Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

તરઘડી પાસે બિલાડીને બચાવવા જતા કાર ગોથુ ખાઇ ગઇઃ ગીત ગુર્જરી સોસાયટીના એન્જિનીયર આદર્શ ઓઝાની જિંદગી ખતમ

ત્રણ કારમાં આઠેક મિત્રો ન્યારા પેલેસ ખાતે જમવા માટે ગયા હતાં: યુવાન અને આશાસ્પદ પુત્રના મૃત્યુથી ઓઝા પરિવારમાં કલ્પાંત : બે કારમાં મિત્રો જય દ્વારકાધીશ હોટેલથી ચા પી જમવા માટે આગળ વધી ગયાઃ મોડે સુધી આદર્શ અને હાર્દિકની કાર ન આવીઃ એ પછી હાર્દિકના ફોનમાંથી ન્યારા પેલેસ પહોંચી ગયેલા મિત્રને અકસ્માતનો ફોન આવ્યોઃ આદર્શને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો પણ મોડુ થઇ ગયું : વિશેષ અભ્યાસ માટે આદર્શ અમેરિકા જવાની તૈયારીમાં હતોઃ માતા-પિતા-નાનો ભાઇ સહિતના સ્વજનોમાં શોકની કાલીમા

બિલાડીને બચાવવા જતાં સર્જાયેલા અકસ્માતમાં બૂકડો થઇ ગયેલી ટીયુવી કાર, ચાલક એન્જીનિયર યુવાન આદર્શ દર્શનભાઇ ઓઝાનો નિષ્પ્રાણ દેહ અને તેની ફાઇલ તસ્વીર જોઇ શકાય છે

રાજકોટ તા. ૮: રાજકોટ-જામનગર હાઇવે પર પડધરીના તરઘડી નજીક શિવશકિત હોટેલથી આગળ રાધે કાઠીયાવાડી હોટેલ પાસે રાત્રીના સવા બારેક વાગ્યે મહિન્દ્રા ટીયુવી કાર પલ્ટી મારી જતાં તેના ચાલક રાજકોટ એરપોર્ટ નજીક ગીત ગુર્જરી સોસાયટીમાં રહેતાં એન્જીનિયર યુવાનનું ગંભીર ઇજા થતાં મોત થયું હતું. જ્યારે તેની સાથેના મિત્રનો નજીવી ઇજા સાથે ચમત્કારીક બચાવ થયો હતો. અલગ અલગ ત્રણ કારમાં આઠ-દસ મિત્રો જમવા માટે ગયા હતાં. એન્જીનિયર યુવાન એક મિત્ર સાથે પોતાની કારમાં પાછળ રહી ગયો હતો. અચાનક રસ્તા પર બિલાડી આડે આવતાં અને બીજી સાઇડ ટ્રક હોઇ બિલાડીને બચાવવાના પ્રયાસમાં અકસ્માત સર્જાતા તેની જિંદગી ખતમ થઇ જતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.

જાણવા મળ્યા મુજબ શિવશકિત હોટેલ નજીક રાધે કાઠીયાવાડી હોટેલ પાસે રાતે મહિન્દ્રા ટીયુવી કાર જીજે૩જેઆર-૩૦૨૮ પલ્ટી ખાઇ જતાં કારનો બૂકડો બોલી ગયો હતો. તેના ચાલક આદર્શ દર્શનભાઇ ઓઝા (ઉ.વ.૨૪)ને ગંભીર ઇજાઓ થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ તબિબે નિષ્પ્રાણ જાહેર કરતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. હોસ્પિટલ ચોકીના આર. એસ. સાંબડ અને સંજયભાઇએ પડધરી પોલીસને જાણ કરતાં જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી.

વધુ માહિતી મુજબ અકસ્માતમાં જિંદગી ગુમાવનાર આદર્શ બે ભાઇમાં મોટો હતો. તેના પિતા દર્શનભાઇ મહિપતરાય ઓઝા વેપાર કરે છે અને પાર્ટનરશીપમાં ફેકટરી પણ ચલાવે છે. માતાનું નામ ગીતાંજલીબેન છે. આદર્શએ એન્જિનીયરીંગમાં માસ્ટર ડીગ્રી  સુધીનો અભ્યાસ પુરી કરો લીધો હતો અને હવે તે આગળ અભ્યાસ માટે અમેરિકા જવાનો હોઇ તેની તૈયારી પણ થઇ ચુકી હતી.

સોમવારે આઠ દસ મિત્રોએ જામનગર હાઇવે પર ન્યારા પેલેસ ખાતે જમવા જવાનું આયોજન કર્યુ હતું. જેમાં આદર્શ પોતાના પિતાની ટીયુવી કાર લઇને ગયો હતો. સોૈ પહેલા બધા મિત્રો તરઘડથી આગળ જય દ્વારકાધીશ હોટેલ ખાતે ગયા હતાં. ત્યાં ચા પાણી પીધા બાદ જમવા જવા માટે ન્યારા પેલેસ તરફ રવાના થયા હતાં.

બે કાર ન્યારા પેલેસ ખાતે પહોંચી ગઇ હતી. પણ આદર્શ અને તેની સાથેના મિત્ર હાદિર્ક હરણેશાની કાર ન પહોંચતા બધા મિત્રો તેની રાહ જોઇને ઉભા હતાં. ત્યાં જ હાર્દિકના મોબાઇલમાંથી ન્યારા પેલેસ પાસે પહોંચી ગયેલા એક મિત્રને કોઇનો ફોન આવ્યો હતો અને આ ફોન જેનો છે એમની કારને અકસ્માત નડ્યો છે તેવું કહેતાં જ બધા મિત્રો તાબડતોબ રાધે કાઠીયાવાડી હોટેલ નજીક પહોંચ્યા હતાં.

ત્યાં જઇ જોતાં કારને ભારે નુકસાન થયાનું અને આદર્શને ગંભીર ઇજા થયાનું જણાતાં તુરત જ રાજકોટ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. પરંતુ જીવ બચી શકયો નહોતો. તેની સાથેના હાર્દિકને નજીવી ઇજા થઇ હતી અને ચમત્કારીક બચાવ થયો હતો. તેના કહેવા મુજબ રોડ પર અચાનક બિલાડી આવી જતાં બીજી તરફ ટ્રક હોઇ હાર્દિકે બિલાડીને બચાવવા પ્રયાસ કરતાં જ કાબૂ ગુમાવ્યો હતો અને કાર પલ્ટી મારી ગઇ હતી.

આશાસ્પદ અને યુવાન દિકરાના અકાળે અવસાનથી ગીતગુર્જરી સોસાયટીના ઓઝા પરિવારમાં અને આદર્શના બહોળા મિત્રવર્તુળ, સગા સંબંધીઓમાં ગમગીની છવાઇ ગઇ છે. પડધરી પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.

(3:00 pm IST)