Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

રસી મુકાવોઃ શાકભાજી ફેરિયાઓ સહીતના સુપર સ્પ્રેડરોને રૂબરૂ સમજાવાયા

ડે.કમિશનર પ્રજાપતિ અને આરોગ્ય અધિકારી ડો. વાંઝા ત્થા નાયબ આરોગ્ય અધિકારી ડો.રાઠોડ દ્વારા સામાંકાંઠા વિસ્તાર, મવડી અને હનુમાનમઢી શાકમાર્કેટ ત્થા રિલાયન્સ મોલમાં રસીકરણ જનજાગૃતિ ઝુંબેશ

રાજકોટ તા. ૮ :.. હાલમાં રસિકરણ ધીમુ પડી ગયુ હોઇ શહેરમાં કોરોના સુપર સ્પ્રેડર ગણાતાં શાકભાજી વેચતાં ફેરીયાઓ અને પછાત વિસ્તારોમાં રૂબરૂ જઇને લોકોને કોરોનાં સામે સુરક્ષા આપતી રસી મુકાવી લેવા સાચી સમજણ આપી હતી.

 

આ અંગે સત્તાવાર પ્રાપ્ત વિગતો મુજબ મોટાભાગનાં સુપર સ્પ્રેડરો ઓનલાઇન રજીસ્ટ્રેશનની માથાકુટમાં પડવા માંગતાં નહી હોવાથી રસી મુકાવાનું ટાળી રહ્યાનું તેમજ પછાત વિસ્તારનાં લોકો રસી મૂકાવ્યા પછી શું થશે ? તેવા ભયને કારણે રસી મુકાવતા નહી હોવાનું ધ્યાને આવતાં.

આવા લોકોને ડે. કમિશ્નર શ્રી પ્રજાપતી, આરોગ્ય અધિકારી ડો. વાંઝા તથા નાયબ આરોગ્ય અધિકારી ડો. રાઠોડે અલગ - અલગ ટીમો બનાવીને લોકોને રસી મૂકાવી લેવા રૂબરૂ જઇને સમજાવ્યા હતાં.

અને આ લોકો શું કામ રસી મુકાવા જતા નથી ? તેનાં કારણો જાણી તેઓને સાચી સમજણ આપી રસી મુકાવી લેવા અપીલ કરી હતી.  આ  રસીકરણ જનજાગૃતિ ઝૂંબેશ દરમિયાન ડે. કમિશનર શ્રી પ્રજાપતી અને આરોગ્ય અધિકારી ડો. વાંઝાની ટીમોએ સામાકાંઠનાં વોર્ડ નં. ૬ નાં  પ્રણામી ચોક, જંગલેશ્વર, વિસ્તારોમાં કામગીરી કરી હતી.

જયારે નાયબ આરોગ્ય અધિકારી ડો. રાઠોડની ટીમે હનુમાન મઢી ત્થા મવડી શાક માર્કેટમાં જઇ શાકભાજી વેચતાં ફેરીયાઓને ત્થા રિલાયન્સ મોલનાં સ્ટાફને રસીકરણ કેન્દ્ર પર તેમનાં માટે રજીસ્ટ્રેશનની ખાસ વ્યવસ્થા કરાઇ છે. તેથી ત્યાં જઇ રસી મુકાવી લેવા સમજાવ્યા હતાં.

નોંધનીય છે કે છેલ્લા અઠવાડીયાથી રસીકરણ માટે આવનારાઓની સંખ્યા પ૦ ટકાથી વધુ ઘટી ગઇ છે. આથી હવે સુપર સ્પ્રેડરોને રૂબરૂ જઇને રસી મુકાવી લેવા સમજાવવાનું અભિયાન તંત્ર દ્વારા હાથ ધરાયુ છે.

(3:43 pm IST)