Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

ઠંડીનું જોર ઘટશે : દિવસના ગરમી જેવો અહેસાસ થશે

વેધરએનાલીસ્ટ અશોકભાઈ પટેલની તા.૯ થી ૧૬ ફેબ્રુઆરી સુધીની આગાહી : આવતા દિવસોમાં સવારે ભેજનું પ્રમાણ વધવા લાગશે : તા.૧૪ થી ૧૬ ઝાકળવર્ષા : હાલ ત્રણેક દિવસ છુટાછવાયા વાદળો જોવા મળશે : લઘુતમ તાપમાન ૧૫ થી ૧૬ અને દિવસનું તાપમાન ૩૪ થી ૩૫ ડિગ્રીએ પહોંચી જશે

રાજકોટ, તા. ૮ : વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે જણાવ્યુ છે કે આવતા દિવસોમાં ઠંડીનું જોર ઘટતુ જોવા મળશે. દિવસ દરમિયાન ગરમીનો અહેસાસ થવા લાગશે. સવારે ભેજનું પ્રમાણ પણ જોવા મળશે.

તેઓએ જણાવેલ કે હાલમાં ઠંડીનું પ્રમાણ ક્રમશઃ ઓછું થયેલ છે. ન્યુનતમ તાપમાન અમુક સેન્ટરોમાં નોર્મલ, અમુક સેન્ટરોમાં નોર્મલથી નીચું, તો અમુક સેન્ટરોમાં નોર્મલથી ઉંચું જોવા મળે છે. જેમ કે અમદાવાદ ૧૨.૪ (નોર્મલ-૧૩ ડિગ્રી), રાજકોટ ૧૫.૪ (નોર્મલ - ૧૪ ડિગ્રી), કચ્છ - ૧૩.૬ (નોર્મલ - ૧૨ ડિગ્રી), અમરેલી - ૧૧ (નોર્મલ - ૧૩ ડિગ્રી), કેશોદ - ૧૧.૬ (નોર્મલ - ૧૩ ડિગ્રી) તેવી જ રીતે મહત્તમ તાપમાન પણ નોર્મલ નજીક છે. જેમ કે અમદાવાદ ૨૮.૯ (નોર્મલ - ૩૦ ડિગ્રી), રાજકોટ ૩૦.૨ (નોર્મલ - ૩૦ ડિગ્રી), ભુજ - ૩૦.૬ (નોર્મલ - ૩૦ ડિગ્રી), અમરેલી - ૨૯.૭ (નોર્મલ - ૩૧ ડિગ્રી), કેશોદ - ૩૦.૪ (નોર્મલ - ૩૧ ડિગ્રી) નોંધાયેલ. હાલ ન્યુનતમ નોર્મલ તાપમાન ૧૨ થી ૧૪ અને મહત્તમ તાપમાન ૩૦ થી ૩૧ ડિગ્રી વચ્ચે જોવા મળે છે.

વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે તા.૯ થી ૧૬ ફેબ્રુઆરી સુધીની આગાહી કરતાં જણાવેલ કે પવન હાલ ઉત્તર ઉત્તર પૂર્વના છે જે ૧૦મીથી ફરશે. એટલે કે ઉત્તર પશ્ચિમના ફુંકાશે. તા.૧૪ થી ૧૬ સુધી પવન પશ્ચિમના ફૂંકાશે. પવનની ઝડપ મુખ્યત્વે ૧૦ થી ૧૫ કિ.મી.ની રહેશે. હાલમાં સવારે ભેજનું પ્રમાણ ઓછું જોવા મળે છે જે ૧૦મીથી ભેજ વધવા લાગશે. તા.૧૪ થી ૧૬ દરમિયાન ભેજનું પ્રમાણ વધુ રહેશે. શરૂઆતમાં એટલે કે તા.૧૦ થી ૧૩ દરમિયાન કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના સીમીત વિસ્તારોમાં સામાન્ય ઝાકળ જોવા મળશે. જયારે તા.૧૪ થી ૧૬ દરમિયાન કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ઝાકળનો વિસ્તાર અને તેની માત્રામાં વધારો થશે. હાલ ત્રણેક દિવસ છુટાછવાયા વાદળો જોવા મળશે. ન્યુનતમ તાપમાન વધશે એટલે નોર્મલથી ઉંચુ એટલે કે ૧૫ થી ૧૬ ડિગ્રી આસપાસ મહત્તમ તાપમાન પણ વધશે.  જે ૩૪ થી ૩૫ ડિગ્રીએ પહોંચી જશે. તા.૧૫ - ૧૬ના તાપમાનમાં આંશિક રાહત મળશે.

(3:15 pm IST)