Gujarati News

Gujarati News

News of Tuesday, 7th September 2021

આકાશવાણી ચોક પાસે ફલેટમાં કિશોરીના આપઘાતનું કારણ અકબંધ

શાંતિ હાઈટસ એપાર્ટમેન્ટમાં બનાવઃ કિશોરી માતાની પહેલા કામ પર પહોંચી જઈ ફાંસો ખાઈ લીધો

રાજકોટ, તા. ૭ :. યુનિવર્સિટી રોડ પર આવેલી બીટી સવાણી કિડની હોસ્પીટલ પાસે શાંતિનગર મફતિયાપરામાં રહેતી ૧૭ વર્ષની કિશોરી ગઈકાલે તેણી જ્યાં કામ કરતી હતી કે શાંતિ હાઈટસ ફલેટમાં ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

મળતી વિગત મુજબ આકાશવાણી ચોક પાસે આવેલા શાંતિ હાઈટસ ફલેટમાં આઠમા માળે ઘરકામ કરનાર ૧૭ વર્ષની કિશોરી કિરણ બીપીનભાઈ ધાપાએ ગઈકાલે ફલેટમાં ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતા યુનિવર્સિટી પોલીસ મથકના હેડ કોન્સ. સાજીદ ખીરાણી અને રાઈટર અનુજભાઈએ બનાવ સ્થળે પહોંચી યુવતીના મૃતદેહને પીએમ માટે ખસેડયો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં આ કિશોરી કિડની હોસ્પીટલ પાસે આવેલા શાંતિનગર મફતિયાપરામાં રહેતી હતી તે તથા તેની માતા આ ફલેટમાં ઘરકામ કરતા હતા તેણી એક ભાઈ એક બહેનના પરિવારમાં નાની હતી. તેનો ભાઈ રીક્ષા ચલાવે છે. કિશોરી ગઈકાલે તેની માતા પહેલા અહીં પહોંચી જઈ બાદમાં ફલેટનો દરવાજો બંધ કરી ગળાફાંસો ખાઈ લીધો હતો. દરમિયાન ફલેટમાં રહેતા મીતભાઈએ દરવાજો બંધ હોય ખખડાવવા છતાં દરવાજો ન ખુલતા શંકા જતા દરવાજો તોડીને જોતા કિશોરી લટકતી હાલતમાં જોવા મળી હતી તેથી તેમણે પોલીસને જાણ કરી હતી. ફલેટમાં રહેતા મિતભાઈ રેસ્ટોરન્ટના વ્યવસાય સાથે સંકળાયેલા છે તે તથા તેમની સાથે અન્ય બે વ્યકિત અહીં રહેતા હોવાનું તેમજ આ ફલેટ મીતભાઈના સંબંધીનો હોવાનું માલૂમ પડયુ છે. કિશોરીએ કયા કારણોસર આ પગલુ ભરી લીધુ તેનુ કારણ જાણી શકાયું નથી જેથી કિશોરીના આપઘાતનું કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે.

(4:02 pm IST)