Gujarati News

Gujarati News

News of Wednesday, 7th October 2020

હર્ષ કારેલીયાએ પત્નિના કાકા, મામા અને ભાઇની ધમકીઓથી કંટાળી આપઘાત કર્યો'તોઃ ગુનો નોંધાયો

મોરબી રોડ સેટેલાઇટ ચોક આશીર્વાદ સ્કવેરમાં યુવાને પરમ દિવસે મોત મેળવી લીધુ'તુ : લુહાર યુવાને ૬/૩/૨૦ના રોજ ભાગીને પડોશમાં રહેતી માનસી સાથે કુંકાવાવના મોટા ઉજાલા ખાતે લવમેરેજ કર્યા'તાઃ એ પછી બંને પોતપોતાના ઘરે રહેતા હતાં: ત્યારબાદ ૨૨/૯ના ફરી ભાગ્યા ત્યારે જુનાગઢથી યુવતિને લગ્ન કરાવી દેશે તેવું સમજાવી તેના પરિવારજનો લઇ આવ્યા બાદ સતત હર્ષને છૂટાછેડા આપી દેવા માટે ધમકીઓ અપાતી હોવાનો પિતાએ નોંધાવેલી ફરિયાદમાં આરોપ

રાજકોટ તા. ૭: મોરબી રોડ પર સેટેલાઇટ ચોક આશીર્વાદ સ્કવેર એપાર્ટમેન્ટ બી-૪૦૪માં રહેતાં લવમેરેજ કરના લુહાર યુવાન હર્ષ રાજેશભાઇ કારેલીયા (ઉ.૨૨)એ પરમ દિવસે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધાના બનાવમાં તેણે જેની સાથે લવમેરેજ કર્યા હતાં એ પટેલ યુવતિના ભાઇ, કાકા અને મામાની ધમકી કારણભુત હોવાની ફરિયાદ નોંધાવાતાં ચર્ચા જાગી છે. આ બારામાં પોલીસે આઇપીસી ૩૦૬ મુજબ મરી જવું પડે તેવા સંજોગો ઉભા કરવાનો ગુનો નોંધ્યો છે.

બી-ડિવીઝન પોલીસે આપઘાત કરી લેનાર હર્ષના પિતા રાજેશભાઇ નાનાલાલ કારેલીયા (ઉ.વ.૫૦-રહે. આશીર્વાદ સ્કવેર બી-૪૦૪)ની ફરિયાદ પરથી હર્ષએ જેની સાથે લવમેરેજ કર્યા હતાં તે માનસી નામની યુવતિના ભાઇ પાર્થ નિતીનભાઇ રામાણી, મામા મુન્નાભાઇ અને કાકા શૈલેષભાઇ સામે આઇપીસી ૩૦૬, ૫૦૬ (૨), ૧૧૪ મુજબ ગુનો નોંધ્યો છે.

રાજેશભાઇએ ફરિયાદમાં જણાવ્યું છે કે મારે સંતાનમાં બે પુત્ર આકાશ (ઉ.૨૫) અને હર્ષ (ઉ.૨૨) છે. બંને અમારી ભાવનગર રોડ પર આવેલી શિવ ફર્નિચર નામની દૂકાન તથા પટેલનગરમાં એ. જે. સ્ટીલ નામની દૂકાન ચલાવે છે. મારા દિકરા હર્ષે મને આઠેક મહિના પહેલા કહ્યું હતું કે આપણી બાજુમાં આશીર્વાદ સ્કવેરની વીંગમાં રહેતી માનસી સાથે મારે પ્રેમ સંબંધ છે અને મારે તેની સાથે લગ્ન કરવા છે. પરંતુ માનસી કહે છે કે તેના પરિવારજનો લગ્ન થવા નહિ દે. જેથી અમે હર્ષને માનસી સાથે લવમેરેજ કરી લેવા કહેતાં હર્ષ અને માનસીએ તા. ૬/૩/૨૦૨૦ના રોજ ભાગીને કુંકાવાવના મોટા ઉજાળા ગ્રામ પંચાયત ખાતે લગ્ન કરી લીધા હતાં.  ત્રણેક માસથી હર્ષ અને માનસી ફોન પર વાત કરતાં હોઇ માનસીના માતા મધુબેનને ખબર પડી જતાં તેની કોલેજ બંધ કરાવી દીધી હતી અને ઘરમાં જ રાખતા હતાં.

