Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

બેડી ચોકડીએ બે ટ્રક સામ સામે અથડાતા દ્વારકાના રાણ ગામના રત્ના રાઠોડનું મોત

સિક્કાથી સિમેન્ટ ભરી સુરેન્દ્રનગર જતી વખતે બનાવઃ ચાર સંતાને પિતાની છત્રછાંયા ગુમાવતાં પરિવારમાં ગમગીની

ઘટના સ્થળે અકસ્માતગ્રસ્ત ટ્રક અને બનાવ સ્થળે ભેગા થઇ ગયેલા લોકોના ટોળા જોઇ શકાય છે

રાજકોટ તા. ૮: મોરબી રોડ બેડી ચોકડી પાસે મોડી રાત્રે બે ટ્રક સામ સામે અથડાતાં સિમેન્ટ ભરેલા ટ્રકના ચાલક દ્વારકા તાબેના રાણ ગામના યુવાનનું ગંભીર ઇજા થતાં મોત નિપજ્યું હતું. બંને ટ્રકમાં ભારે નુકસાન થયું હતું.

જાણવા મળ્યા મુજબ મોડી રાતે સવા બે વાગ્યા આસપાસ બેડી ચોકડી નજીક જીજે૩૭ટી-૫૧૧૨ નંબરના ટ્રકની સામે જીજે૪એડબલ્યુ-૨૬૧૦ ધડાકાભેર અથડાતાં  ૫૧૧૨ના ચાલક દ્વારકાના કલ્યાણપુર તાબેના રાણ ગામના રત્નાભાઇ સવજીભાઇ રાઠોડ (ઉ.વ.૩૭)ને ગંભીર ઇજા થતાં ખાનગી હોસ્પિટલમાં ખસેડાયેલ. પરંતુ જીવ બચી શકયો નહોતો. અકસ્માતને પગલે રોડ પર ટ્રાફિક જામ થઇ ગયો હતો. બનાવની જાણ થતાં બી-ડિવીઝનના સ્ટાફે પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. પોલીસે રત્નાભાઇના ભાઇ દેવરાજભાઇ સવજીભાઇ રાઠવોડ (ઉ.૪૧)ની ફરિયાદ પરથી ટ્રક નં. ૨૬૧૦ના ચાલક સામે ગુનો નોંધ્યો હતો. મૃત્યુ પામનાર સવજીભાઇ બે ભાઇ અને ત્રણ બહેનમાં ત્રીજા હતાં અને ટ્રક ડ્રાઇવર તરીકે નોકરી કરી ગુજરાન ચલાવતાં હતાં. તેના મૃત્યુથી ત્રણ પુત્રી અને એક પુત્ર મળી ચાર સંતાનોએ પિતાની છત્રછાંયા ગુમાવતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ છે.

હેડકોન્સ. હિતેષભાઇ જોગડા, રાજાભાઇ, એએસઆઇ વિરમભાઇ ધગલ સહિતનો સ્ટાફ દોડી ગયો હતો.

ટ્રકને છુટા પાડવા ક્રેઇનનો ઉપયોગ કરવો પડ્યો

.અકસ્માતને કારણે બંને ટ્રક એક બીજામાં ફસાઇ ગયા હોઇ તેને છુટા પાડવા માટે પોલીસને ક્રેઇન બોલાવવી પડી હતી. ટ્રક ચાલક પણ તેમાં ફસાઇ ગયો હતો. જેને મહામહેનતે બહાર કાઢવામાં આવ્યો હતો.

(3:02 pm IST)