Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

પોપટપરાના પ્રજ્ઞાબેન ગઢવીની હેડકોન્સ્ટેબલ પતિ વિરૂધ્ધ હત્યાના પ્રયાસની ફરિયાદઃ ધરપકડ

પતિએ સરકારી રિવોલ્વર તાંકી ધમકી દીધાનો આરોપઃ સાસુ-સસરા-બે જેઠે કરિયાવર મામલે ત્રાસ ગુજાર્યાનો ફરિયાદમાં ઉલ્લેખ

રાજકોટ તા. ૮: પોપટપરા મેઇન રોડ  પર રઘુનંદન સોસાયટી-૬માં રહેતાં પ્રજ્ઞાબેન સામતભાઇ ગઢવી (ઉ.વ.૩૪) નામના મહિલાએ હેડકોન્સ્ટેબલ પતિ સામતભાઇ ગઢવી તથા સસરા, સાસુ, જેઠ સામે હત્યાની કોશિષ અને કરિયાવર મામલે ત્રાસ આપી મારકુટ કર્યાની ફરિયાદ નોંધાવતા ચર્ચા જાગી છે. પ્ર.નગર પોલીસે ગુનો નોંધી હેડકોન્સ્ટબેલ સામતભાઇની અટકાયત કરી લીધી છે.

બનાવ અંગે પ્ર.નગર પોલીસે પ્રજ્ઞાબેનની ફરિયાદ પરથી તેણીના પતિ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં સામતભાઇ ગઢવી, સસરા મુળજીભાઇ લખમણભાઇ ગઢવી, સાસુ શ્રીમતી ધનબાઇબેન મુળજીભાઇ ગઢવી, જેઠ ધનરાજભાઇ મુળજીભાઇ ગઢવી (રહે. વીરાણીયા તા. મુંદરા) તથા દેવાંગ મુળજીભાઇ ગઢવી (રહે. રેલનગર) સામે આઇપીસી ૩૦૭, ૪૯૮ (ક), ૩૨૩, ૫૦૪, ૫૦૬ (૨), ૧૧૪ મુજબ ગુનો નોંધ્યો છે.

ફરિયાદી પ્રજ્ઞાબેને ફરિયાદમાં જણાવ્યું છે કે મારા લગ્ન ૨૯/૪/૨૦૦૪ના રોજ જ્ઞાતિના રિવાજ મુજબ સામતભાઇ ગઢવી સાથે થયા છે. લગ્ન થયા ત્યારે બધા સંયુકત પરિવારમાં રહેતાં હતાં. લગ્ન થયાના બીજા જ દિવસથી પતિ, સાસુ, સસરા અને બંને જેઠ તરફથી ઘરકામ સહિત યેનકેન પ્રકારે નાની નાની બાબતમાં અને કરિયાવર પ્રશ્ને મેણા ટોણા મારી શારીરિક માનસિક ત્રાસ આપવાનું શરૂ થયું હતું.

પ્રજ્ઞાબેને ફરિયાદમાં આગળ જણાવ્યું છે કે ૨૭/૩/૨૦૨૧ના રાતે બે વાગ્યે પતિએ સરકારી રિવોલ્વર બતાવી મારી સામે તાંકી મારી નાંખવાની ધમકી આપી હતી અને ગાળો દઇ ઢીકાપાટુનો માર માર્યો હતો. આ ઉપરાંત ૨૮/૩ના રાત્રે આશરે સાડા દસેક વાગ્યે પણ મારા પતિએ સરકારી રિવોલ્વરમાં કાર્ટીસ ચડાવી મારા પુત્રના લમણે રાખી દઇ મારી નાંખવાની કોશિષ કરી હતી. પીઆઇ એલ. એલ. ચાવડા, સંજયભાઇ દવે, જનકભાઇ કુગશીયા સહિતે ગુનો નોંધી હેડકોન્સ. સામતભાઇ ગઢવીની અટકાયત કરી છે.

(12:07 pm IST)