Gujarati News

Gujarati News

News of Wednesday, 7th October 2020

દારૂની ભઠ્ઠી ચલાવવા લાખોની વીજ ચોરી કરવા અંગેના ગુનામાં આરોપીની આગોતરા જામીન અરજી રદ

રાજકોટ તા. ૭: સાત લાખ અડતાલીસ હજાર ત્રણ સો છેતાલીસ રૂપિયાની મોટી રકમની વીજચોરીના કેસમાં આરોપી આગોતરા જામીનની અરજી નામંજુર થતાં અદાલત વીજચોરોમાં ફફડાટ ફેલાયો છે.

આ કેસની હકીકત એવી છે કે વિંછીયા ગામના વિજયભાઇ ઉકાભાઇ રાજપરાને ત્યાં વિંછીયા પોલીસે પ્રોહીબીશનના ગુના સંબંધે રેડ કરતા વીજચોરીની હકીકત પોલીસને માલુમ પડતા પી.જી.વી.સી.એલ.ના અધીકારીને જાણ કરતા પી.જી.વી.સી.એલ. ના અધીકારીએ ચેકિંગ કરતા, આરોપી તે જગ્યામાં દારૂની ભઠ્ઠી ચલાવતા હતા, અને ભઠ્ઠીમાં અનઅધીકૃત રીતે લંગર નાખી વીજચોરી કરી વીજવપરાશ કરતા હતાં. જેથી જી.ઇ.બી. પોલીસ સ્ટેશને આરોપી સામે વીજચોરીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી કરેલ હતી.

આ કામે આરોપીએ રાજકોટની સ્પે. અદાલતમાં આગોતરા જામીનની અરજી કરેલ સદરહું અરજીની સુનવણી ન્યાયમુર્તિ અને સ્પે. કોર્ટના જજ શ્રી હિરપરાની અદાલતમાં થતા, પી.જી.વી.સી.એલ. તરફે એડવોકેટ શ્રી જીતેન્દ્ર મગદાણી તથા સરકાર પક્ષે સરકારી વકીલ શ્રી આબીદ એ. સોશાનની દલીલને ધ્યાને લીધેલ તેમજ અદાલતે ગુનાની હકીકતને ધ્યાને લઇ તેમજ સર્વોચ્ચ અદાલતે પ્રતીપાદીત કરેલ સિધ્ધાંતને ધ્યાને લઇ ન્યાયમુર્તિ શ્રી હિરપરા એ આરોપીની આગોતરા જામીનની અરજી ના મંજુર કરેલ હતી.

આ કામમાં મુળ ફરીયાદીની પી.જી.વી.સી.એલ. વતી રાજકોટના ધારાશાસ્ત્રી શ્રી જીતેન્દ્ર એમ. મગદાણી રોકાયેલા તેમજ સરકાર પક્ષે સરકારી વકીલ શ્રી આબીદ એ. સોશાન રોકાયેલ હતા.

(3:17 pm IST)