Gujarati News

Gujarati News

News of Wednesday, 7th October 2020

યોગ ભગાવે રોગઃ યોગાસનોથી ચાર દર્દીઓએ મેળવ્યો કોરોનાથી છૂટકારો

મહામારીમાં ઇમ્યુનિટી વધારવા યોગ ખુબ અસરકારકઃ દોડવીર સુરેશ વિશ્વકર્મા

રાજકોટ તા. ૭ : 'કોરોનાની મહામારીને નાથવા માટે અને ઇમ્યુનિટી વધારવા માટે યોગ અસરકારક માધ્યમ છે.' આ શબ્દો છે દૌડવીર સુરેશભાઈ વિશ્વકર્માના..., જેમણે તાજેતરમાં વિવિધ યોગાસનો થકી કોરોનાને મ્હાત આપી છે.

ભારતીય સંસ્કૃતિએ સમગ્ર વિશ્વને જીવનના સર્વાંગી વિકાસનું અમૂલ્ય જ્ઞાન 'યોગ' સ્વરૂપે આપ્યું છે. જેના થકી કોઈ પણ વ્યકિત પોતાના શરીરને સ્વસ્થ અને મન ને શાંત કરીને પોતાની આંતર ચેતનાને વિકાસના નવા આયામ આપી શકે છે. ત્યારે હાલ રાજકોટની સમરસ હોસ્ટેલ ખાતે વિવિધ યોગાસનો થકી ૪ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. જે પૈકી ૩૮ વર્ષીય દોડવીર સુરેશભાઈ વિશ્વકર્મા એ તેમની સાથે દાખલ દર્દીઓને યોગાસન કરવા પ્રેરિત કરીને કોરોના મુકત બન્યા છે.

આ વિશે વાત કરતા સુરેશભાઈ જણાવે છે કે, 'ખેલ મહાકુંભ, મેરેથોન વગેરેમાં યોજાતી દૌડની સ્પર્ધામાં હું નિયમિત પણે ભાગ લઉં છું અને રાજય કક્ષાએ પારિતોષિક પણ મેળવેલા છે, માટે હું નિયમિત પણે કસરત અને વ્યાયામ કરું છું, મને ખબર નથી કે કોરોનાનું સંક્રમણ મને કઇ રીતે લાગુ પડ્યું, હું જીમમાં કસરત કરી રહ્યો હતો એ વખતે મને શ્વાસ ચડવા લાગ્યો અને મારુ શરીર પણ તપવા લાગ્યું, કસરત તો હું નિયમિત પણે કરું છું પણ આવું પહેલી વાર બન્યું માટે હું તુરંત સિવિલ હોસ્પિટલમાં ટેસ્ટ કરાવવા ગયો જયાં મારો રિપોર્ટ પોઝિટિવ આવતા મને સમરસ હોસ્ટેલમાં દાખલ કરવામાં આવ્યો, અત્યારે કોરોનાથી જ બચવાની એક જ દવા છે અને તે છે સબળ રોગ પ્રતિકારક શકિત માટે દાખલ થયા ના બીજા જ દિવસથી મૈં મારા બેડ પર જ  દરરોજ યોગ અને પ્રાણાયામ શરૂ કરી દીધા. હું અનુલોમ-વિલોમ, કપાલ ભાતિ, તાડાસન વગેરે જેવા યોગાસનો કરવાનું શરૂ કરી દીધું. સમરસમાં કાર્યરત ડોકટરોએ પણ મને યોગાસન માટે બિરદાવતા હતા. ત્યાં મારી સાથે દાખલ અન્ય ૩ દર્દીઓ પણ યોગાસન કરવા જોડાયા, પછી તો આ ક્રમ બની ગયો અમે દરરોજ આ રીતે કોરોના સામે ભાથ ભીડતા હતા. અને આ રીતે ૮ દિવસમાં અમે કોરોનાને મ્હાત આપીને કોરોના મુકત થયા છીએ.'

આમ યોગના અસરકારક માધ્યમથી સુરેશભાઈ એ તેમની સાથે અન્ય દર્દીઓને પણ યોગ કરવા પ્રેરિત કરીને યોગના અસરકારક માધ્યમથી કોરોનાને મ્હાત આપી છે.

(2:01 pm IST)