Gujarati News

Gujarati News

News of Wednesday, 7th October 2020

આલાપ ગ્રીનસીટી કોમન પ્લોટમાં ઘટાદાર વૃક્ષોની હત્યાઃ ટેમ્પો ભરી લાકડા સગેવગે

સોસાયટીના જાગૃત નાગરિકો ગાર્ડન વિભાગમાં ફરીયાદ કરી સમગ્ર કારસ્તાન ખુલ્લુ પાડતા ખળભળાટ

રાજકોટ, તા.૭ : શહેરના રૈયા રોડ વિસ્તારમાં આવેલ આલાપ ગ્રીન સીટી સોસાયટી પાસે આવેલ કોમન પ્લોટમાં ૧પ વર્ષ જુના ઘટાદાર વૃક્ષો કાપી નાંખી અને કપાયેલા લાકડા ટેમ્પોમાં ભરીને સગેવગે કરી નાંખવાનું કારસ્તાન થયાની ફરીયાદ સોસાયટીમાં રહેતા જાગૃત નાગરિકે મ્યુ. કોર્પોરેશનના ગાર્ડન ડીયરેકટરને કરતા જબરો ખળભળાટ મચી ગયો છે. આ અંગે આલાપ ગ્રીન સોસાયટીના રહેવાસીએ મ્યુ. કોર્પોરેશનના ગાર્ડન ડાયરેકટરને કરેલી ફરીયાદમાં જણાવાયું છે કે, 'આલાપ ગ્રીન સોસાયટીની પશ્ચિમ દિશામાં વર્ષો જુના ઘટાદાર વૃક્ષોનું ઉપવન હતું.'દરમિયાન આ ઉપવનના અંદાજે રપ થી ૩૦ જેટલા ઘટાદાર વૃક્ષોને જડમૂડથી કાપી નાંખીને સ્થળ પર એકત્રીત થયેલ વૃક્ષોની કાપેલી ડાળીઓ લાકડાના થડ વગેરેને ટેમ્પોમાં ભરીને લઇ જવાયા હતાં અને ઘટાદાર વૃક્ષોથી શોભતું ઉપવન એકાએક વિરાન કરી દેવાયું અને કોમન પ્લોટ ઉજ્જડ કરી નંખાતા સોસાયટીના રહેવાસીઓ તથા વૃક્ષપ્રેમીઓમાં અરેરાટી મચી જવા પામી છે. રજુઆતના અંતે આ ઘટાદાર વૃક્ષોની હત્યા કરનારા સામે વગર મંજૂરીએ વૃક્ષછેદન કરવા બાબતે નિયમ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવા માંગ ઉઠાવાઇ છે. આમ કોમન પ્લોટમાં એકાએક વૃક્ષો કાપીને લાકડા ભરીને સગેવગે કરવાના આ કારસ્તાનથી જબરો ખળભળાટ મચી ગયો છે.

(3:14 pm IST)