Gujarati News

Gujarati News

News of Wednesday, 7th October 2020

કોટેચા ચોકમાં મોહિતસિંહ પરમાર અને મિત્ર અંકિત બ્લોચ પર ૪ શખ્સનો છરીથી હુમલો

હાર્દિકસિંહને અગાઉ ઉછીના આપેલા રૂ. બાર હજાર પાછા માંગવા મોહિતસિંહ તેના ઘરે ગયો હોઇ ખાર રાખી ડખ્ખો કરાયાની ફરિયાદ

રાજકોટ તા. ૭: કોટેચા ચોકમાં ઉછીના આપેલા પૈસાની ઉઘરાણી કરતાં ચંદનપાર્કના યુવાન અને તેની સાથે રહેલા મિત્ર પર ચાર શખ્સોએ હુમલો કરી છરીથી ઇજા કરતાં બંનેને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.

રૈયા રોડ ચંદનપાર્ક મેઇન રોડ પર બ્લોક નં. ૧૮માં રહેતાં અને પ્રાઇવેટ નોકરી કરતાં મોહિતસિંહ પ્રવિણસિંહ પરમાર (ઉ.વ.૨૨) તથા તેના મિત્ર રૈયા ખોડિયાર મંદિર પાસે રહેતાં અંકિત રાજુભાઇ બ્લોચ (ઉ.વ.૨૨)ને કોટેચા ચોક કૈરવી પાન પાસે હતાં ત્યારે હાર્દિકસિંહ હરદેવસિંહ જાડેજા અને તેની સાથેના ત્રણ અજાણ્યા શખ્સોએ ગાળો દઇ ઝઘડો કરી ઢીકા-પાટુનો માર મારતાં તેમજ છરીથી હુમલો કરી મોહિતસિંહને કમર નીચે ડાબી બાજુ થાપામાં ઇજા કરતાં તેનો મિત્ર અંકિત બચાવવા આવતાં તેને જમણા પગમાં અને ડાબા પગમાં ઇજા કરવામાં આવતાં તેમજ મારી નાંખવાની ધમકી આપવામાં આવતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં.

હોસ્પિટલ ચોકી મારફત જાણ થતાં ગાંધીગ્રામના પીએસઆઇ એચ. વી. સોમૈયાએ મોહિતસિંહની ફરિયાદ પરથી હાર્દિકસિંહ અને ત્રણ અજાણ્યા સામે ગુનો નોંધ્યો હતો. મોહિતસિંહના કહેવા મુજબ અગાઉ હાર્દિકસિંહને રૂ. ૧૨ હજાર ઉછીના આપ્યા હતાં. આ રકમની ઉઘરાણી કરવા છતાં હાર્દિકસિંહ આપતાં ન હોઇ તેની ઘરે પૈસા લેવા ગયેલ. આ બાબતનો ખાર રાખી કોટેચા ચોકમાં ભેગા થઇ જતાં તું કેમ ઘરે ઉઘરાણી કરવા આવ્યો'તો? કહી હુમલો કરાયો હતો.

(12:43 pm IST)