Gujarati News

Gujarati News

News of Tuesday, 7th September 2021

જીવવામાં રસ નથી, કંટાળી ગયો છું...ચિઠ્ઠી લખી તિરૂપતી બાલાજી પાર્કના પ્રવિણ પટેલનો લાલપરીમાં કૂદી આપઘાત

રવિવારે ઘરેથી નીકળ્યા બાદ ગૂમ થયા પછી આજે સવારે લાશ મળીઃ સંઘાણી પરિવારમાં કલ્પાંત

મૃતદેહ બહાર લાવનારા ફાયર બ્રિગેડના જવાનો તથા મૃતક યુવાનનો ફાઇલ ફોટો જોઇ શકાય છે

રાજકોટ તા. ૭: મોરબી રોડ પર તિરૂપતી બાલાજી પાર્કમાં રહેતા ઇમિટેશનના ધંધાર્થી પટેલ યુવાન રવિવારે ઘરેથી એકટીવા લઇને નીકળ્યા બાદ ગૂમ થયા પછી આજે સવારે તેની લાલપરી તળાવમાંથી ફુલાઇ ગયેલી હાલતમાં લાશ મળી આવતાં અરેરાટી વ્યાપી ગઇ હતી. તેના પર્સમાંથી મળેલી ચિઠ્ઠીને આધારે તેણે આપઘાત કર્યાનું ફલિત થયું હતું. જિંદગીથી કંટાળી જઇ પગલુ ભર્યાનો તેમાં ઉલ્લેખ છે.

એક યુવાનની લાશ લાલપરી તળાવ મચ્છોમાતાજીના મંદિર પાસે તરતી હોવાની જાણ કોઇ જાગૃત નાગરિકે પોલીસ કન્ટ્રોલ રૂમમાં કરતાં ફાયર બ્રિગેડની ટીમ પહોંચી હતી અને એક યુવાનનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. બી-ડિવીઝનના પીએસઆઇ જે. પી. સરવૈયા અને કિશનભાઇ સહિતે ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી.

પોલીસે તપાસ કરતાં એક ચુંટણી કાર્ડ મળ્યું હતું. તેના આધારે મૃતકની ઓળખ થઇ હતી. તે મોરબી રોડ તિરૂપતી બાલાજી પાર્ક-૭માં રહેતો પ્રવિણભાઇ લક્ષમણભાઇ સંઘાણી (પટેલ) (ઉ.વ.૩૮) હોવાનું ખુલતાં તેમના પરિવારજનોને બોલાવાયા હતાં. પોલીસે મૃતક પાસેથી મળેલા પર્સને ચેક કરતાં એક સ્યુસાઇડ નોટ મળી હતી. જેમાં લખ્યું હતું કે-હું મારા જીવનથી કંટાળી ગયો છું, મને જીવવામાં રસ નથી, મારા પરિવારજનોને કોઇ હેરાન કરતાં નહિ, આમા કોઇનો વાંક નથી.

પોલીસે આ ચિઠ્ઠી કબ્જે કરી હતી. ગઇકાલે જ પ્રવિણભાઇ ગૂમ થયાની જાણ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી. રવિવારે બપોર બાદ પ્રવિણભાઇ એકટીવા લઇ ઘરેથી નીકળ્યા પછી પાછા ન આવતાં બે દિવસ સુધી શોધખોળ કર્યા બાદ ગત સાંજે પોલીસને જાણ કરાઇ હતી. ત્યાં આજે લાલપરીમાંથી તેની લાશ મળી આવતાં કલ્પાંત સર્જાયો હતો.

પ્રવિણભાઇ બે ભાઇ અને એક બહેનમાં નાના હતાં અને ઇમિટેશનનું કામ કરતાં હતાં. સંતાનમાં આઠ વર્ષનો પુત્ર છે. જેણે પિતાની છત્રછાંયા ગુમાવી છે. પ્રવિણભાઇના પિતા હયાત નથી. માતા તેની સાથે જ રહે છે. બનાવથી સંઘાણી પરિવારમાં ગમગીની કિરીટભાઇ, મોૈલિકભાઇ સહિતના સ્ટાફે પાણીમાંથી મૃતદેહ બહાર કાઢી પોલીસને સોંપ્યો હતો.

(4:04 pm IST)