Gujarati News

Gujarati News

News of Wednesday, 7th October 2020

નશાખોર પિતાને પુત્રએ છરીના ૯ ઘા ઝીંકી પતાવી દીધા

રાજુભાઇ ઉકાભાઇ મકવાણા (કોળી) (ઉ.વ.૪૫)એ જાતે છરીના ઘા ખાઇ લીધાનું હોસ્પિટલે લાવનારા પુત્ર અજય અને પત્નિ ગીતાબેને કહ્યું: છાતી-પેટ-હાથ-પગમાં ઘા જોતાં જ પીઆઇ જી.એમ. હડીયા અને ટીમે વિસ્તૃત પુછતાછ કરી અને મોટા દિકરા રોહિતે હત્યા કર્યાનું સ્પષ્ટ થયું: આરોપી સકંજામાં રોજબરોજ દારૂ સહિતના નશા કરી ઝઘડા કરતોઃ ગત રાતે પત્નિ સાથે ખેલ કર્યા અને આજે સવારે સોનાની બુટી માંગી છરી લઇ મારવા દોડતાં વાત હત્યા સુધી પહોંચી : પ્રારંભે રાજુભાઇએ જાતે છરીના ઘા મારી લઇ આપઘાત કર્યાની સ્ટોરી ઉભી કરાઇ'તી

હત્યાનો ભોગ બનનાર રાજુભાઇ મકવાણાનો ફાઇલ ફોટો :રાજુભાઇનો નિષ્પ્રાણ દેહ અને વિગતો જણાવતાં તેના પત્નિ ગીતાબેન તથા પુત્ર અજય મકવાણા નજરે પડે છે

રાજકોટ તા. ૭: નશો નાશનું મુળ છે...આ કહેવત અનેક વખત સાચી પડતી હોય છે. નશાખોરીની ટેવને કારણે ચુનારાવાડ શિવાજીનગરના આધેડને જીવ ગુમાવવો પડ્યો છે. તેની તેના પુત્રએ જ છરીના નવ જેટલા ઘા ઝીંકી હત્યા નિપજાવતાં અરેરાટી વ્યાપી ગઇ છે. દારૂ સહિતના નશાની આદત ધરાવતાં કોળી આધેડ રોજબરોજ નશામાં ભાન ભુલી ઘરમાં ગમે તેની સાથે માથાકુટ કરી લેતાં હોઇ અને ગત રાતે પણ પત્નિ સાથે ઝઘડો કર્યો હોઇ તેમજ આજે સવારે પણ ફરી ખેલ કરતાં રોષે ભરાયેલા બીજા નંબરના પુત્રએ ઝનૂનથી છરીના ઘા ઝીંકી દીધા હતાં અને તેને ઢાળી દીધા હતાં. પહેલા તો આધેડે જાતે જ છરીના ઘા ખાઇ આપઘાત કર્યાની સ્ટોરી મોટા દિકરા અને પત્નિએ ઉભી કરી હતી. પરંતુ પોલીસ તપાસમાં ભેદ ખુલ્યો હતો.

પ્રાપ્ત માહિતી ચુનારાવાડ શિવાજીનગર-૨૧માં રહેતાં રાજુભાઇ ઉકાભાઇ મકવાણા (કોળી) (ઉ.વ.૪૫)ને બપોરે લોહીલુહાણ હાલતમાં તેના મોટા પુત્ર અજય અને પત્નિ ગીતાબેન સહિતે સિવિલ હોસ્પિટલે ખસેડ્યા હતાં. પરંતુ અહિ તબિબે તેને મૃત જાહેર કર્યા હતાં. પોલીસ ચોકીના સ્ટાફની પ્રાથમિક પુછતાછમાં પુત્ર અજય અને પત્નિ ગીતાબેને  એવું કહ્યું હતું કે નશાની ટેવને કારણે રાજુભાઇએ પોતાની જાતે જ પોતાના શરીરમાં છરીના ઘા ઝીંકી દઇ ઇજાઓ કરી  હતી.

