Gujarati News

Gujarati News

News of Wednesday, 7th October 2020

રામાપીર ચોકડીએ બીઆરટીએસ રોડ પર એમ્બ્યુલન્સની ઠોકરે ચડતાં યુવાન ગંભીર

અકસ્માત બાદ એમ્બ્યુલન્સ રેલીંગ તોડી આરએમસીની ટીપરવાન સાથે અથડાઇ

રાજકોટ તા. ૭: ગાંધીગ્રામ ૧૫૦ રીંગ રોડ પર રામાપીર ચોકડી પાસે બીઆરટીએસ રૂટ પર રસ્તો ઓળંગી રહેલો એક યુવાન એમ્બ્યુલન્સની ઠોકરે ચડી જતાં ગંભીર ઇજા થતાં ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. અકસ્માત બાદ એમ્બ્યુલન્સ રેલીંગ તોડી આરએમસીની ટીપરવાન સાથે અથડાઇ ગઇ હતી. આ કારણે ટ્રાફિક જામ થઇ ગયો હતો. બનાવની જાણવા મળેલી માહિતી મુજબ બપોરે એક યુવાન રામાપીર ચોકડી પાસે બીઆરટીએસ રૂટ પર રસ્તો ઓળંગી રહ્યો હતો ત્યારે સ્ટર્લિંગ હોસ્પિટલ તરફથી રામાપીર ચોકડી તરફ જઇ રહેલી એમ્બ્યુલન્સની ઠોકરે ચડી જતાં ફંગોળાઇ ગયો હતો અને લોહીલુહાણ થઇ બેભાન થઇ ગયો હતો. અકસ્માત બાદ એમ્બ્યુલન્સના ચાલકે કાબૂ ગુમાવતાં તે બીઆરટીએસની રેલીંગ તોડી કચરાગાડી સાથે અથડાઇ ગઇ હતી. સદ્દનસીબે તેમાં કોઇનેઇજા થઇ નહોતી. એમ્બ્યુલન્સમાં કોઇ દર્દી નહોતાં. ઘટનાસ્થળે અકમાસ્તગ્રસ્ત એમ્બ્યુલન્સ, ટીપરવાન, લોકોનું ટોળુ અને ગંભીર ઇજાગ્રસ્ત યુવાનને લઇ જવાતો જોઇ શકાય છે. તેને સ્ટર્લિંગ હોસ્પિટલમાં ખસેડાયો હતો. બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસને જાણ કરવામાં આવતાં એએસઆઇ મેરામભાઇ હુંબલ અને મહેશભાઇ કછોટ તપાસાર્થે રવાના થયા હતાં. તસ્વીર જયદેવસિંહ આર. ઝાલાએ મોકલી હતી.

(3:57 pm IST)