Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

મોરબી રોડ પર ડુંગળી ભરેલી બોલેરો પીકઅપમાંથી ૪.ર૪ લાખના દારૂ સાથે બાલકૃષ્ણ અને મનીષ પકડાયા

ફિલ્મી ઢબે પીછો કરી બંને શખ્સોને દબોચ્યા : એસ.ઓ.જી.ના કોન્સ. સીરાજભાઇ ચાનીયા, અનીલસિંહ ગોહિલ અને અઝરૂદ્દીન બુખારીની બાતમી દારૂની ૧ર૧ર બોટલ, બોલેરો મળી ૭.રપ લાખની મતા કબ્જે

રાજકોટ, તા. ૮ :  મોરબી રોડ પર મારવાડી કોલેજ પાસેથી એસઓજીની ટીમે બાતમીના આધારે ફિલ્મી ઢબે પીછો કરી ડુંગળી ભરેલી બોલેરો પીકઅપમાંથી રૂ. ૪.ર૪ લાકના દારૂના જથ્થા સાથે બે શખ્સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ શહેરના મોરબી રોડ પરથી એક બોલેરોમાં દારૂના જથ્થા સાથે પસાર થવાના હોવાની એસ.ઓ.જી.ના કોન્સ. સીરાજભાઇ ચાનીયા, અનીલસિંહ ગોહીલ તથા અઝરૂદ્દીનભાઇ બુખારીને બાતમી મળતા પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલની સુચનાથી તથા એસ.સી.પી. ડીવી. વાસીયા તથા એસ.ઓ.જીના પી.આઇ. આર.વાય. રાવલના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. એમ.એસ. અંસારી, એ.એસ.આઇ. ઝહીરભાઇ ખફીફ, કોન્સ. અનીલસિંહ ગોહીલ, કોન્સ. સીરાજભાઇ ચાનીયા, અઝરૂદ્દીનભાઇ બુખારી તથા મહિલા કોન્સ. સોનાબેન મુળીયા તથા શાંતુબેન મુળીયા સહિત મોરબી રોડ પર વોચમાં હતા. ત્યારે એક જી.જે. ર૭ એકસ ૬૧૭૭ નંબરની બોલેરો પીકઅપ પસાર થતા શંકા જતા તાકીદે તેનો પીછો કરી મારવાડી કોલેજ પાસે બોલેરોને રોકી લેતા ડુંગળી ભરેલા કોથળાના જથ્થા નીચે છુપાવેલી રૂ. ૪,ર૪,ર૦૦ ની કિંમતની દારૂની ૧ર૧ર બોટલ મળી આવતા પોલીસે બોલેરોમાં બેઠેલા બાલકૃષ્ણ સન્યાસીભાઇ મદ્રાસી (ઉ.વ.૪પ) (રહે. રેલ્વે સ્ટેશન પાસે રૂખડીયાપરા) પી. ડબલ્યુ ડી.ની ઓફીસની બાજુમાં) અને મનીષ મનોજભાઇ જાખેલીયા (ઉ.વ.ર૧) (રહે. રૂખડીયા પરા ચામુંડા પાનની બાજુમાં)ને પકડી લીધા હતા. અને દારૂનો જથ્થો, બોલેરો પીકઅપ અને બે મોબાઇલ ફોન મળી રૂ. ૭,રપ,ર૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બંને શખ્સો દારૂનો જથ્થો કયાંથી લઇ આવ્યા અને કયાં પહોંચાડવાનો હતો તે અંગે પુછપરછ થઇ રહી છે.

(3:06 pm IST)