Gujarati News

Gujarati News

News of Wednesday, 7th October 2020

સોપારી આપી મામાની હત્યા કરાવવાના ગુનામાં ભાણેજે જામીન પર છુટવા કરેલ અરજી નામંજુર

રાજકોટ તા. ૭: કાલાવડ રોડ ઉપર વિરડા વાજડી ગામ પાસે આઇ.ઓ.સી. પેટ્રોલ પંપ સામે પંચરનું કામકાજ કરતો મોહમદ જસીમ મોહમદ અલ્લાઉદીન શાહની હત્યા નિપજાવવાની સોપારી આપનાર આરોપી મહમદ બસીર આલમશા ઉર્ફે ઇશાદ ઉર્ફે રાજુ કયુમશા શાહની જામીન અરજી સેસન્સ કોર્ટે ફગાવી દીધેલ છે.

બનાવની હકીકત એવી છે કે મરણ જનાર તથા મારી નાખવાની સોપારી આપનાર બન્ને કુટુંબી મામા ભાણેજ થાય છે અને મરણ જનારને વિરડા વાજડી મુકામે પંચરની કેબીન છે. અને મારી નાખવાની સોપારી આપનારને મેટોડા રોડ ઉપર પંચરની કેબીન છે. ધંધાની હરીફાઇને કારણે ભાણેજ મહમદ બસીર આલમશાએ મામાને મારી નાખવા માટે રૂ.. ૪૦,૦૦૦/-માં સલીમશા અબ્દુલશાને સોપારી આપેલ અને સલીમશા અબ્દુલશા એ તે કામ માટે ગોંડલના વિશાલ ગીરધરભાઇ રાઠોડ તથા નિકાવાના શબીરશા ઉર્ફે રૂસ્તમ હબીબશાને ખુન કરવા માટે જણાવેલ તે મુજબ બનાવના દિવસે રાત્રીના વિશાલ તથા શબ્બીરશા બન્ને મોટર સાઇકલમાં નિકળેલ અને વિરડા વાજડી પંચરની કેબીન ધરાવનાર મોહમદ જસીમને તેની પંચરની કેબીન પાસે સુતો જોયેલ અને તેઓ બન્ને મેટોડા ગયેલ અને આરોપી મહમદ બશીર કે જે ભાણેજ થાય છે તેને જણાવેલ કે મારવા માટે કાંઇક હથીયાર આપી તેથી આરોપી મહમદ બસીરે લોખંડનો સળીયો આપેલ તે સમયે ચારેય આરોપી મેટોડા આરોપીની પંચરની કેબીને ભેગા થયેલ ત્યારબાદ વિશાલ અને શબ્બીરશા લોખંડનો સળીયો લઇ મૃતક પાસે આવેલ અને મોટર સાયકલમાં આગળના વીલમાં હવા ભરવાનું મૃતકને જણાવેલ તેથી મરણ જનાર મોહમદ જસીમ હવા ભરવા માટે નીચે નમતા આરોપી વિશાલે તેના માથામાં લોખંડના સળીયાથી ચાર ઘા મારી દીધેલ અને મૃત્યુ નિપજાવી ફરીથી મેટોડા ગયેલ અને ત્યાંથી સોપારી આપનાર મહમદ બસીર પાસેથી પાંચ હજાર મેળવી આરોપી મહમદ બસીર તથા સલીમશા તથા વિશાલ અને શબ્બીરશા ફરાર થઇ ગયેલ.

પોલીસે આ ચારેય આરોપીની ધરપકડ કરી જેલ હવાલે કરેલ. જેલ હવાલે રહેલ આરોપીઓ પૈકી આરોપી મહમદ બસીરે જામીન ઉપર છુટવા સેસન્સ અદાલતમાં જામીન અરજી કરતા સરકાર પક્ષે સરકારી વકીલ મુકેશભાઇ પીપળીયા હાજર થયેલ અને જામીન અરજીની વિરોધ કરતા જણાવેલ કે સાવ નજીવી બાબતમાં હત્યાની સોપારી આપી આરોપીએ હત્યા કરાવી નાખેલ છે. આવા ઝનુની વ્યકિતને જામીન આપી શકાય નહિં. જો તેને જામીન આપવામાં આવે તો તે ફરીથી આવા ગુન્હા કરતા ખચકાશે નહીં અને તેને કાયદાનો કોઇ ડર રહેશે નહીં. સરકાર પક્ષની દલીલને ધ્યાને લઇ સેસન્સ જજ શ્રી ડી. એ. વોરાએ આરોપીની જામીન અરજી રદ કરેલ છે.

આ કામમાં સરકાર પક્ષે એ.પી.પી. મુકેશભાઇ પીપળીયા રોકાયેલ હતા.

(3:18 pm IST)