Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

વોર્ડ નં. ૧ના કોંગ્રેસના ઉમેદવાર ભરતભાઇ આહિરનું ફોર્મ રદ થતાં મિડીયાથી બચી સ્કૂટર ભગાવ્યું...

રાજકોટઃ વોર્ડ નં. ૧ના કોંગ્રેસના ઉમેદવાર ભરતભાઇ શિયાળ (આહિર)નું ફોર્મ આજે સ્ક્રુટીની દરમિયાન પક્ષનું મેન્ડેટ જ ફોર્મ સાથે નહિ હોવાના મુદ્દે રદ થયું હતું. ફોર્મ રદ થતાં હતાશ થયેલા ભરતભાઇએ મિડીયાથી અંતર કેળવી પોતાના એકટીવાનો સેલ્ફ મારી દીધો હતો. આ પહેલા ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ તેમના ખભે હાથ મુકી આશ્વાસન આપવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ ભરતભાઇ આહિરે સાંભળ્યું ન સાંભળ્યું કરીને ચાલતી પકડી હતી. ઉલ્લેખનિય છે કે વોર્ડ નં. ૧માંથી ફોર્મ ભરવાની અવધી વીત્યા પુર્વે પીઢ કોંગ્રેસી આગેવાન અને આર્કિટેકટ પ્રદિપ ત્રિવેદી સહિત ચારની પેનલ શહેર પ્રમુખ અશોક ડાંગર ફાઇનલ કરવા જઇ રહ્યા હતાં. પરંતુ હમેંશની માફક જુથવાદનો એરૂ ફરી સળવળ્યો હતો અને ભાજપને જોરદાર લડત આપી શકે તેવી પ્રદિપ ત્રિવેદીના નેજા તળેની પેનલનું બાળમરણ થયું હતું. દરમિયાન આજે વોર્ડનં. ૧ની આ પેનલના ભરતભાઇ શિયાળનું ફોર્મ મેન્ડેટ ન હોવાને કારણે રદ થયુ હતું. આજે જાહેર થયેલી સત્તાવર વિગતો મુજબ ભરતભાઇ શિયાળના બદલે ફોર્મમાં ભરતભાઇ આહિર લખવામાં આવ્યું હોવાના મુદ્દે ક્ષતિગ્રસ્ત ફોર્મના કારણે તેમનું ફોર્મ રદ થયું હતું. (ફોટોઃ સંદિપ બગથરીયા)

(3:35 pm IST)