Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

બાલાજી કુરિયરમાં થયેલી ૨૧ લાખની લૂંટનો ભેદ ખોલતી ક્રાઇમ બ્રાંચ : ત્રિપુટી ઝડપાઇઃ બીજા ૯ ગુના પણ કબુલ્યા

એક મહિના પહેલા ગોંડલ રોડ પીડીએમ કોલેજ નજીક કુરિયરની ઘટનામાં જ ફરિયાદ થઇ'તીઃ અન્ય ૯ બનાવમાં નાની રકમ ગઇ હોઇ, પ્રયાસ થયો હોઇ ભોગ બનનારે પોલીસને જાણ કરી નહોતી : ખોખડદળ નદી પાસે જડેશ્વર વેલનાથમાં રહેતાં મુળ ઉમરાળીના હિતેષ ડવ, દેરડી કુંભાજીના કરણ બાલાસરા અને કોટડાપીઠાના કિશન મૈયડને દબોચી લેવાયાઃ કરણ કારખાનામાં કામ કરે છેઃ હિતેષ અને કિશન બેનર લગાડે છેઃ મોજશોખ માટે લૂંટો કરવાના રવાડે ચડી ગયા'તા :પોલીસે રૂ. ૧૬.૭૪ લાખ રોકડા, બે મોબાઇલ, એકસેસ, બાઇક અને રેડીમેઇડ કપડા અને ટ્રેકસુટ કબ્જે કર્યા : પીઆઇ વી. કે. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ :પી. એમ. ધાખડાની ટીમના મયુરભાઇ પટેલ, નગીનભાઇ ડાંગર, સિધ્ધરાજસિંહ જાડેજાની બાતમી : કપડાની દૂકાનોને વધુ નિશાન બનાવીઃ નાની રોકડ સાથે કપડા-ટ્રેકસુટ પણ લૂંટી લેતાં! : ખોખડદડ પાસે ડોકટરને લૂંટવા અનેક વખત રેકી કરી, પણ ડોકટર હમેંશા પત્નિ સાથે જ નીકળતાં હોઇ પ્લાન સફળ ન થયો

લૂટારૂ ત્રિપુટીને દબોચી લેવામાં ક્રાઇમ બ્રાંચને સફળતા મળી છે. બાલાજી કુરિયરની ૨૧ લાખની લૂંટનો ભેદ ઉકેલવા ઉપરાંત બીજા ગુનાઓ પણ ઉકેલ્યા છે. તસ્વીરમાં માહિતી આપી રહેલા ડીસીપી ઝોન-૨ મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ ડી. વી. બસીયા, પીઆઇ વી. કે. ગઢવી, સાથે પીએઅસાઇ પી. એમ. ધાખડા, માલવીયાનગર પીઆઇ કે. એન. ભુકણ, પીએસઆઇ વી. કે. ઝાલા અને સાથે ટીમ તથા નીચેની તસ્વીરમાં લૂંટારૂ ત્રિપુટી, કબ્જે થયેલો મુદ્દામાલ, કપડા જોઇ શકાય છે (ફોટોઃ અશોક બગથરીયા)

રાજકોટ તા. ૮: એક મહિના પહેલા ગોંડલ રોડ પર પીડીએમ કોલેજ નજીક બાલાજી કુરિયરમાં જઇ ભાવનગર કુરિયર મોકલવાના બહાને રેકી કરી બાદમાં કુરિયર નથી મોકલવું તેવી વાત કરવાના બહાને આવી પેઢીના સંચાલકને છરી બતાવી માર મારી શટર બંધ કરી ખુરશીમાં બાંધી દઇ ૭ હજારની રોકડ સાથેનું પર્સ તથા થેલમાં પડેલા ૨૧ લાખ રોકડાની લૂંટ ચલાવી અજાણ્યા માસ્ક પહેરેલા લૂંટારા ભાગી ગયા હતાં. આ ઘટનાનો ભેદ ક્રાઇમ બ્રાંચે ઉકેલી નાંખી ખોખડદળ નદી કાંઠે વેલનાથ પરામાં રહેતાં મુળ ઉમરાળી, દેરડી કુંભાજી અને કોટડાપીઠાના ત્રણ શખ્સોને પકડી લઇ રોકડા રૂ. ૧૬.૭૪ લાખ, બે વાહન, કપડા મળી રૂ. ૧૭,૯૪,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. કારખાનામાં મજૂરી અને બેનર લગાડવાનું કામ કરતી આ ત્રિપુટી મોજશોખ માટે લૂંટો કરવાના રવાડે ચડી હતી. કુરીયર પેઢીની લૂંટ ઉપરાંત અન્ય પાંચ લૂંટ અને ચાર લૂંટના પ્રયાસની કબુલાત પણ આપી છે.

ડિટેકશન અંગે પોલીસે માહિતી આપતાં કહ્યું હતું કે આ ગુનામાં ત્રણ આરોપી હિતેષ બાબુભાઇ ડવ (આહિર) (રહે. ખોખડદળ નદી પાસે જડેશ્વર વેલનાથ સોસાયટી, મુળ ઉમરાળી તા. રાજકોટ), કરણ ભગવાનભાઇ બાલાસરા (આહિર) (રહે. ખોખડદળ નદી પાસે, જડેશ્વર વેલનાથ સોસાયટી માધવ કરિયાણા સ્ટોર પાસે મુળ દેરડી કુંભાજી ગોંડલ) તથા કિશન રાયધનભાઇ મૈયડ (આહિર) (રહે. કોઠારીયા રીંગ રોડ આજી નદી પાસે રામ પાર્ક, મુળ કોટડાપીઠા તા. બાબરા)ને ઝડપી લઇ તેની પાસેથી રોકડા રૂ. ૧૬ લાખ ૭૪ હજાર, રૂ. ૨૦ હજારના બે મોબાઇલ ફોન, રૂ. ૫૦ હજારનું એકસેસ, રૂ. ૫૦ હજારનું બાઇક તથા રેડીમેઇડ કપડા, ટ્રેકસુટ મળી રૂ. ૧૭,૯૪,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કરાયો છે.

