Gujarati News

Gujarati News

News of Wednesday, 7th October 2020

લોકો કોરોનાથી ડરે નહિ : ઘરે રહીને પણ મ્હાત આપી શકાય

મ્યુ.કોર્પોરેશનની હોમ આઇસોલેશનની સુવિધા આર્શિવાદ સમાન : નૈષધ ભટ્ટ

રાજકોટ,તા. ૭: કોરોનાના કપરા સમયમાં સૌ સાથે મળીને રાજકોટ શહેરને કોરોના મુકત બનાવવા કામાંગ્ર્રી કરી રહ્યા છે. મહાનગરપાલિકા સાથે લોકોનો પણ બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા લોકોને ઘર આંગણે જ સેવા મળી રહે તેવી વ્યવસ્થા કરી છે. કોરોના અંગેનો ટેસ્ટ ઘરે બેઠા કરાવી શકાય તે માટેની તમામ સેવા ઉપલબ્ધ કરવામાં આવી છે. કોરોના પોઝિટિવ દર્દીને ઘરે બેઠા સારવાર મળી રહે તે માટે મનપા હોમ આઇસોલેશન સેવા પણ આપે છે, હોમ આઇસોલેશન સારવાર હેઠળ રહેલ દર્દીની ટેલીફોનીક સંભાળ અને જરૂર જણાય તો સંજીવની રથ દ્વારા સેવા પણ આપવામ આવે છે. લોકોએ ડરવાની જરૂર નથી ઘરે રહીને પણ કોરોનાને મ્હાત આપી શકાય છે, ઘરે બેઠા પણ કોરોના વાઇરસને હરાવી શકાય છે, તેના ઉદાહરણ રૂપે શહેરના પત્રકાર નૈષધભાઈ ભટ્ટ દ્વારા મહાનગરપાલિકાની હોમ આઇસોલેશન સેવાની પ્રસંશા કરવામાં આવી હતી.

આ અંગે નૈષધભાઈ ભટ્ટએ મહાનગરપાલિકાની હોમ આઇસોલેશન સેવા વિશે વાત કરાતા જણાવ્યું હતું કે, અત્યારે કોરોના મહામારીએ દરેક વ્યકિતના ચહેરા પર ચિંતાની લકીર સર્જી દીધી છે. કોરોના મહામારી એટલી ગંભીર નથી જેટલો કોરોના વિશેનો ડર છે.રાજકોટ મહાનગરપાલિકાએ કોરોના પોઝિટિવ દર્દીઓ માટે હોમ આઇસોલેશનની સુવિધા ઉભી કરી છે. ગરીબ અને મધ્યમ વર્ગના લોકો જેઓ ઘર આંગણે પણ પરિવારના સભ્યોથી દૂર રહીને મફતમાં કોરોનાની સારવાર ઇચ્છે છે તેમના માટે મહાનગરપાલિકાની આ સુવિધા આશિર્વાદ સમાન સાબિત થઇ રહી છે.

(4:00 pm IST)