Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

રાજકોટમાં સ્પા ચલાવતા ગોંડલના યુવાનની હત્યાના ૩ આરોપીઓ હરિદ્વાર ગંગાઘાટ ઉપરથી ઝડપાયાં

સવા મહિના પહેલા આરોપી ફરાર થઇ ગયેલ : હરિદ્વારમાં અલગ અલગ આશ્રમો અને અન્નક્ષેત્રોમાં આશરો મેળવેલ

ગોંડલ, તા. ૮ : ગોંડલની સૈનિક સોસાયટીમાં રહેતાં અને રાજકોટ સ્પા ચલાવતાં ક્ષત્રીય યુવાનની કરપીણ હત્યાનાં નાશી છુટેલાં હત્યારાઓને પોલીસે  બનાવ નાં સવા મહીના બાદ હરિદ્વાર થી જડપી લઇ કાર્યવાહી હાથ ધરી છે.  સૈનિક સોસાયટીમાં રહેતાં અજયસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા ઉ.૨૧ ની ગત તા.૨૫ એપ્રીલનાં તિક્ષણ હથીયાર  નાં ૩૦ થી વઘુ ઘા મારી નિર્મમ હત્યા કરાઇ હતી. બનાવ બાદ હત્યા કરનારાં  સૈનિક સોસાયટીમાં રહેતાં  જયવિરસિહ જયદિપસિહ જાડેજા,સચીન રસીકભાઈ ઘડુક તથાં તીરુમાલા રેસીડેન્સીમાં રહેતાં વિવેક ઉર્ફે ટકો મહેન્દ્રભાઇ બારડ નાશી છુટ્યાં હોય જડપી લેવાં પોલીસ આકાશ પાતાળ એક કરી રહીં હતી.

દરમ્યાન હત્યારાઓ ઉતરાખંડ નાં હરિદ્વારમાં હોવાની ખાનગી બાતમી પોલીસને મળતાં ડીવાયએસપી પ્રતિ પાલ સિંહ ઝાલા, પીઆઇ.સંજયસિંહ જાડેજાનાં માર્ગદર્શન હેઠળ ગોંડલ સીટી પોલીસનાં જાંબાઝ પીએસઆઇ ડી.પી.ઝાલા, હેડ. કોન્સ્ટેબલ રાજદિપસિહ ચુડાસમા, યુવરાજસિંહ જાડેજા, જયદિપસિહ ચૌહાણ, હરેન્દ્રસિહ જાડેજા,વિરભદ્રસિહ વાઘેલા, રૂરલ ક્રાઇમ બ્રાન્ચના પ્રહલાદસિહ, રૂપક બહાદુર સહીતની ટીમ હરિદ્વાર દોડી ગઇ હતી. જ્યાં સાદા ડ્રેસ માં હત્યારાઓની શોધખોળ શરૂ કરતાં ભારત માતા નાં મંદિર પાસે પાંચ માં ઘાટ પર નજરે પડતાં ત્રણેય હત્યારાઓને દબોચી લઇ ગોંડલ પરત ફર્યા હતાં.પોલીસે આરોપીઓ નાં રિમાન્ડ માટે તજવીજ હાથ ધરી છે.

ગત જાન્યુઆરી માં ગોંડલ નાં રામદ્વાર પાસે એસટી બસ પર થયેલ પત્થરમારા ની ઘટનાંમાં પોલીસે જયવિરસિહ સહીત નાં ને પકડયાં હોય પોલીસને અજયસિંહે બાતમી આપી હોવાની શંકા સાથે ખાર રાખી તિક્ષણ હથીયાર વડે તેની હત્યા કરાઇ હતી.બાદમાં પત્થર સાથે તેનાં મૃતદેહને દોરડાંથી બાંધી નાગડકા રોડ પર કુવા માં નાંખી દેવાયો  હતો. અજયસિંહ લાપતા બનતાં બનાવ નાં બે દિવસ બાદ તા.૨૭ તેનાં પરીવાર દ્વારા સીટી પોલીસમાં  ગુમ સુધા ફરીયાદ કરાઇ હતી. અને તા.૨૮ તેની લાશ કુવામાંથી મળી આવી હતી.

પોલીસ ફરીયાદમાં શકમંદ તરીકે શખ્સોનો ઉલ્લેખ કરાયો હોય પોલીસે એક સગીરને જડપી લઇ પુછપરછ હાથ ધરતાં હત્યાનો ભેદ ખુલવાં પામ્યો હતો.

દરમ્યાન હત્યામાં સંડોવાયેલા જયવિરસિહ, સચીન અને વિવેક ઉર્ફે ટકો પલાયન થઇ હરિદ્વાર પંહોચ્યા હતા.અને છેલ્લા વિસ દિવસ થી અલગઅલગ આશ્રમ અને અન્નક્ષેત્રોમાં આશરો લીધો હતો. પીએસઆઇ ડી.પી.ઝાલા ની કુનેહ તથાં ટેકનીકલ તપાસ રંગ લાવી હોય તેમ હત્યારાઓ ઝડપાઇ ગયાં હતાં.

(3:11 pm IST)