Gujarati News

Gujarati News

News of Wednesday, 7th October 2020

અમૃતસરથી પતિ બારોબાર પત્નિને રાજકોટમાં ભાડાના મકાનમાં મુકીને જતો રહ્યોઃ માનસિક અસ્વસ્થ ભાવીશાબેન સારવારમાં

મકાનમાં મહિલા તોફાન કરતાં હોઇ પડોશીઓએ ૧૮૧ મારફત હોસ્પિટલમાં ખસેડ્યા હતાં: ત્યાંથી રજા અપાયા બાદ રેલનગરમાં સગાના ઘરે હતાં: ત્યાંથી ગત સાંજે નીકળી જઇ કોટેચા ચોકમાંથી મળતાં ફરી હોસ્પિટલમાં : દિકરીને જમાઇ રાજકોટ મુકી ગયો તેનાથી પોતે અજાણ હોવાનો અને અમૃતસર ફોન કરતાં જમાઇએ કહ્યું-છુટાછેડા થઇ ગયા છેઃ જુનાગઢ રહેતાં પિતા રાજુભાઇ વિરવાણીનો આક્ષેપ

ભાવીશાબેનની હાલની અને પહેલાની તસ્વીર તેમના સ્વજને મોકલી હતી

રાજકોટ તા. ૭: જુનાગઢ માવતર ધરાવતી અને રાજકોટમાં સાસરૂ ધરાવતી તેમજ હાલમાં છેલ્લા બે વર્ષથી પતિ સંતાનો સાથે અમૃતસર (પંજાબ) રહેતી ભાવીશાબેન (ઉ.વ.૨૬) નામની સિંધી પરિણીતાને પતિ પંદરેક દિવસ પહેલા રાજકોટ લાવી રેલનગર પાસે ભાડાના મકાનમાં એકલી મુકી પરત અમૃતસર જતો રહેતાં અને ભાવીશાબેને પરમ દિવસે મકાનમાં દેકારો મચાવી તોફાન કરતાં લોકોએ ૧૮૧ને જાણ કરતાં તેણીને હોસ્પિટલમાં ખસેડાઇ હતી. ત્યાંથી ગઇકાલે તેણીને રજા અપાતાં એક સગાને ત્યાં રેલનગરમાં લઇ જવાઇ હતી. ત્યાંથી તેણી ફરીથી નીકળી જઇ ગોંડલ રોડ ચોકડીએ અને ત્યાંથી કોટેચા ચોકમાં પહોંચતા ફરીથી હોસ્પિટલમાં ખસેડાતાં માનસિક રોગના વિભાગમાં દાખલ કરવામાં આવી છે. તેણીને પતિ  રાજકોટ મુકી ગયાની જાણ ગઇકાલે જુનાગઢ સ્થિત પિતા રાજુભાઇ વિરવાણીને થતાં તેઓ રાજકોટ દોડી આવ્યા હતાં.

ભાવીશાબેનને ગત સાંજે ૧૮૧ની ટીમે કોટેચા ચોક સાંઇ મંદિર પાસેથી હોસ્પિટલમાં ખસેડતાં ચોકીના સ્ટાફે માલવીયાનગર પોલીસને જાણ કરી હતી. તેણીના પિતા જુનાગઢ રહેતાં રાજુભાઇ વિરવાણી રાજકોટ આવ્યા હતાં. તેમણે વિગતો આપતાં જણાવ્યું હતું કે દિકરી ભાવીશાના લગ્ન અઢાર વર્ષ પહેલા રાજકોટ ગાયકવાડીના દિનેશ વિનોદભાઇ જસવાણી સાથે થયા હતાં. સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે. બે વર્ષથી જમાઇ દિનેશે અમૃતસરમાં હોટેલ કરી હોઇ તે મારી દિકરી, સંતાનોને ત્યાં લઇ ગયો હતો. ત્યાં તેને અવાર-નવાર ટોર્ચર કરવામાં આવતી હતી. દરમિયાન પંદરેક દિવસ પહેલા તે મારી દિકરીને અમારી જાણ બહાર રાજકોટ રેલનગર તરફ એક મકાન ભાડે રાખી ત્યાં મુકીને જતો રહ્યો હતો. આની જાણ અમને છેક ગઇકાલે થઇ હતી.

૧૮૧ની ટીમે આપેલી માહિતી મુજબ ભાવીશાબેન રેલનગર પાસેના મકાનમાં એકલા રહેતાં હોઇ અને તોફાન કરતાં હોઇ તેવો કોલ આવતાં પરમ દિવસે અમારી ટીમ પહોંચી હતી. ત્યારે તેણીએ અમારી સાથે ગાળાગાળી કરી હતી અને પથ્થરમારો કર્યો હતો. તેમની માનસિક હાલત સ્વસ્થ જણાતી ન હોઇ અમે સિવિલ હોસ્પિટલમાં ખસેડેલ. એ પછી ત્યાંથી તેને રજા અપાઇ હશે અને ગઇકાલે તેણી ફરીથી અમને કોટેચા ચોકમાંથી મળતાં અમે તેને ફરી સિવિલમાં ખસેડ્યા હતાં.

ભાવીશાબેનના પિતા રાજુભાઇના કહેવા મુજબ હોસ્પિટલમાંથી રજા અપાયા પછી અમારી દિકરીને ફઇના દિકરાને ત્યાં રેલનગરમાં રખાઇ હતી. ત્યાંથી તેણી ગઇકાલે અમે જુનાગઢથી આવીએ એ પહેલા નીકળી ગઇ હતી. અમે ઠેર ઠેર શોધખોળ હાથ ધરી હતી. ત્યાં તેણી ગોંડલ રોડ ચોકડીએ પહોંચી હોઇ કોઇ સેવાભાવી તેણીના હાથમાં ઓમસાઇ લખ્યું હોઇ જેથી કોટેચા ચોકના સાઇ મંદિરે મુકી ગયેલ. ત્યાંથી તેણીને હોસ્પિટલમાં ખસેડાઇ હતી.  જમાઇને અમે અમૃતસર ફોન કરતાં તેણે છુટાછેડા થઇ ગયાનું કહ્યું હતું. રાજુભાઇએ વધુમાં કહ્યુ હતું કે છુટાછેડા થઇ ગયા હોય તો માવતર તરીકે અમને જાણ કરવી જોઇએ. પણ તે અમારી દિકરીને અમારી જાણ બહાર બારોબાર ભાડાના મકાનમાં મુકીને જતો રહ્યો હતો. છુટાછેડા થયાના કાગળો પણ તેણે અમને મોકલ્યા નથી.

આ મામલે વન સ્ટોપ સખી સેન્ટરમાં પણ ફરિયાદ કર્યાનું રાજુભાઇ વિરવાણીએ જણાવ્યું હતું. પોલીસે આ અંગે વિશેષ તપાસ હાથ ધરી છે.

(11:34 am IST)