Gujarati News

Gujarati News

News of Wednesday, 7th October 2020

આલે...લે...હોસ્પીટલ ચોક બ્રીજનાં ખોદકામને ફરી ગ્રહણ : તંત્રની જાણ બહાર ભુગર્ભની જમ્બો પાઇપ લાઇન નિકળતા કામ ટલ્લે

જયુબેલી ચોક અને કેસરી પુલ વાળા રોડ પર ભૂગર્ભ ગટરની ૧૬૦૦ અને ૧ર૦૦ એમ. એમ.ની પાઇપ લાઇનો નિકળી પડીઃ હવે સિફટીંગની કામગીરી કરાશે

રાજકોટ તા. ૬ :.. શહેરનાં હોસ્પીટલ ચોકનાં ત્રિ-માર્ગીય ફલાય ઓવરબ્રીજનું કામ લોકડાઉનને કારણે અટકયા બાદ હવે ફરી ચાલુ થતાં આ કામગીરીને ફરી ગ્રહણ લાગતાં કામ ટલે ચડવાની ભીતિ સર્જાઇ છે.

આ અંગે ઇજનેરી સુત્રોમાંથી જાણવા મુજબ હાલમાં આ બ્રીજનાં પીલરો ઉભા કરવા માટે ખોદકામ ચાલી રહયુ છે.

આ કામગીરી દરમ્યાન બે સ્થળે ભૂગર્ભ ગટરની જમ્બો પાઇપ લાઇન નિકળી પડી છે. જયુબેલી ચોકમાં ભાવેશ મેડીકલ સામેનાં ભાગે પિલરનાં ખોદકામ દરમિયાન ૧૬૦૦ એમ. એમ. ડાયામીટરની જમ્બો પાઇપ લાઇન તંત્રની જાણ બહાર નિકળતા ઇજનેરોમાં દોડધામ મચી ગઇ છે. અને હાલ તુરંત કામ ટલ્લે ચડયું છે.

તેવી જ રીતે કેસરી પુલ પાસે પણ બેડી તરફ જતી ૧ર૦૦ એમ. એમ. ડાયામીટરની ભૂગર્ભ ગટરની પાઇપ લાઇન પિલફનાં ખોદકામ દરમિયાન નિકળી પડી હતી.

નોંધનીય છે કે ખોદકામ અગાઉ તંત્ર દ્વારા જમીનમાંથી પસાર થતી પાઇપ લાઇનો અને કેબલ વાયર વગેરે સર્વિસનું સીફટીંગ અગાઉથી જ કરી નાંખવામાં આવે છે.

પરંતુ ઉપરોકત બન્ને કિસ્સામાં તંત્ર અંધારામાં રહ્યુ હોય તેમ પિલરનાં ખોદકામ વખતે જમ્બો પાઇપ લાઇનો નિકળી પડી હતી. જેનાં કારણે હવે આ પાઇપ લાઇનો ફેરવવી પડશે અને તેની પાછળ લાખોનો ખર્ચ થશે. તેટલુ જ નહીં. બ્રિજનું કામ પણ હવે ર થી ૪ મહીના સુધી ટલ્લે ચડી જશે.

(3:33 pm IST)