Gujarati News

Gujarati News

News of Tuesday, 7th September 2021

તીર્થકર પ્રભુ મહાવીરની રત્નકુક્ષિણી ત્રિશલા માતાને આવેલા ચૌદ મહા સ્વપ્નનું મહાત્મય

દરેક તીર્થકરની માતાને ચૌદ મહા સ્વપ્ન આવે છે. માતા ત્રિશલા પોતાને  આવેલા સપનાની વાત મહારાજા સિધ્ધાર્થને કરે છે. રાજા કૂશળ સ્વપ્ન પાઠકોને બોલાવી તેના અર્થને જાણે છે.

મનોજ ડેલીવાળાએ જણાવ્યું કે પવૉધિરાજ પર્યુષણ પર્વના પાંચમા દિવસે અનંત ઉપકારી પ્રભુ મહાવીરનું જીવન - કવન અને પ્રેરક પ્રસંગો પૂ. સંત - સતિજીઓ પ્રવચનમાં  ફરમાવશે.

(૧) હાથી હે માતાઃ આપનો પુત્ર જગતમાં હાથીની જેમ નિર્ભય થઇને વિચરશે.

(૨) ઋષભઃ આવનાર વીર પુત્ર તેના જ્ઞાન અને ચારિત્ર બળથી વિષય - કષાયરૂપી કાદવ - કીચડમાં સંસારમાં ફસાયેલા અનેક જીવોને બહાર કાઢશે.

(૩) સિંહઃ આ શુરવીર પુત્ર સિંહ ની જેમ પરાક્રમી બની શાસનની ધુરા સંભાળશે.નીડર - નિભૅય બનીને વિચરશે.

(૪) લક્ષ્મીઃ હે માતા ...આપનો પુત્ર ભૌતિક લક્ષ્મીનો ત્યાગ કરી શાશ્વતી એવી મોક્ષ લક્ષ્મી ને વરશે.

(૫) પુષ્પની બે માળાઃ આવનાર બાળક મોટો થઇ આગાર અને અણગાર ધર્મ સમજાવી તીર્થની સ્થાપના કરશે.

(૬) ચંદ્રઃ હે માતા... આપનો પુત્ર ચંદ્ર સમાન શીતળ તેમજ સૌમ્ય હશે.

(૭) સૂર્ય :  આવનાર બાળક જગતમાંથી મિથ્યાત્વના અંધારા દૂર કરી સૂર્ય સમાન તેજસ્વી - ઓજસ્વી બનશે.

(૮) ધજાઃ જેમ મંદિર પર રહેલી ધજાથી દૂરથી ખ્યાલ આવે છે તેમ આપના પુત્રની પણ યશ કીર્તિ દૂર - સુદૂર ફેલાશે.

(૯) કળશઃ અમૃતના કળશમાંથી જેમ અમૃતપાન કરાવી શકાય તેમ આપનો લાલ...જિનવાણી રૂપી જ્ઞાનામૃત પીવડાવશે.

(૧૦) પદ્મ સરોવરઃ શુભ અને પ્રેમનું પ્રતિક છે,આવનાર બાળક જયાં પણ જશે પ્રેમ અને પ્રસન્નતા ફેલાવશે.

(૧૧) ક્ષીર સમુદ્રઃ  હે માતા...તમારો પુત્ર સમુદ્રની જેમ અનેક જીવાત્માનો આધાર બનશે.

(૧૨) દેવ વિમાનઃ  સદ્ ગતિનું પ્રતિક છે.હે માતા... તમારૂ સંતાન અનેકના સદ્ ગતિનું નિમિત્ત બનશે અને સ્વયં સિદ્ધ ગતિને વરશે.

(૧૩) રત્ન રાશિઃ ભૌતિક સમૃદ્ધિને પ્રગટ કરવા માટે જેમ લક્ષ્મીનું મહત્વ છે એવી રીતે આત્મિક ગુણોને પ્રગટ કરવા રત્ન રાશિનું મહત્વ છે.

(૧૪) અગ્નિઃ  હે...રત્નકુક્ષિણી માતા...જેવી રીતે અગ્નિ પ્રજવલિત થવાથી અંધારું ચાલ્યું જાય છે તેમ આપનો લાડકવાયો કેવળ જ્ઞાન અને કેવળ દશૅનને પ્રાપ્ત કરી દુનિયાનો પ્રકાશનો પૂંજ અને તારણહાર બનશે.

સંકલન :  મનોજ ડેલીવાળા,

રાજકોટ, મો.૯૮૨૪૧ ૧૪૪૩૯

(3:11 pm IST)