Gujarati News

Gujarati News

News of Wednesday, 7th October 2020

પ્રેમમાં નિષ્ફળતા મળવાને લીધે જીઆરડી જવાને કેસરી પુલ પરથી ઠેંકડો માર્યો

રાત્રે પોલીસ મથકમાં નોકરીની હાજરી પુરીને નીકળ્યા બાદ પગલુ ભર્યુઃ જીવ બચી ગયો

રાજકોટ તા. ૭: યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોકરી કરતાં જીઆરડી જવાને રાતે કેસરી પુલ પરથી પડતું મુકતાં મુંઢ ઇજાઓ થતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતાં બી-ડિવીઝન પોલીસને જાણ કરવામાં આવી હતી. પ્રેમમાં નિષ્ફળતા મળતાં આ પગલુ ભર્યાનું સામે આવ્યું હતું.

કુવાડવા રોડ રણછોડદાસ બાપુના આશ્રમ સામે ભગવતીપાર્ક-૧માં રહેતાં જીઆરડી જવાન હિરેનભાઇ પ્રફુલભાઇ હેરમા (ઉ.વ.૨૪)એ રાત્રે પોણા અગિયારેક વાગ્યે કેસરી પુલ પરથી પડતું મુકતાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હિરેનભાઇ બે ભાઇ અને એક બહેનમાં મોટો છે. તેણે કહ્યું હતું કે પોતાને ગઇકાલે નાઇટ ડ્યુટી હતી. રાતે પોલીસ સ્ટેશનમાં હાજરી પુરી કવોરન્ટાઇન થયેલા લોકોને ચેક કરવાની નોકરી માટે નીકળ્યા બાદ કેસરી પુલ પર પહોંચી ઠેંકડો મારી દીધો હતો. સદ્દનસિબે ગંભીર ઇજા પહોંચી નહોતી.

હોસ્પિટલ ચોકી મારફત જાણ થતાં બી-ડિવીઝનના હેડકોન્સ. હિતેષભાઇ જોગડા અને હિતેષભાઇ કોઠીવારે નિવેદન નોંધતા એવી વિગતો ખુલી હતી કે હિરેનભાઇને જામનગરની યુવતિ સાથે પ્રેમ છે. લગ્નની વાત પણ ચાલી રહી છે. પરંતુ યુવતિના પિતા માનતા ન હોઇ પ્રેમમાં નિષ્ફળતાં મળતાં મગજ ભમતો હોવાથી આ પગલુ ભર્યુ હતું.

(12:42 pm IST)