Gujarati News

Gujarati News

News of Thursday, 7th October 2021

લક્ષ્મીનગર અંડર બ્રિજનું કામ ગોટે ચડ્યુ : લોકાર્પણ કયારે ?

ઓગષ્ટમાં બ્રીજ ખુલ્લો મુકી દેવાની ગણતરી ઉંધી પડી : હવે દિવાળી સુધીમાં કામ પુરૂ થઇ જાય તેવી આશા

લક્ષ્મીનગર અન્ડર બ્રિજની કામગીરી ચાલી રહી છે. તે વખતની તસ્વીર નજરે પડે છે. (અશોક બગથરિયા)

રાજકોટ, તા., ૬: શહેરના નાનામૌવા અને મવડીનાં પ્રવેશ દ્વાર સમા લક્ષ્મીનગર નાલાની બાજુમાં  બની રહેલ અંડર બ્રિજનું કામ કાચબા ગતીએ ચાલતુ હોવાથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠયા છે. આ પ્રોજેકટની પૂર્ણ કરવાની તારીખ ઓગસ્ટ ૨૦૨૧નક્કિ કરવામાં આવી હતી પરંતુ કામ પુર્ણ થતા હજુ નવેમ્બર આવી જશે. કેમ કે, બ્રીજનું કામ કયાંક ગોટે ચડી ગયું છે. જેના કારણે તંત્ર વાહકોએ અગાઉ જાહેર કર્યા મુજબ  ઓગષ્ટ પછી પણ બ્રીજ ખુલ્લો નથી મુકી શકાયો. આમ હવે લોકાર્પણ કયારે થશે. ? તેવો સવાલ લોકોમાં ઉઠી રહ્યો છે.

આ અંગેની વિગતો મુજબ  નાનામૌવા તથા મવડી વિસ્તારમાં આવવા-જવા માટે અત્યંત મહત્વનાં એવા લક્ષ્મીનગર નાલા તરીકે ઓળખાતા અન્ડર પાસમાં વોર્ડ નં. ૮માં નાના-મવા મેઇન રોડના છેડે લક્ષ્મીનગર રેલ્વે સ્ટેશન પાસે ટ્રાફિકની સમસ્યાની નિરાકરણ હેતુ હૈયાત નાલાની બાજુમાં અન્ડર બ્રીજ બનાવવાના કામના ભાગ રૂપે રેલ્વે વિભાગ સાથે 'ડીપોઝીટ વર્ક' તરીકે કામ કરાવવા કામ કરનાર એજન્સીને રેલ્વે વિભાગ દ્વારા ૨૪ જાન્યુઆરી ૨૦૨૦થી ઓર્ડર આપી કામગીરી શરૂ કરવામાં આવેલ. તે અન્વયે હયાત નાલાની જગ્યાએ બે નવા બોક્ષ ટાઇપ ફોર લેન અન્ડર પાસ બનાવવાની કામગીરી ચાલુ છે. જેની એક બોક્ષની અંદાજીત સાઇઝ ૫૦ મીટર લંબાઇ* ૭.૫૦ મીટર પહોળાઇ તથા ૪.૫૦ મીટર ઉંચાઇ રહેશે. તથા ટાગોર રોડ સાઇડ ૧૧૬ મીટર તથા નાના મવા સાઇડ ૧૩૫ મીટર એપ્રોચ રોડ ઉપરાંત વરસાદી પાણીનાં નિકાલ માટેની તેમજ લાઇટીંગની વ્યવસ્થા કરવામાં આવશે. આ નવું અન્ડરપાસ થવાથી રાજકોટ પશ્ચિમ વિસ્તાર તરફનાં પ્રજાજનોએ શહેરમાં અવર-જવર કરવા માટે વધુ સુગમતા થતાં ટ્રાફિકનાં પ્રશ્નનું નિરાકરણ આવશે. તેમજ આ સમગ્ર અન્ડર પાસ બનાવવાની કામગીરી રેલ્વે વિભાગ મારફત કરવામાં આવી રહી છે. 

(4:04 pm IST)