Gujarati News

Gujarati News

News of Tuesday, 7th September 2021

હસનવાડી અને રિદ્ધિ સિદ્ધિ પાર્કના મકાનમાં તથા વચ્છરાજનગરમાં જુગારના દરોડાઃ ૧૮ પત્તાપ્રેમી ઝડપાયા

આજીડેમ પોલીસના બે દરોડામાં ૧૨ અને ભકિતનગર પોલીસે ૬ની ધરપકડ કરી

રાજકોટ, તા. ૭ :. શહેરના આજીડેમ પાસે રિદ્ધિ સિદ્ધિ પાર્કના મકાનમાં અને વચ્છરાજનગરમાં જાહેરમાં આજીડેમ પોલીસે દરોડો પાડી બાર શખ્સોને અને હસનવાડીના મકાનમાં ભકિતનગર પોલીસે ૬ શખ્સોને જુગાર રમતા પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ આજીડેમ પાસે રિદ્ધિ સિદ્ધિ પાર્કમાં એક મહિલા પોતાના મકાનમાં જુગારધામ ચલાવતી હોવાની આજીડેમ પોલીસ મથકના કોન્સ. સંજયભાઈ જળુને બાતમી મળતા રિદ્ધિ સિદ્ધિ પાર્ક શેરી નં. ૨માં આવેલા મકાનમાં દરોડો પાડી તીનપત્તીનો જુગાર રમતા મકાન માલિક ગીતાબેન ભીખુભાઈ સદાદીયા તથા નીતાબેન પ્રવિણભાઈ ચૌહાણ, શેરી નં. ૩ના કુંદનબેન નવીનભાઈ રામકીયા, શેરી નં. ૧ના પ્રભાબેન ઈન્દ્રપ્રસાદભાઈ રામાવત, સ્વાતીપાર્ક માધવ રેસીડેન્સીના પુષ્પાબેન રમેશભાઈ ગજ્જર અને રિદ્ધિ સિદ્ધિ પાર્કના યોગેશ સુરેશભાઈ સંચાણીયાને પકડી લઈ રૂ. ૧૧,૯૦૦ની રોકડ સહિતની મત્તા કબ્જે કરી હતી.

જ્યારે બીજા દરોડામાં કોન્સ. કુલદીપસિંહ જાડેજા તથા શૈલેષભાઈ નેચડાને બાતમી મળતા કોઠારિયા રોડ વચ્છરાજનગર બંધ શેરીમાં દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા ખોખડદળ ગામ ૨૫ વારીયામાં રહેતા હરેશ માવજીભાઈ સોલંકી, હેમંત રમેશભાઈ પરમાર, વચ્છરાજનગરના કેવલ ભરતભાઈ કાવીઠીયા, ગધીવાડ ભૂતનાથ મંદિર પાસે રહેતા હેમા ડાયાભાઈ શંખેશ્વરીયા, બીરજુ સંજયભાઈ રાપુચા અને વચ્છરાજનગરના સંજય ઉમેશભાઈ રાઠોડને પકડી લઈ રૂ. ૧૫૩૫૦ની રોકડ સહિતની મત્તા કબ્જે કરી હતી. આ કામગીરી પીઆઈ વી.જે. ચાવડા, એ.એસ.આઈ. યશવંતભાઈ ભગત, હેડ કોન્સ. કૌશેન્દ્રસિંહ, ઈન્દ્રસિંહ, શૈલેષભાઈ, કુલદીપસિંહ, જયપાલભાઈ, ઉમેદભાઈ તથા ભીખુભાઈ દ્વારા કરવામાં આવી હતી.

હસનવાડીમાંથી છ શખ્સો પકડાયા

હસનવાડી શેરી નં. ૨/૩માં આવેલા મકાનમાં કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની બાતમીના આધારે ભકિતનગર પોલીસ મથકના પીઆઈ જે.ડી. ઝાલાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ આર.જે. કામળીયા તથા હેડ કોન્સ. રણજીતસિંહ, મનરૂપગીરી, ભાવેશભાઈ, રણજીતસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ, રાજેશભાઈ, હિતેન્દ્રસિંહ, વિશાલભાઈ સહિતે હસનવાડી શેરી નં. ૨/૩માં આવેલા મકાનમાં દરોડો પાડી તીનપત્તીનો જુગાર રમતા મકાન માલિક અનીલ જાદવજીભાઈ પરમાર, નહેરૂનગર મેઈન રોડ શ્રધ્ધા સોસાયટીના જીતેન્દ્ર માવજીભાઈ મનાણી, હસનવાડીના સવજી ગોરધનભાઈ દોંગા, કૃષ્ણજી સોસાયટીના સૂર્યકાંતભાઈ માવજીભાઈ મનાણી, જલજીત સોસાયટી શેરી નં. ૧૦ના ચંદુ જીવરાજભાઈ કાચા તથા વિજય કાંતીભાઈ ટાંકને પકડી લઈ રૂ. ૧૫૬૮૦ની રોકડ સહિતની મત્તા કબ્જે કરી કાર્યવાહી કરી હતી.

(4:03 pm IST)