એ પછી ૨૨/૯/૨૦ના રોજ મારો દિકરો હર્ષ અને માનસી ફરીથી ભાગીગયા હતાં. રસ્તામાંથી હર્ષએ મોટા દિકરા આકાશના પાર્ટનર મયુરબાલાસરાને ફોન કરી ઘરે જાણ કરી દેવા કહ્યું હતું અને ફોન કટ કરી નાંખ્યો હતો. એ પછી હર્ષનો ફોન બંધ જ હતો. ત્યારબાદ રાત્રીના સાડા બારેક વાગ્યે હર્ષએ મોટા ભાઇ આકાશને ફોન કરી કહ્યું હતું કે હું અને માનસી જુનાગઢ સત્યમ હોટેલમાં રોકાયા હતાં. અહિ માનસીના માતા, તેનો ભાઇ, કાકા, મામા તથા બીજા દસેક માણસો હોટેલે આવ્યા હતાં અને માનસીને લઇને જતાં રહ્યા હતાં.

એ પછી મારો મોટો દિકરો આકાશ તેના મિત્રોને લઇને જુનાગઢ ગયો હતો. ત્યાંથી હર્ષને ત્યાંના પોલીસ સ્ટેશને લઇ ગયા હતાં. આથી પોલીસે માનસી, તેના માતા મધુબેન, કાકા શૈલેષભાઇ, મામા મુનાભાઇ અને ભાઇ પાર્થને પોલીસ સ્ટેશને બોલાવ્યા હતાં. અહિ આ લોકોએ માનસીના દોઢ મહિના પછી લગ્ન કરાવી આપશું અને વાત કરવા દેશું તેમજ મળવા પણ દેશુ તેમ કહેતાં માનસી ઘરના સભ્યો સાથે રાજકોટ આવી ગઇ હતી. પોલીસે હર્ષ અને માનસીના નિવેદન પણ નોંધ્યા હતાં.

એ પછી માનસીની માતાએ હર્ષ અને માનસીને ફોન કરવાની ના પાડી દીધી હતી. હર્ષ ફોન કરતો તો માનસીના મામા ઉપાડતાં અને ફોન કરવાની ના પાડતાં હતાં. આ વાત મારા દિકરા હર્ષએ મને કરી હતી. એ પછી હર્ષને રસ્તામાં માનસીના મામા, કાકા ગમે ત્યાં મળતાં તો છુટાછેડા આપી દેવાનું કહી ધમકી આપતાં હતાં.

દરમિયાન અઠવાડીયા પહેલા માનસીના મામા મુન્નાભાઇનો હર્ષ પર ફોન આવ્યો હતો કે તમે બંને ભાઇ મારા ફાર્મહાઉસ પર આવો. જેથી હર્ષને બીક લાગતાં તે ગયો નહોતો. મારા દિકરા આકાશે મુન્નાભાઇને ફોન કરી કરણપરામાં બોલાવેલ અને ત્યાં મુન્નાભાઇ, તેના પત્નિ, પાર્થ અને માનસી આવ્યા હતાં. અહિ માનસી અને હર્ષને વાત કરવા દીધી હતી.

એ પછી હર્ષએ મને વાત કરી હતી કે માનસી મળી ત્યારે કહેતી હતી કે તેના માતા એવું કહે છે કે જો તું હર્ષ સાથે જઇશ તો હું જ મશી જઇશ. આ પછી મારા દિકરા હર્ષને માનસીને છૂટાછેડા આપી દેવા માટે સતત ધમકીઓ મળતી હોઇ તેમજ રસ્તામાં રોકીને પણ ધમકી અપાતી હોઇ તેણે ૫મીએ સાંજે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. તેને મરી જવા માટે માનસીના કાકા શૈલેષભાઇ, મામા મુન્નાભાઇ અને ભાઇ પાર્થએ મજબૂર કર્યો હોઇ ત્રણેય વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે.

પીઆઇ એમ. બી. ઓૈસુરાની રાહબરીમાં પીએસઆઇ એચ. એમ. જાડેજાએ ગુનો દાખલ કરાવી વધુ તપાસ શરૂ કરી છે.

(3:20 pm IST)