Gujarati News

Gujarati News

News of Wednesday, 7th October 2020

ઓનલાઈન ખેડૂત ખાતેદારોના પ્રમાણપત્રો માટે 'ખો' નીકળી જાય છે : ૨૫થી વધુ કોઠા વિંધવા પડે છે

૨૭ લાખ ખેડુતોના ડેટા ઓનલાઈન છતા ખાતેદારના પ્રમાણપત્રો માટે અરજદારો પરેશાન : પરિપત્ર અંગે પુનઃ વિચારણા કરી સરળીકરણ કરવા મુખ્યમંત્રીને રજૂઆત

રાજકોટ : ગત તા.૩૧-૭—૨૦૨૦મા રાજય સરકાર મહેસુલ વિભાગે ખેડુત ખાતેદારની ખરાઈ-પ્રમાણપત્રની કાર્યવાહી ઓનલાઈન કરવાનો પરિપત્ર કરેલ છે. પરંતુ આ ઓનલાઈન કાર્યવાહી ખુબજ ખર્ચાળ અને જગતના તાત ની મુશ્કેલી રૂપ હોય આ પરિપત્ર અંગે ધરતીપુત્રના હીતમા પુનઃવિચારણા કરવા રેવન્યુ ક્ષેત્રના સિનિયર એડવોકેટ રાજેન્દ્રસિંહ ઝાલા તથા એડવોકેટ ડી.ડી. મહેતા એ રાજયના  મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી તથા મહેસુલ મંત્રીશ્રી કૌશિકભાઈ પટેલને લેખીત રજુઆત કરી છે.

રજુઆતમા જણાવ્યુ છે કે મહેસુલ વિભાગના તા.૩૧-૭-૨૦૨૦ના ખેડુત ખરાઈના પ્રમાણપત્ર ઓનલાઈન મેળવવા પરીપત્ર કરેલ છે. પરંતુ આ ઓનલાઈન કાર્યવાહીમાં ખેડૂતોને ખુબજ મુશ્કેલી ભાગવવી પડે છે. આ ઓનલાઈન કાર્યવાહીમાં ર૫ જેટલા મુદાઓનુ સ્પષ્ટીકરણ માંગવુ પડે છે. અને રૂ..૨૦૦૦ ખેડુતને પ્રમાણપત્ર લેવા માટે સરકારશ્રીને ઓનલાઈન ભરવાના છે. આ રકમ ભરવા માટે ખેડુતોએ સાયબર કાફેમાં જવુ પડે છે અને સાયબર કાફેવાળા આ ૨કમ ભરવા માટે અને ભરેલ રકમની પહોંચ માટે મોટી રકમ ચુકવવી પડે છે. અને જાણકારો પાસે આ ઓનલાઈન અરજીની પણ ખેડુતોને મોટી રકમ ચુકવવી પડે છે. આ ભરેલ રૂ..૨૦૦૦ જે રીફંડને પાત્ર નથી. ઓનલાઈન અરજીમાં કંઈ ક્ષતિ રહી જાય તો પણ ભરેલ રૂપીયા રીફંડને પાત્ર નથી. મહેસુલ વિભાગના તા.:-૨૬-૧૨-૨૦૦૮ના પરિપત્ર મુજબ ખાતેદાર ખેડુતોએ ખેડુત હોવા અંગેનુ સોગંદનામુ અને જયા ખાતેદાર ખેડુત ત્યાના ૭/૧૨, ૮-અ તથા ૬ નંબર રજુ કયેથી જે તે મામલદારશ્રી ખાતેદાર ખેડુતનુ પ્રમાણપત્ર આપતા.આ પરીપત્રમાં પણ સરળીકરણ લાવવા જરૂરી હતુ કે હવે ઓનલાઈન રેવન્યુ રેકર્ડ સમગ્ર ગુજરાત આવેલ હોય તો ખેડુત પ્રમાણપત્રની જરૂર જ રહેતી નથી. તેને બદલે આ અધિકારીઓએ સરળીકરણને બદલે તા.૩૧-૭-૨૦૨૦ના પરિપત્ર મુજબ ઓનલાઈન અરજી કરવા અંગે આવા અધિકાર જે તે પ્રાંત અધિકારીને પ્રમાણપત્રના અધિકાર આપીને ખેડુતોને મુજબ મુશ્કેલીમાં મુકેલ છે. પ્રાંત અધિકારની કચેરીમાં દરેક તાલુકા મથકે હોતી પણ નથી. પ્રાંત અધિકારશ્રી કચેરીએ જવા આવવાનો ખર્ચાઓ થાય છે. ઘણી વખત અધિકારીઓ મિટીંગને કારણે હાજર પણ હોતા નથી. જેથી ખેડુતોને ધરમ ધકકા થાય છે.જેથી આ ખેડુતોને આર્થિક બોજા રૂપ અને હેરાન પરેશાનવાળા પરિપત્ર બાબતે ફેરવીચારણા કરી ખેડુત ખાતેદારના ઓનલાઈનના પરિપત્રની કાર્યવાહી રદ્દ કરવા પુનઃ વિચારણા કરવા અંતમા એડવોકેટ રાજેન્દ્રસિંહ ઝાલા તથા એડવોકેટ ડી.ડી. મહેતા એ રજુઆત કરેલ છે.

(4:02 pm IST)