Gujarati News

Gujarati News

News of Wednesday, 7th October 2020

ઉચ્ચ વ્યાવસાયિક મુલ્યોનો પરિચય કરાવી રહ્યા છે એમબીબીએસ ફાઇનલ યરના છાત્રો

પીડીયુ મેડિકલ કોલેજના છાત્રોએ કોવિડમાં ફરજ બજાવ્યાના અનુભવો : મેડિકલ છાત્રોની કર્મઠતા અને સેવાને કારણે ભવિષ્યની તબિબી સેવા વધુ સુદ્રઢ હશેઃ કુ. નેન્શી ગણાત્રા

કોરોના મહામારીમાં અનેક લોકો વેન્ટીલેટર ઉપર છે, અનેક લોકોના જીવ જોખમમાં છે, કેટલાક લોકો  સાથેની અન્ય ગંભીર બીમારીને લીધે જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. ઘણાં લોકોએ જીવ પણ ગુમાવ્યો છે. રાજય સરકાર કોરાના સામેની લડાઇમાં કટીબધ્ધ છે. આ વિકટ પરિસ્થિતિમાં લોકોની મહામૂલી જીંદગી બચાવવા એક વ્યવસાયિક ડોકટર તરીકે અમે આગળ ન આવીએ તો તેનાથી બીજુ ખરાબ શું હોય શકે ? તેમ કહેવુ છે, એમબીબીએસના ફાઈનલ યરમાં અભ્યાસ કરતાં કુ. નેન્શી ગણાત્રાનુ. આમ, આ વિશ્વવ્યાપી કોરોના મહામારીમાં તબીબી શાખાના અનેક ભાવિ ડોકટર માનવસેવાના યજ્ઞમાં યથાયોગ્ય આહુતિ આપી રહ્યા છે. જે ઉચ્ચ વ્યવસાયિક મૂલ્યો પ્રત્યેની પ્રતિબદ્ઘતા સાથે તબીબી સેવાના નવા પાઠ શીખી રહ્યા છે. આ મેડીકલ છાત્રોની કર્મઠતા અને સમર્પિતભાવ સાથેની સેવા આપણી ભવિષ્યની તબીબી સેવા વધુ સુદ્રઢ હશે, તેની પ્રતિતી કરાવી રહી છે.

કોવિડ-૧૯માં મહામારીમાં ફરજ નિભાવવાને જીંદગીનો મહત્વપૂર્ણ વળાંક ગણાવતા નેન્શી ગણાત્રા આગળ વાત કરતા કહે છે કે, કદાચ અમે ચાર વર્ષમાં જે શીખ્યાં નથી,  તે અમે કોવિડમાં ડ્યુટી કરીને શીખ્યાં છીએ, એક ઈન્ટર્નને શીખવા માટે આવશ્યક જરૂરી તમામ બાબતો આ પરિસ્થિતિમાં સુપેરે શીખવા મળે છે. ICU,વેન્ટીલેટર, NRBM, બાય પેમ્પર વગેરે બાબતો અમે ચાર વર્ષના અભ્યાસ દરમિયાન આટલી વ્યવહારિક અને વિસ્તૃતપણે શીખ્યાં ન હતા. તે આ દિવસોમાં શીખવા મળ્યું. સાથે જ એક સાથે દર્દીઓની સારવાર-શુશ્રૂષા કરવી ખરેખર જીંદગીના અવિસ્મરણ્ય અનુભવો રહ્યા છે.

કોરોના મહામારીમાં ફરજ નિભાવ્યાનો આનંદ વ્યકત વધુમાં કુ. નેન્શી ગણાત્રા કહે છે કે, જે અમે ભવિષ્યમાં શીખવાના હતા, તે ખુબજ ટૂંકા સમયગાળામાં આ સેવા દરમિયાન શીખવા મળ્યું છે.

 રાજકોટ પીડીયુ મેડીકલ કોલેજના એમબીબીએસના ફાઈનલ યરમાં અભ્યાસ કરતી કું. શ્રુતિ કાનગડ કહે છે કે, શરૂઆતમાં જયારે કોવિડમાં ડ્યુટી કરવા જોડાયા ત્યારે સ્વભાવિક રીતે ડર તો હોય જ. ઘરના પરિવારના ચિંતા, ડોનિંગ-ડોફિંગ, પીપીઈ કીટ પહેરવી વગેરે બાબતો અંગે ચિંતા-મૂંજવણ હતી. પણ યોગ્ય તાલીમ અને કામ કરવાના અનુભવ પછી ડ્યુટી કરવી એકદમ સરળ લાગવા માંડી. સાથે તબીબી સેવાના વ્યાહવારિક પાઠ સહિત ઘણુ બધુ શીખવા મળ્યું. આગામી દિવસોમાં હજુ ઘણુ શીખવા મળશે. તેમ તેમણે ઉમેર્યું હતુ.

એમબીબીએસ ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી કું. પાયલ મહેતા કહે છે કે, કોવિડ ડ્યુટીમાં જોડાયા પહેલા સહજ રીતે થોડો ડર હતો. પરિવારની પણ ચિંતા હોય પણ અંદરથી કોવિડ-૧૯ મહામરીમાં ફરજ બજાવવાની મહેચ્છા પણ હતી. આમ, ફરજ પર જોડાયા બાદ ઘણુ શીખવાની સાથે જીંદગીનું એક મહત્વપૂર્ણ સંભારણું પણ બની ગયું છે.

(2:00 pm IST)