Gujarati News

Gujarati News

News of Wednesday, 7th October 2020

પે એન્ડ પાર્કમાં ફોર વ્હીલ પાર્કિંગ ડીપોઝિટ મુદ્દે ડખ્ખા

ગ્રાહકને બે કલાકનાં રૂ.. ર૦ની ડીપોઝિટની પહોંચ આપે છે અને ર કલાક પહેલા જ વાહન લઇ જનારને ડીપોઝિટ પરત નહિં આપવા મુદે રોજ કોન્ટ્રાકટર અને ગ્રાહકો વચ્ચે માથાકુટનાં દ્રશ્યો

પાર્કિંગ ચાર્જનાં બોર્ડમાં વિસંગતતાઃ રાજકોટઃ પે એન્ડ પાર્કિંગ અંગેનાં ચાર્જ દર્શાવતાં બોર્ડ પાર્કિંગ સ્થળે મુકાયા છે. તેમાં વિસંગતતા દર્શાય છે. યાજ્ઞિક રોડ સર્વેશ્વર ચોકમાં લગાવેલા બોર્ડ તસ્વીરમાં દર્શાય છે. જેમાં પાર્કિંગ ચાર્જ પર લીટા મારી ભૂંસી નખાયેલા દર્શાય છે.

રાજકોટ તા. ૭: શહેરમાં મ.ન.પા. દ્વારા પે એન્ડ પાર્કનાં કોન્ટ્રાકટરો જાહેર રોડ અને જાહેર પ્લોટમાં અપાયા છે જેમાં ટુ વ્હીલર, થ્રી વ્હીલર, ફોર વ્હીલરનો ચાર્જ કલાક દિઠ મ.ન.પા.એ નકકી કરેલો છે. તે મુજબ જ કોન્ટ્રાકટરે લેવાનો રહે છે. પરંતુ કેટલાક સ્થળોએ એવી ફરિયાદો ઉઠી છે કે કોન્ટ્રાકટર ફોર વ્હીલ પાર્કિંગ માટે રૂ.. ર૦ ની ડીપોઝીટની પહોંચ ર કલાક માટે આપે છે. અને પછી આ રકમમાંથી ચાર્જ બાદ કરીને પૈસા પરત નથી આપતાં.

આ અંગે તાજેતરમાં જ એક 'પે એન્ડ પાર્ક'માં ફોર વ્હીલર પાર્ક કરનાર વાહન ધારકને રૂ.. ર૦ ડીપોઝીટ ચાર્જ ર કલાક માટે એવું લખેલી પહોંચ આપવામાં આવી. બાદમાં વાહન ધારક ર કલાકને બદલે પોતાનું વાહન વહેલું પરત લેવા આવતાં ડીપોઝીટમાંથી નિયત ચાર્જ બાદ કરીને બાકીની રકમ પરત આપવાં કોન્ટ્રાકટરનાં સ્ટાફે ના પાડતાં આ મુદ્દે બંને પક્ષે રકઝક માથાકુટનાં દ્રષ્યો સર્જાયા હતાં.

આમ પહોંચમાં રૂ.. ર૦ ર કલાક પાર્કિંગ ડીપોઝીટ લખેલું હોવાથી આ મુદ્દે ગ્રાહકો અને કોન્ટ્રાકટરનાં સ્ટાફ વચ્ચે અવાર-નવાર માથાકુટનાં દ્રશ્યો સર્જાઇ રહ્યા છે ત્યારે આ બાબતે મ.ન.પા.નાં તંત્ર વાહકો યોગ્ય કરે તેવી માંગ લોકોમાં ઉઠવા પામી છે.

(3:13 pm IST)