Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

મવડી ચોકડી પાસે થયેલ હત્યાની કોશિષના ગુનામાં પકડાયેલ બે આરોપીના જામીન મંજુર

રાજકોટ તા. ૮: રાજકોટ શહેરના મવડી ચોકડી પાસે આવેલ ઉદ્યોગનગર-ર માં આવેલ બાલાજી બેકરી પાસે છરીના જીવલેણ ઘા મારી આંતરડા બહાર કાઢી નાખનાર આરોપીઓ તુષાર રમેશભાઇ જેઠવા અને તેજસ વિરમભાઇ તરવડીયા રહે. રાજકોટ વાળાને રાજકોટ સેશન્સ કોર્ટ દ્વારા જામીન પર મુકત કરવાના હુકમ કરેલ હતો.

આ કેસની હકીકત એવી છે કે, તા. ૧૯/૦પ/ર૦ર૧ના રોજ આ કામના ફરીયાદી ઘનશ્યામભાઇ બાબુભાઇ જાદવની ફરીયાદ પરથી માલવીયાનગર પોલીસ સ્ટેશન દ્વારા ઉપરોકત આરોપીઓ વિરૂધ્ધ આઇ.પી.સી. કલમ-૩૦૭, ૩ર૪, ૩ર૩, પ૦૪, ૧૧૪ અને જી. પી. એકટની કલમ-૧૩પ(૧) મુજબ ગુન્હો નોંધવામાં આવેલ હતો. ઉપરોકત ફરીયાદીની ફરીયાદ એવી હતી કે તેની ૧પ (પંદર) વર્ષની દિકરીને હાલના આરોપીઓ ''આવા કપડા પહેરીને શેરીમાં ન નીકળવાનું કહીને'' ઠપકો આપીને મેણાટોણા મારતા, આ કામના ફરીયાદી ઉપરોકત આરોપીઓને સમજાવવા જતા આરોપીઓ ઉશ્કેરાઇ જઇને ફરીયાદી તથા તેમના ભાઇ દિનેશભાઇ ઉપર છરી વડે તથા ઢીકા પાટા મારીને જીવલેણ હુમલો કરતા પોલીસ દ્વારા આરોપીઓની ધરપકડ કરી નામદાર રાજકોટ કોર્ટમાં રજુ કરતા કોર્ટ દ્વારા આરોપીઓ તુષાર રમેશભાઇ જેઠવા અને તેજસ વિરમભાઇ તરવડીયા રહે. રાજકોટને જેલ હવાલે કરવામાં આવેલ હતા.

ત્યારબાદ આ કામના બન્ને આરોપીઓએ રાજકોટ સેશન્સ કોર્ટમાં રેગ્યુલર જામીન પર મુકત થવા અરજી કરેલ હતી અને એ અરજીમાં આરોપીના વકીલની દલીલો તથા સુપ્રિમ કોર્ટ તથા હાઇકોર્ટના ચુકાદાઓને ગ્રાહય રાખીને તથા સરકારી વકીલશ્રીઓની દલીલોને ધ્યાને લઇને નામદાર રાજકોટ સેશન્સ કોર્ટ દ્વારા ઉપરોકત બન્ને આરોપીઓને રૂ. ર૦,૦૦૦/-ના રેગ્યુલર જામીન પર મુકત કરવાનો હુકમ કરેલ હતો.

આ કામમાં બન્ને આરોપીઓ વતી રાજકોટના ધારાશાસ્ત્રી ગૌરાંગ પી. ગોકાણી તથા વૈભવ બી. કુંડલીયા રોકાયેલ હતાં.

(3:00 pm IST)