આવ્યું છે.

(3:11 pm IST)