Gujarati News

Gujarati News

News of Wednesday, 7th October 2020

૮૨ વર્ષના હરિબાપાએ હરાવ્યો કોરોનાને

મક્કમ નિર્ધાર, સકારાત્મક વિચારો અને સાત્વિક જીવનશૈલી : સમરસ કેરની સ્વચ્છતા, આરોગ્ય કર્મીઓના આત્મીય ભાવને વખાણતા મોહિતભાઇ

કોઈપણ બાબતનો ડર શરીર કરતાં મન માટે વધુ હાનિકારક સાબિત થતો હોય છે. પછી તે ડર કોઇ અન્ય રોગનો હોય કેવૈશ્વિક સ્તરે હાહાકાર મચાવતા કોરોનાનો. આપણી પ્રાચીન સંસ્કૃતિના ઓથ હેઠળ જીવનારા અનેક વૃધ્ધો આજે આયુર્વેદિક ઉપચાર તેમજ સાત્વિક આહાર-વિહારની જીવનશૈલીના કારણે ઢળતી ઉંમરે પણ કોરોનાના સંક્રમણને હરાવી તેની સામે વિજયી બન્યાં છે.

રાજકોટના આવા જ એક ૮૨ વર્ષિય વૃધ્ધજન હરિબાપાએ એ વાત સાબિત કરી છે કે,કોઈપણ રોગ સામે જીત હાંસિલ કરવાં માટે વય મર્યાદા કરતાં મક્કમ મનોબળ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે.

સમરસ કોવિડ કેર સેન્ટરમાં પોતાનાં દાદાને મળેલી સારવાર અંગે વાત કરતાં હરિભાઈના પૌત્ર મોહિતભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે, 'આમ તો મારા દાદાને કોઈ બીમારી નહોતી,પરંતુ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ સમરસ કોવિડ કેર સેન્ટર ખાતે અન્ય તપાસ દરમિયાન ખ્યાલ આવ્યો કે તેમને બીપીની સામાન્ય તકલીફ અને ડાયાબીટીસ પણ છે. પરંતુ તેમ છતાં સમરસ કોવિડ કેર સેન્ટરના આરોગ્યકર્મીઓ અમને કહ્યું ચિંતા ન કરો દાદા ઝડપથી દોડતાં થઈ જશે... અને ખરેખર ૯ જ દિવસમાં દાદા સંપૂર્ણ સ્વસ્થ થઈ ઘરે પણ આવી ગયા. ત્યાંના આરોગ્યકર્મીઓની મહેનત અને દાદાની સરળ અને સહજ જીવનશૈલીને કારણે તેઓ ઝડપથી રિકવર થઈ ગયા.

ઘરે આવ્યા બાદ દાદા અમને કહે છે કે,સમરસ કેર સેન્ટર ખાતેની સ્વચ્છતા,આરોગ્ય કર્મીઓનો આત્મિય ભાવ અને દર્દીઓને અપાતી સારવારના જેટલાં વખાણ કરો તેટલાં ઓછા છે.

(2:02 pm IST)