Gujarati News

Gujarati News

News of Wednesday, 7th October 2020

હું પણ ભરવાડ જ છું, હાલો મુકી જાવ...વૃધ્ધને ગલીમાં લઇ જઇ સોનાના ઠોળીયા પડાવી લીધા

કાલાવડ નવાગામના ભરવાડ વૃધ્ધને નવા બસ સ્ટેશન પાસેથી ગઠીયાએ બાઇકમાં બેસાડ્યાઃ મેડિકલ સ્ટોર સુધી મુકવા જવાને બદલે સુમસામ ગલીમાં લઇ જઇ લૂંટ્યાઃ શકમંદની પુછતાછ

રાજકોટ તા. ૭: કાલાવડના નવાગામના ભરવાડ વૃધ્ધ રાજકોટ માલઢોરની દવા લેવા આવ્યા ત્યારે એક ગઠીયાએ 'હું પણ ભરવાડ છું, ચાલો બેસી જાવ મુકી જાવ'...કહી બાઇકમાં બેસાડી ત્રિકોણબાગ નજીકની ગલીમાં લઇ જઇ ધમકાવી સોનાના બે ઠોળીયા ઉતારી લીધા હતાં. ૨૯મીએ બનેલા આ બનાવમાં એ-ડિવીઝન પોલીસે શકમંદને શોધી કાઢી તપાસ હાથ ધરતાં ભેદ ઝડપથી ઉકેલાઇ જવાની શકયતા છે.

આ બનાવમાં એ-ડિવીઝન પોલીસે કાલાવડના નવાગામમાં રહેતાં અને નિવૃત જીવન ગાળતાં ભલાભાઇ મેરૂભાઇ મેવાડા (ભરવાડ) (ઉ.વ.૭૫)ની ફરિયાદ પરથી અજાણ્યા શખ્સ વિરૂધ્ધ આઇપીસી ૩૮૬, ૫૦૬ (૨) મુજબ ધમકી આપી તેના કાનમાંથી રૂ. ૪૫ હજારના સોનાના ઠોળીયા ઉતરાવી લીધાનો ગુનો નોંધ્યો છે.

ભલાભાઇ મેવાડાએ પોલીસને જણાવ્યું હતું કે મારે ચાર દિકરા છે. જે પૈકી હું મેઘાભાઇ સાથે નવાગામમાં રહુ છું. ૨૯/૯ના રોજ હું મારા ગામથી રાજકોટ માલઢોરની દવા લેવા આવ્યો હતો. નવા બસ સ્ટેશને ઉતરીને રોડ પર આવ્યો ત્યાં સવારે અગિયારેક વાગ્યે એક મોટરસાઇકલવાળો આવ્યો હતો અને મને કહેલ કે બાપા હું પણ ભરવાડ છું, કયાં જવુ છે તમારે? તેમ પુછતાં મેં તેને બસ સ્ટેશન પાછળ ગીર મેડિકલમાંથી ઢોરની દવા લેવા જવું છે તેમ કહેતાં તેણે બેસી જવા કહેતાં હું તેના મોટરસાઇકલમાં બેસી ગયો હતો. તે ત્રિકોણબાગ નજીક એક ગલીમાં લઇ ગયો હતો અને ત્યાં માણસો ન હોઇ મને ડરાવી ધમકાવી જે હોય તે આપી દે નહિતર મારી નાંખીશ તેમ કહી ભય બતાવી સોનાના બે ઠોળીયા ઉતરાવીને ભાગી ગયો હતો.

તેના બાઇકમાં મોરા પર આગળ કાનૂડો દોરેલો હતો. એ પછી મેં મારા સગાને જાણ કરી હતી અને ત્યાંથી ઘરે જઇ દિકરાઓને જાણ કર્યા બાદ અમે ઘરમેળે શોધખોળ કરી હતી. પણ આરોપી ન મળતાં ફરિયાદ નોંધાવી હતી. એ-ડિવીઝન પોલીસે વર્ણનને આધારે તપાસ શરૂ કરી સીસીટીવી કેમેરા ચેક કરી આરોપીને શોધી કાઢવા તજવીજ કરતાં આરોપી હાથવેંતમાં હોવાનું જાણવા મળ્યું છે. પીઆઇ સી. જે. જોષીની રાહબરીમાં પીએસઆઇ જે. એમ. ભટ્ટ, ભરતસિંહ વી. ગોહિલ, હારૂનભાઇ ચાનીયા સહિતનો સ્ટાફ વધુ તપાસ કરે છે.

(11:35 am IST)