Gujarati News

Gujarati News

News of Tuesday, 7th September 2021

ખાખરેચીની લડત (૧૯૨૯)

આઝાદી પૂર્વે સૌરાષ્ટ્રના સ્વાતંત્ર્ય સૈનિકોના સત્યાગ્રહની લડતનો ઇતિહાસ

ખાખરેચીનો સત્યાગ્રહ કાઠીયાવાડના દેશી રાજયો સામે સીધા લડતની પ્રથમ ઘટના છે. રજવાડી પ્રથા મુજબ ખેડુતોને ખુબ ત્રાસ હતો. મોટાપ્રમાણમાં દુધ તથા  પોણોલાખ કડબના પુળા મફત દરબારી  ઉતારે ખેડૂતોને મોકલવા પડતા હતા. અન્ય લાગલેતરીનો કોઇપાર ન્હોતો.

ખાખરેચીનો સદગૃહસ્થ મગનલાલ પાનાચંદ ૧૯૧૮માં વઢવાણ ગાંધીજીને મળેલા અને સાબરમતીઆશ્રમમાં અંતેવાસી તરીકે રહયા હતા. ખેડૂતોને તથા લોકોને જે તકલીફો હતી તેના અનુસંધાને તેઓ ૧૯૨૯ના નવેમ્બરની ૨૬મી તારીખે ખેડૂતોની સભા બોલાવી અને સંબોધન કર્યુ કે આવો ઘોર અન્યાય શા માટે અને કયાં સુધી કરશો ? બોલો ? આ પરિસ્થિતિનો ગાંધીમાર્ગે લડત આપવી છે. તેમા માલ મિલકત જપ્ત થશે. માર ખાવો પડશે હાડકા ભાંગશે હદપારી થશે જેલના સળીયા પાછળ ધકેલાવુ પડશે બોલો આ બધુ કબુલ છે ? જો કબુલ હોય તો સત્યાગ્રહના પ્રસ્તાવમાં સહી કરો. ખેડૂતોએ સ્વીકાર્યું અને ૨૭મી નવેમ્બરે સત્યાગ્રહના મંડાણમાં થયા. ફુલચંદભાઇ બારડોલીનો જંગ જીતીને તાજેતરમાં વઢવાણ આવ્યા હતા અને ફુલચંદભાઇ, શિવાનંદજી અને શારદાબેન ટુકડી, મણીલાલ કોઠારી, મોહનભાઇ સંઘવી, સત્યાગ્રહમાં જોડાયા અઢાર. સ્થાનીકોની કમિટિ રચાઇ સભામાં સત્યાગ્રહીઓને ઉદેશીને તેમણે કહયું કે તમે અઢારેય જણા ગીતાના અઢાર અધ્યાય સમાન છો તમારા પક્ષે ન્યાય છે ભગવાન શ્રીકૃષ્ણ તમારા પક્ષે છે તે આખરે તમારા પક્ષે ન્યાય છે. તે આખરે તમારા પક્ષે વિજય નિશ્ચીત છે. અંતે સત્યાગ્રહના કારણેે દરબારેે શરતો સ્વીકારી અને સત્યાગ્રહ પૂર્ણ થયો. ખાખરેચી સત્યાગ્રહમાં સચિવ ભાગ લેનાર નાગરીકો મગનભાઇ પાનાચંદ, લાલજીભાઇ ઉકરડા, ત્રાકાભાઇ નરસીભાઇ, જેરામભાઇ, જેઠાભાઇ, કરસશનભાઇ નારણભાઇ, મેઘજીભાઇ જેરામભાઇ, ફુલભાઇ, વીરજીભાઇ, માલાભાઇ, હાજીભાઇ ઘાંચી, ગંગારામ બેચરભાઇ, નથુરામ હંસરાજ, નથુરામ મુળજી, મુળજીભાઇ વાલાભાઇ, ભાણજીભાઇ, કુવરજીભાઇ, દેવજીભાઇ, રત્નાભાઇ, ટપુભાઇ, દેવકરણભાઇ, રામજીભાઇ,લવજીભાઇ, પુંજાભાઇ, મોતીભાઇ, રત્નાભાઇ, કરસનભાઇ સક્રિય રહયા હતા.

૯ દાયકા થઇ ગયા એટલે સત્યાગ્રહીઓએ  તો વિદાય લઇ લીધી હશે પણ તેમના વારસદારોને અવશ્ય ગૌરવ પ્રાપ્ત થયુ હશે નવી પેઢીએ પણ તેમાંથી ઘણુ શિખવુ પડશે.

 સંકલન

નવીન ઠકકર

મો.૯૮૯૮૩ ૪૫૮૦૦ 

(4:01 pm IST)