Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

રાજકોટમાં આજે ૨ મોતઃ બપોર સુધીમાં ૧૧ કેસ

શહેરમાં કુલ કેસનો આંક ૪૨,૩૮૩એ પહોંચ્યોઃ આજ દિન સુધીમાં ૪૧,૫૪૯ દર્દીઓએ કોરોનાને હરાવ્યોઃ રિકવરી રેટ ૯૮.૦૫ ટકા થયોઃ હાલ શહેરમાં ૬૫૦ દર્દીઓ સારવાર હેઠળ

રાજકોટ તા.૮: શહેર-જીલ્લામાં  છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાની સારવાર દરમિયાન  ૨ નાં મૃત્યુ થયા છે. શહેરમાં બપોર સુધીમા ૧૧ કેસ નોંધાયા છે. જયારે ગઇકાલે  પોઝિટિવ રેટ ૧.૦૬ ટકાએ થયો હતો.

આ અંગે તંત્રની સતાવાર વિગતો મુજબ રાજકોટમાં કોરોનાની સારવાર હેઠળ તા.૭નાં સવારનાં ૮ વાગ્યા થી તા.૮નાં સવારનાં ૮ વાગ્યા સુધીમાં છેલ્લા ૨૪ કલાકમાં શહેર-જીલ્લાના ૨ દર્દીઓએ દમ તોડી દીધો હતો.

 ગઇકાલે ૩ પૈકી એકેય મૃત્યુ કોરોનાને કારણે નહિં થયાનું સરકારની કોવિડ ઓડિટ કમિટીનાં રિપોર્ટમાં જણાવ્યુ હતુ.

શહેર અને જીલ્લામાં સરકારી-ખાનગી હોસ્પિટલમાં ૫૩૩૦  બેડ ખાલી છે.

બપોર સુધીમાં કોરોનાના ૧૧ કેસ

આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં   કુલ ૧૧ નવા કેસ સાથે શહેરમાં અત્યાર સુધીમાં કુલ  ૪૨,૩૮૩ પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે. જયારે આજ દિન સુધીમાં કુલ  ૪૧,૫૪૯ દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે.

ગઇકાલે કુલ ૧૪૪૯ સેમ્પલ લેવાયા હતા.જેમાં ૨૪  કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૧.૬૬ ટકા થયો  હતો. જયારે ૧૪ દર્દીઓે સાજા થયા હતા.

આજ દિન સુધીમાં ૧૧,૫૬,૭૨૧ લોકોનાં  ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૪૨,૩૮૩  સંક્રમીત થતા પોઝિટિવ રેટ ૩.૬૬ ટકા થયો છે. જયારે રિકવરી રેટ ૯૮.૦૫ ટકાએ પહોંચ્યો છે.

જયારે શહેરમાં હાલમાં સરકારી હોસ્પિટલ, ખાનગી હોસ્પિટલ તથા હોમ આઇસોલેશન હેઠળ ૬૫૦  દર્દીઓ સારવાર હેઠળ છે.

(3:49 pm IST)