Gujarati News

Gujarati News

News of Wednesday, 7th October 2020

પરાબજારમાં ફ્રુટની રેંકડી ઉભી રાખવાનો હપ્તો ન દેતાં તાહિરશા પર છરીથી હુમલો

લાલો અને સલિમશા પૈસા ઉઘરાવતાં હોવાનો ઘાયલ યુવાનનો આક્ષેપ

રાજકોટ તા. ૭: સદર બજારમાં જુમ્મા મસ્જીદ નજીક રહેતાં અને પરાબજારમાં ફ્રુટનીલારી રાખી ધંધો કરતાં ફકીર યુવાનને બે શખ્સોએ લાકડીથી માર મારી છરીથી ઇજા કરતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

સદરમાં રહેતો તાહિરશા ઇબ્રાહીમશા ફકીર (ઉ.વ.૩૨) સાંજે પરા બજારમાં પોતાની ફ્રુટની લારીએ હતો ત્યારે સલિમશા અને લાલો નામના શખ્સોએ આવી લાકડી-છરીથી હુમલો કરી ઇજા કરતાં હોસ્પિટલમાં દાખલ થયો હતો. તાહિરશા અને તેનો ભાઇ ફ્રુટની લારી રાખી ધંધો કરે છે. તેણે આક્ષેપ કર્યો હતો કે લારી ઉભી રાખવા દેવાના બદલામાં લાલો અને સલિમશા રેંકડીઓવાળા પાસેથી રૂ. ૧૮૦ હપ્તો લે છે. ગઇકાલે પોતાની પાસે ૧૮૦ પુરા ન હોઇ ૧૦૦ રૂપિયા લઇ લેવાનું કહેતાં બંનેએ ઉશ્કેરાઇ જઇ હુમલો કર્યો હતો.

હોસ્પિટલ ચોકીના સ્ટાફે આ અંગે એ-ડિવીઝન પોલીસ મથકમાં એન્ટ્રી નોંધાવી હતી.

ભીમનગરમાં ભાગ્યશ્રીને ભાભીએ ફટકારી

કાલાવડ રોડ પર ભીમનગર-૧૨માં રહેતી ભાગ્યશ્રી નાથાભાઇ રાઠોડ (ઉ.૨૩)ને તેના ભાભી પુષ્પાબેન લક્ષમણભાઇ રાઠોડે પાઇપ ફટકારી લેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી. ભાગ્યશ્રીના પિતા નાથાભાઇના કહેવા મુજબ પુત્રવધૂ પુષ્પાબેન ગાળો બોલતી હોઇ ના પાડતાં માથાકુટ થઇ હતી.

(12:44 pm IST)