Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

રામાપીર ચોકડીએ દિવસભર ટ્રાફિક જામના દ્રશ્યો : વાહન ચાલકોમાં રોષ

ઉતરબાજુ શિતલપાર્ક અને દક્ષિણબાજુ ર્સ્ટલીંગ હોસ્પિટલ સુધી વાહનોની લાંબો કતારો લાગે છે : સાંજે ૬ થી ૯ વાહન ચાલકોને ૧૦ મીનીટનો સમય અને કિંમતી ઇંધણ વેડફાઇ છે ! : ટ્રાફિક સિગ્નલો જ ટ્રાફિકજામ કરતા હોવાનો વાહનચાલકોનો આક્ષેપ : અગાઉ મેન્યુઅલી ટ્રાફિક વ્યવસ્થા હતી ત્યારે ટ્રાફિક જામ થતો ન હતો ! પોલીસે દંડનો ટાર્ગેટ પુરો કરવા વધુ એક જગ્યાએ ટ્રાફિક સિગ્નલો શરૂ કરી ટ્રાફિક સમસ્યા સર્જી હોવાની વાહન ચાલકોમાં ચર્ચા : ઉચ્ચ અધિકારીઓ સ્થળ ઉપર મુલાકાત લઇ વ્યવહારૂ ઉકેલ શોધે વાહન ચાલકોમાં માંગણી

તસ્વીરમાં રામાપીર ચોકડીએ ટ્રાફિક જામના દ્રશ્યો નજરે પડે છે. (તસ્વીર : જયદેવસિંહ આર. ઝાલા)

રાજકોટ,તા. ૮: શહેરમાં પસાર થતા ૧૫૦ ફૂટ રીંગ રોડ ઉપર ટ્રાફિક સમસ્યા માથાના દુઃખાવા રૂપ બની છે. ત્યારે ૧૫૦ ફૂટ રીંગ રોડ ઉપર રામાપીર ચોકડી (ગાંધીગ્રામ) પાસે ટ્રાફિક સિગ્નલો શરૂ કરાતા જ વધુ એક જગ્યાએ ટ્રાફિક સમસ્યા વિકરાળ બની છે.

૧૫૦ ફૂટ રીંગ રોડ ઉપર રામાપીર ચોકડી (ગાંધીગ્રામ) પાસે એક પખવાડીયાથી ટ્રાફિક સિગ્નલો શરૂ કરાતા આ સ્થળે દિવસભર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાઇ છે. ખાસ કરીને સવારે ૯ થી ૧૧ અને સાંજે ૬ થી ૯ વાગ્યા સુધી વાહનોની લાંબી કતારો લાગતા વાહન ચાલકો અકળાઇ ઉઠ્યા છે. સાંજે ૬ થી ૯ રામાપીર ચોકડીએ ટ્રાફિક જામથી ઉતરબાજુ શિતલપાર્ક અને દક્ષિણબાજે સ્ટર્લીંગ હોસ્પિટલ સુધી વાહનોની લાંબો કતારો લાગે છે.

રામાપીર ચોકડીએ દિવસભર સર્જાતા ટ્રાફિક જામના કારણે વાહન ચાલકોનું મોંઘુ ઇંધણ વેડફાઇ રહ્યું છે. ખાસ કરીને સાંજે ૬ થી ૯ સમય દરમિયાન રામાપીર ચોકડી પાસેથી વાહન ચાલકોને પસાર થવું હોય તો ૧૦ મીનીટનો સમય અને કિંમતી ઇંધણ વેડફાતુ હોય ટ્રાફિક વ્યવસ્થા સામે વાહનચાલકોમાં ભારે આક્રોશ પ્રવર્તી રહ્યો છે. વાહન ચાલકો કહે છે કે, ટ્રાફિક સિગ્નલો જ ટ્રાફિક જામ કરે છે. અગાઉ રામાપીર ચોકડીએ ટ્રાફિક મેન્યુઅલી વ્યવસ્થા હતી ત્યારે ટ્રાફિક જામનો પ્રશ્ન થતો ન હતો અને નવી વ્યવસ્થાના ભાગરૂપે ટ્રાફિક સિગ્નલો શરૂ કરાતા જ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાઇ છે.

શહેરના વાહન ચાલકો અમદાવાદ અથવા તો જામનગર જવા માટે રાજકોટ શહેરના ટ્રાફિકમાંથી પસાર થવાના બદલે ૧૫૦ ફુટ રીંગ રોડના મહતમ ઉપયોગ કરે છે. પરંતુ ૧૫૦ ફૂટ રીંગ રોડ ઉપર ઠેર -ઠેર સર્કલે ટ્રાફિક જામ થતો હોય વાહનચાલકો ત્રાહીમામ પોકારી ગયા છે. ૧૫૦ ફૂટ રીંગ રોડ રામાપીર ચોકડીએ અમદાવાદ -જામનગરના ઉપરાંત જામનગર અને અમદાવાદ -મોરબી બાયપાસ રોડ ઉપર બનેલી નવી સોસાયટીમાં રહેતા લોકો કામ ધંધાના સ્થળે જવા માટે મહમત ૧૫૦ ફૂટ રીંગ રોડનો જ ઉપયોગ કરતા હોય સવાર અને સાંજ ભારેખમ ટ્રાફિક રહે છે.

વાહન ચાલકોના જણાવ્યા મુજબ રામાપીર ચોકડીએ છેલ્લા એક પખવાડીયાની ટ્રાફિક સિગ્નલો શરૂ થતા વારંવાર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાઇ છે અને રીંગ રોડ ઉપર બન્ને બાજુ વાહનોની લાંબી લાબી કતારો લાગે છે રામાપીર ચોકડીએ અગાઉ મેન્યુઅલી ટ્રાફિક વ્યવસ્થા હતી ત્યારે ટ્રાફિક જામનો પ્રશ્ન ન હતો. પરંતુ પોલીસે દંડનો ટાર્ગેટ પુરો કરવા માટે વધુ એક જગ્યાએ ટ્રાફિક સિગ્નલો શરૂ કરી ટ્રાફિક સમસ્ય ઉભી કરી છે.

રામાપીર ચોકડીએ દિવસભર સર્જાતા ટ્રાફિક જામના કારણે અનેક વાહન ચાલકો રીંગ રોડની બાજુમાં આવેલ સર્વીસ રોડ અને વોકીંગ ટ્રેકનો ઉપયોગ શરૂ કરતા ત્યાં પણ ટ્રાફિક જામ થાય છે.  અને રીંગ રોડની બાજુમાં આવેલ અનેક કોમ્પલેક્ષ ધંધો કરતા વેપારીઓને પણ મુશ્કેલી ભોગવવી પડે છે. તેમજ સર્વીસ રોડ અને વોકીંગ ટ્રેક ઉપર પણ અકસ્માતનો ભય રહે છે.

રામાપીર ચોકડીએ માથાના દુઃખાવા રૂપ બનેલ ટ્રાફિક સમસ્યા નિવારવા ટ્રાફિક પોલીસ શાખાના ઉચ્ચ અધિકારીઓ રૂબરૂ સ્થળ ઉપર મુલાકાત લ્યે તો સાચી સ્થિતી ખબર પડે તેમ વાહનચાલકોનું કહેવું છે.  રામાપીર ચોકડીએ વિકરાળ બનેલ ટ્રાફિક સમસ્યાનો વ્યવહારૂ ઉકેલ શોધવા વાહનચાલકોમાં પ્રબળ માંગણી ઉઠી છે.

(3:30 pm IST)