Gujarati News

Gujarati News

News of Wednesday, 7th October 2020

અમારા નાસ્તાના પૈસા પણ તું આપી દેજે...કહી યાસીન ઉર્ફ ભુરાએ અસીમ પર હુમલો કરી ચેઇન લૂંટી લીધો

જામનગર રોડ પર સંજરી મસ્જીદ સામે રાત્રે ઇંડાની રિક્ષા પર બનાવ : ભુરા સાથે બે અજાણ્યા શખ્સો પણ હતાં: પ્ર.નગર પોલીસે હુમલો-લૂંટનો ગુનો નોંધ્યો

રાજકોટ તા. ૭: જામનગર રોડ પર સંજરી મસ્જીદ સામે ઇંડાની રિક્ષા પર નાસ્તો કરવા ઉભેલા યુવાનને ત્યાં નાસ્તો કરવા આવેલા યાસીન ઉર્ફ ભુરા સહિત ત્રણ જણાએ 'અમારા પૈસા પણ તું આપી દેજે' કહી દાદાગીરી કરતાં યુવાને ના પાડતાં તેને ઢીકાપાટુનો માર મારી નાક પર પાઇપ ફટકારી દઇ સોનાના ચેઇનની લૂંટ ચલાવતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

પ્ર.નગર પોલીસે આ અંગે જામનગર રોડ બજરંગવાડી-૭ હાજીપીર નામના મકાનમાં રહેતાં અને પ્રાઇવેટ નોકરી કરતાં અસીમ અબ્દુલભાઇ અધામ (ઉ.૨૫)ની ફરિયાદ પરથી યાસીન ઉર્ફ ભુરો તથા બે અજાણ્યા સામે આઇપીસી ૩૯૪, ૩૨૩, ૫૦૪, ૧૧૪, ૧૩૫ મુજબ હુમલો કરી સોનાના ચેઇનની લૂંટ કરવાનો ગુનો નોંધ્યો છે.

અસીમે ફરિયાદમાં જણાવ્યું છે કે મંગળવારે રાતે સાડા દસેક વાગ્યે હું જામનગર રોડ પોલીસ હેડકવાર્ટર નજીક સંજરી મસ્જીદ સામે કનૈયા ટી સ્ટોલ નજીક ઉભી રહેતી ઇંડાની લારીએ નાસ્તો કરવા ગયો હતો. તે વખતે જામનગર રોડ હુડકો કવાર્ટરનો યાસીન ઉર્ફભુરલો અને બીજા બે શખ્સો પણ નાસ્તો કરવા આવ્યા હતાં. ભુરાને હું સારી રીતે ઓળખું છું. નાસ્તો કરતાં કરતાં તે મારી પાસે આવેલ અને કહેલ કે-અમારા ત્રણેયના નાસ્તાના પૈસા પણ તું આપી દેજે. જેથી મેં ના પાડતાં યાસીન ઉર્ફ ભુરાએ ગાળો દીધી હતી અને ઢીકાપાટુ મારવા માંડ્યો હતો.

અજાણ્યા શખ્સો ધોકા અને પાઇપ સાથે મારી પાસે આવી ગયા હતાં અને નાસ્તાના પૈસા આપી દેવાનું દબાણ કરતાં ના પાડતાં એક શખ્સે પાઇપનો ઘા મોઢા પર અને નાક પર ફટકારી દેતાં ઇજા થઇ હતી. બાદમાં ભુરાએ મારા ગળામાંથી સોનાનો ચેઇન ખેંચીને લૂંટી લીધો હતો. મને નાકમાંથી લોહી નીકળવા માંડતાં હું રોડ પર બેસી ગયો હતો. બાદમાં હોસ્પિટલે ખસેડાયો હતો. એએસઆઇ કનુભાઇ વી. માલવીયાએ ગુનો નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

(12:43 pm IST)