Gujarati News

Gujarati News

News of Wednesday, 7th October 2020

લોકડાઉન અને અનલોકના આટાપાટા વચ્ચે પણ 'લાઇફ બ્લડ સેન્ટર' ની સેવાઓ ધમધમતી રહી

૨૨ માર્ચથી ૨૩ સપ્ટેમ્બર સુધીમાં ૧૦૮૬૭ યુનિટ રકત ઇશ્યુ કર્યુ

રાજકોટ તા. ૭ : લાઇફ બ્લડ સેન્ટર સૌરાષ્ટ્રમાં બિનસરકારી સેવા સંસ્થાઓમાં એવી સૌપ્રથમ બ્લડ બેન્ક છે, જેને એનએબીએચની માન્યતા મળી છે. લોકડાઉનમાં બધુ બંધ હતુ ત્યારે પણ રાજકોટનું 'લાઇફ બ્લડ સેન્ટર' સેવા માટે ધમધમતુ રહ્યુ હતુ.

એક કિસ્સો જોઇએ તો ૨૭ મી એપ્રિલે ૩૧ વર્ષના એક યુવકને ગંભીર અકસ્માત થયો અને ઘણું લોહી વહી ગયુ હતુ. તેને તાત્કાલીક લોહી ચડાવવાની સ્થિતી ઉભી થતા લાઇફ બ્લડ સેન્ટરમાંથી ૭૨ કલાકમાં ૫૪ યુનિટ લોહી પુરૂ પાડવામાં આવ્યુ. એક અઠવાડીયામાં કુલ ૭૦ યુનિટ અપાયુ. આજે આ યુવાનને સારૂ છે અને હોસ્પિટલમાંથી રજા પણ આપી દેવામાં આવી છે.

અન્ય એક કિસ્સામાં ૩૦ મી એપ્રિલે ૩૨ વર્ષની એક યુવતીને હેમરેજ થતા લોહીની તાત્કાલીક જરૂર પડી હતી. લાઇફ બ્લડ સેન્ટરે એક અઠવાડીયામાં ૪૨ યુનિટ લોહી પુરૂ પાડીને તેને જીવનદાન આપ્યુ. એવી જ રીતે ૨૭ મી મે ના એક ૫૦ વર્ષી મહીલાને થ્રોમ્બોસાયટોપેનિયાની બીમારી હતી. તેમને લોહીની જરૂર પડતા માત્ર પ દિવસમાં ૨૯ યુનિટ લોહી અપાયુ. આ ૨૯ યુનિટ પૈકી ૯ તો સિંગલ ડોનર પ્લેટસલેટસ હતા.

લાઇફ બ્લડ સેન્ટરના મેડીકલ ડીરેકટર ડો. સંજીવ નંદાણીયાએ જણાવ્યુ કે લોકડાઉનના સમયગાળામાં રાજકોટમાં જ નહીં પણ દેશભરમાં સમય જાણે થંભી ગયો હોય તેવી હાલત સર્જાઇ હતી. ત્યારે પણ આ સેન્ટર દ્વારા માનવતાના મંદિર જેવી સેવાઓ ચાલુ રાખી હતી. કપરા સમયમાં પણ લોહી પુરૂ પાડેલ. રર માર્ચથી ૨૩ સપ્ટેમ્બર સુધીમાં ૧૦૮૬૭ યુનિટ રકત ઇશ્યુ કર્યુ છે. એટલુ જ નહીં ૭ ઓગષ્ટથી ૨૩ સપ્ટેમ્બર વચ્ચે ૧૦૮ યુનિટ પ્લાઝમા કોરોના દર્દીને ઇશ્યુ કર્યુ છે.

લાઇફ બ્લડ સેન્ટરના જોઇન્ટ એકઝીકયુટીવ ટ્રસ્ટી શ્રીમતી મિતલ કોટીચા શાહે જણાવ્યુ કે આવા કપરા સંજોગોમાં પણ સ્વૈચ્છિક રકદાતાઓએ રંગ રાખી રકતની ખેંચ પડવા દીધી નથી, એટલે રકતદાતાઓનો પણ અહીં આભાર માનવો રહે. વધુ માહીતી માટે ફોન ૨૨૩ ૪૨૪૨ અને મો.૮૫૧૧૨ ૨૧૧૨૨ ઉપર સંપર્ક કરી શકાય છે.

(3:11 pm IST)