Gujarati News

Gujarati News

News of Wednesday, 7th October 2020

પોલીસ કમિશનરે જાહેરનામુ બહાર પાડ્યું

હોસ્પિટલ ચોકના થ્રી આર્મ ફલાય ઓવરબ્રિજની કામગીરી અંતર્ગત ટ્રાફિક ડાયવર્ઝનનો અમલ શરૂ

ત્રિકોણબાગથી હોસ્પિટલ ચોક થઇ રેલ્વે સ્ટેશન, કુવાડવા રોડ જવા તથા જામનગર રોડ જવા માટે વાહન ચાલકોએ કઇ રીતે જવું તેમજ કુવાડવા રોડથી કઇ રીતે ચાલવું તે જાણો

રાજકોટ તા. ૭ : શહેરના સૌથી ગીચ ટ્રાફીક ધરાવતા સીવીલ હોસ્પિટલ ચોક ખાતે ટ્રાફીક સમસ્યાને હળવી કરવા તૈયાર થઇ રહેલ થ્રી-આર્મ ફલાય ઓવર બ્રિજ બનાવવાની કામગીરી શરૂ કરાયેલ છે. જે અનવ્યે જયુબેલી ચોકથી હોસ્પિટલ ચોક સુધી સર્વિસ રોડ બંધ કરવા અને આ વિસ્તારમાંથી પસાર થતાં વાહન વ્યવહાર માટે નીચે જણાવેલ વિગતે વાહનવ્યવહાર સરળ બનાવવા અને ફલાય ઓવર બ્રિજ બનાવવાની કામગીરીમાં ટ્રાફિક સમસ્યા ન સર્જાય તે માટે પોલીસ કમિશ્નરશ્રી રાજકોટ મનોજ અગ્રવાલે તા.૫/૧૦/૨૦૨૦ ના રોજ એક જાહેરનામું પ્રસિધ્ધ કરી ટ્રાફીકને ડાયવર્ટ કરવા આદેશ કરેલ છે.

આ આદેશાનુસાર ત્રીકોણબાગથી આવતા તમામ વાહનો કે જેઓ સીવીલ હોસ્પિટલ થઇ કુવાડવા રોડ, રેલ્વે સ્ટેશન તરફ જવા માંગતા હોય તેઓ જયુબેલીચોકથી દેનાબેંક ચોક, કોર્ટ ચોક, ખટારા સ્ટેન્ડ ચોક થઇને રેલ્વે સ્ટેશન કે કુવાડવા રોડ તરફ જઇ શકશે. તથા ત્રીકોણ બાગથી સીવીલ હોસ્પિટલ થઇને જામનગર રોડ તરફ જવા માંગતા વાહનો જયુબેલીચોકથી લવલી ગેસ્ટહાઉસ ચોક થઇને ચૌધરી હાઇસ્કુલ ચોક મારફતે સીવીલ હોસ્પિટલ ચોક તરફ તથા ધરમ સીનેમા ચોક થી જામટાવર ચોક થઇને જામનગર રોડ કે રેલ્વેસ્ટેશન તરફ જઇ શકશે.

તેજ રીતે કુવાડવા રોડ તથા રેલ્વે સ્ટેશન તરફથી આવતા અને જયુબેલી ચોક કે ત્રીકોણબાગ જવા માંગતા તમામ વાહનો ખટારા સ્ટેન્ડ ચોક થી દેનાબેંક ચોક થઇને જયુબેલીચોક કે ત્રિકોણબાગ જઇ શકશે તથા જામનગર રોડ તરફથી આવતા વાહનો જામટાવરચોક , ધરમ સીનેમા ચોક, ચૌધરી હઈસ્કુલ ચોક, લવલી ગેસ્ટહાઉસ ચોક થઇને જયુબેલીચોક કે ત્રિકોણબાગ જઇ શકશે. કામકાજના સ્થળે માલસામાન લઇ અવરજવર કરવા માટે કોન્ટ્રકટરે જરૂરી પરવાનગી મેળવવાની રહેશે. આ અંગે અગાઉ પ્રસિધ્ધ થયેલ હોસ્પિટલ ચોકથી લવલી ગેસ્ટ હાઉસ સુધી વાહનોને અવરજવર કરવાની મંજુરી આપતા જાહેરનામાની અમલવારી મોકુફ રાખવામાં આવેલ છે.આ જાહેરનામું પ્રસિધ્ધ થયાથી એક માસ સુધી અમલી રહેશે. જેનો ભંગ કે ઉલ્લંઘનકરનાર શીક્ષાને પાત્ર ઠરશે.

(1:59 pm IST)