આ મુજબની એન્ટ્રી થોરાળા પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી હતી. પરંતુ રાજુભાઇના શરીરે હાથ-પગ-છાતી-પેટમાં નવ જેટલા ઘા જોવા મળતાં શંકા ઉપજી હતી. આથી થોરાળા પોલીસ મથકના પીઆઇ જી. એમ. હડીયા, પીએસઆઇ વડાવીયા, કિશોરભાઇ, પીએસઆઇ જી.એસ. ગઢવી, અજીતભાઇ ડાભી, કેલ્વીનભાઇ સાગર સહિતની ટીમ તાબડતોબ સિવિલ હોસ્પિટલે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. પ્રારંભે તો અજય અને ગીતાબેને એક જ રટણ પકડી રાખ્યું હતું કે નશાની હાલતમાં રાજુભાઇએ જાતે જ પોતાના શરીરમાં છરીના ઘા મારી લઇ આપઘાત કર્યો છે. પરંતુ શરીર પરના ઘા જોતાં કોઇ જાતે આ રીતે કોઇ જાતે ઇજા ન કરી શકે તે સ્પષ્ટ થયું હતું.

પીઆઇ હડીયા અને ટીમે અજય અને ગીતાબેનની વિસ્તૃત પુછતાછ કરતાં અંતે બંનેએ બનાવ હત્યાનો હોવાનું સ્વીકાર્યુ હતું. આ હત્યા બીજા નંબરના દિકરા રોહિતે કર્યાનું ગીતાબેને કહેતાં પોલીસે હત્યાનો ગુનો નોંધવા તજવીજ કરી હતી. બીજી ટીમે આરોપી રોહિતને સકંજામાં લઇ લીધો હતો.

હત્યા શા માટે થઇ? તે અંગેની પ્રાથમિક પુછતાછમાં ગીતાબેને કહ્યું હતું કે મારા પતિ રાજુભાઇને લાંબા સમયથી દારૂ સહિતનો નશો કરવાની આદત હતી અને રોજબરોજ નશો કરી ઘરમાં ગમે તેની સાથે ઝઘડા કરી લેતાં હતાં. ગઇરાતે પણ નશો કરીને આવી મારી સાથે માથાકુટ અને મારામારી કરી લીધી હતી. બાદમાં આજે સવારે પણ ફરીથી ખેલ કર્યા હતાં.

મોટા પુત્ર અજય મકવાણાએ કહ્યુ઼ હતું કે-રાત્રે પિતા રાજુભાઇએ ધમાલ મચાવ્યા બાદ આજે સવારે મારા મમ્મી પાસેથી સોનાના બુટીયા માંગ્યા હતાં અને પોતાને બહારગામ જવું છે તેમ કહ્યું હતું. મારા મમ્મીએ બુટીયા આપવાની ના પાડતાં તે છરી લઇને મારવા દોડેલ અને વાત હત્યા સુધી પહોંચી ગઇ હતી. નાના ભાઇ રોહિતે રોષે ભરાઇ છરી ઝુંટવી ઘા મારી દીધા હતાં. પોલીસ વિશેષ વિગતો મેળવી રહી છે.

હત્યાનો ભોગ બનનાર રાજુભાઇ પાંચ ભાઇ અને બે બહેનમાં વચેટ હતાં. સંતાનમાં બે પુત્ર અજય, રોહિત અને એક પુત્રી જ્યોતિ છે. પોતે રિક્ષા હંકારતો હતો. પરંતુ મોટે ભાગે જે કાંઇ કમાઇ તેમાંથી નશો કરી નાંખી ઘરમાંથી પૈસા માંગી ડખ્ખા કરવાની આદત હતી. આ કારણે જ હત્યા થયાનું હાલ બહાર આવ્યું છે.

નશાની હાલતમાં ૧૦ દિ' પહેલા રાજૂભાઇએ પોતાની જ રિક્ષા સળગાવી નાંખી હતી

. રાજુભાઇ રોજબરોજ નશો કરવાની આદત ધરાવતો હતો અને પીધા પછી ઘરમાં ગમે તેની સાથે ઝઘડા કરવાની પણ ટેવ હતી. આ કારણે પરિવારના તમામ સભ્યો તેનાથી ત્રાહિમામ પોકારી ગયા હતાં. નશો કરીને ભાન ભુલી જતો રાજૂભાઇ ગમે તે કરી નાંખતો હતો. દસેક દિવસ પહેલા નશાની હાલતમાં તેણે પોતાની જ રિક્ષા સળગાવી નાંખી હતી.

(3:43 pm IST)