Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

કાગદડી ખોડિયાર આશ્રમના મહંત સાધુ જયરામદાસના મોતનું રહસ્યઃ ખાનગી રાહે પોલીસ તપાસનો ધમધમાટ

૧ જુનના મહંત જયરામદાસ ઘઉંમા રાખવાની તીવ્ર ઝેરી ગોળીઓ પી લઇ આપઘાત કર્યા બાદ તેના ભત્રીજા અને આસપાસના સેવાભાવીઓએ હૃદયરોગનો હુમલો આવ્યાનું જાહેર કરી બારોબાર અગ્નિસંસ્કાર કરી નાંખ્યાનીઃ સ્યુસાઇડ નોટમાં ભત્રીજા સહિત ત્રણથી ચાર લોકો બ્લેકમેઇલ કરી રહ્યાનો સણસણતો આક્ષેપઃ જુદી જુદી ત્રણ ચાર દિશાઓમાં તપાસ

મહંતને કુદરતી મૃત્યુ નથી મળ્યું?:કાગદડીના ખોડિયાર આશ્રમના મહંતશ્રીનું તા. ૧/૬ના અવસાન થયું હતું. આ મૃત્યુ કુદરતી હોવાનું કહેવાય છે. પરંતુ ઘટના આપઘાતની હોવાની અને સ્યુસાઇડ નોટ પણ મહંતે લખ્યાની વાતો સામે આવી રહી હોઇ મહંતનું મૃત્યુ કુદરતી નહિ હોય કે શું? એવા સવાલો ઉભા થયા છે. પોલીસે ખાનગી રાહે તપાસ હાથ ધરી છે. (

રાજકોટ તા. ૮: રાજકોટ મોરબી રોડ પર કાગદડીના પાટીયા પાસે આવેલા જાણીતા શ્રી ખોડિયાર આશ્રમના મહંતશ્રી સાધુ જયરામદાસ (ઉ.આ.૬૫) ના તા. ૧ જુને એટલે કે સાત દિવસ પહેલા થયેલા કહેવાતા કુદરતી મૃત્યુની પોલીસે ખાનગી રાહે તપાસ હાથ ધરી છે. આ મહંતે ભત્રીજા સહિતના બ્લેકમેઇલરોથી કંટાળી જઇ આત્મહત્યા કર્યાના લેખિત પુરાવાના આધારે કુવાડવા રોડ પોલીસની ટીમોએ ખાનગી રાહે તપાસ હાથ ધરી છે.

આત્મહત્યા કરી મોત મેળવી લેનારા મહંતને તેના જ ભત્રીજા અને અન્ય ત્રણ ચાર લોકો કયા મુદ્દે ધમકાવી રહ્યા હતાં કે બ્લેકમેઇલ કરી રહ્યા હતાં? તેની વિગતો હજુ પોલીસ ખુલીને કહેતી નથી. પરંતુ આધારભુત સુત્રોમાંથી મળતી માહિતી મુજબ મહંતે ઝેરી પદાર્થ પી આત્મહત્યા કર્યા બાદ તેમના અંતરંગ વર્તુળના આક્ષેપીત ચાર પાંચ લોકોએ મહંત હૃદયરોગના હુમલાથી કુદરતી રીતે મૃત્યુ પામ્યા છે એવું જાહેર કરી હિન્દુ પરંપરા મુજબ બારોબાર અગ્નિસંસ્કાર કરી નાંખ્યા હતાં. વકિલ, ભરવાડ શખ્સ સહિતના નામો પણ આ બનાવ પાછળ ચર્ચાઇ રહ્યા છે.

દરમિયાન પોલીસ પાસે આ વાતે કર્ણોપકર્ણ પહોંચી હતી કે મહંતનું મૃત્યુ કુદરતી નહિ પણ આપઘાત કે અન્ય કંઇક છે. આ આધારે ઉચ્ચ પોલીસ અધિકારીશ્રીની સુચના મુજબ ખાનગી રાહે ટૂકડીઓ બનાવી તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.

આશ્રમની સંપત્તિ કે અન્ય કોઇ બાબત આ ઘટના પાછળ જવાબદાર બની છે? તે સહિતના મુદ્દે પોલીસ તલસ્પર્શી તપાસ કરી રહી હોવાનું જાણવા મળે છે. આવતા સમયમાં મૃત્યુના રહસ્યનો પર્દાફાશ થાય તેવી શકયતા જોવાઇ રહી છે.

(2:59 pm IST)