ગયા મહિને તા. ૫/૫ના રોજ બાલાજી કુરિયરમાં લૂંટની ઘટના બની એ પછી પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા અને એસીપી ક્રાઇમ ડી. વી. બસીયાએ આ ગુનાનો ભેદ ઉકેલવા સુચના આપી હોઇ પીઆઇ વી. કે. ગઢવીની રાહબરીમાં અલગ અલગ ટીમો કામે લાગી હતી. દરમિયાન ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ પી. એમ. ધાખડાની ટીમના મયુરભાઇ પટેલ, નગીનભાઇ ડાંગર અને સિધ્ધરાજસિંહ જાડેજાને મળેલી બાતમી પરથી ત્રણેય આરોપીને જડેશ્વર વેલનાથ સોસાયટી પાસેથી દબોચી લેવાયા હતાં.

ત્રણેયએ આકરી પુછતાછમાં બાલાજી કુરિયરમાંથી કરેલી લૂંટની કબુલાત આપી હતી અને સાથો સાથ અન્ય ૯ ગુના પણ કબુલ્યા હતાં. જેમાં પાંચમાં લૂંટ અને ચારમાં લૂંટનો પ્રયાસ કર્યો હતો. જો કે નાની રકમ અને કપડાની લૂંટ થઇ હોઇ મોટા ભાગે કોઇએ ફરિયાદ નોંધાવી નહોતી. પોલીસે ત્રણેય પાસેથી રોકડા રૂ. ૧૬ લાખ ૭૪ હજાર, રૂ. ૨૦ હજારના બે મોબાઇલ ફોન, રૂ. ૫૦ હજારનું એકસેસ, રૂ. ૫૦ હજારનું સ્પ્લેન્ડર તથા રેડીમેઇડ કપડા, ટ્રેકસુટ મળી રૂ. ૧૭,૯૪,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

સ્થાનિક પોલીસને સાથે રાખી તપાસ શરૂ કરાઇ

મોટી રકમની લૂંટ થઇ હોઇ માલવીયાનગર પોલીસની ટીમને સાથે રાખી તપાસ શરૂ કરાઇ હતી. ટેકનીકલ, સીસીટીવી કેમેરા, ખાનગી બાતમીદારો, ગુનાહિત ઇતિહાસ ધરાવતાં શખ્સોની તપાસ સહિતની કાર્યવાહી થઇ હતી.

ત્રણેયએ અન્ય ૯ ગુનાની કબુલાત પણ આપી

પ્રારંભે તો હિતેષ, કરણ અને કિશને કુરિયરમાં જ લૂંટ કરી હોવાનું ગાણું ગાયુ હતું. પરંતુ આ ત્રિપુટી વધુ કેટલાક ગુનામાં પણ સામેલ હોવાની દ્રઢ શંકા ઉપજતાં વિશેષ આગવી પુછતાછ થતાં વધુ નવ ગુના કબુલ્યા હતાં. જે મુજબ આહિર ચોકથી પટેલ ચોક જતાં શ્યામ હોલ પાસે ખોડલ ફેશનમાં દુકાનદારને છરી બતાવી રૂ. ૧૭ હજાર તથા બે જોડી કપડાની લૂંટ, સંતકબીર રોડ બાલક હનુમાન પાસે એસપી ફેશનમાં રૂ. ૧૬૦૦ તથા ત્રણ જોડી કપડાની લૂંટ, માયાણીનગર બેકબોન શોપીંગમાં ડેનીમ કલેકશનમાં રૂ. ૧૭૦૦ તથા ત્રણ જોડી કપડા, ટ્રેક પેન્ટ, કોઠારીયા રોડ ગોંડલ ચોકડી સર્વિસ રોડ પાસે લિજ્જત પાપડ નજીક મારબલ લાદીના શો રૂમમાંથી હિતેષ અને કિશને છરી બતાવી રૂ. ૨૦ હજારની લૂંટ, રોલેકસ સાઇબાબા સર્કલથી કોઠારીયા તરફના રસ્તે લેબોરેટરીમાં સાંજના સમયે કાઉન્ટર પર બેઠેલા શખ્સને છરી બતાવી રૂ. ૧૫૦૦ની લૂંટ કરી હતી.

આ ઉપરાંત આ સ્થળ નજીક એક કલીનીકમાં લૂંટના ઇરાદે ગયા હતાં. પરંતુ ડોકટરનો ઉગ્ર સ્વભાવ જોઇ લૂંટ કરવાનું માંડી વાળ્યું હતું. ખોખડદળ પાસે એક ડોકટરને લૂંટવા માટે અનેક વખત રેકી કરી હતી. પરંતુ ડોકટર હમેંશા પત્નિની સાથે હોઇ જેથી લૂંટ કરવાની હિમત ચાલી નહોતી, કોઠારીયા રોડ ફાયર બ્રિગેડ પાસે કરિયાણાની દૂકાનમાં લૂંટ કરવા ગયયા પણ દૂકાન માલિકે ફોન કરી પુત્રને બોલાવતાં ત્યાં સફળતા મળી નહોતી. આ ઉપરાંત યાજ્ઞિક રોડ પર મોબાઇલની દૂકાનમાં લૂંટના ઇરાદે ગયા હતાં. પરંતુ દૂકાન માલિકના બીજા ભાઇ આવી જતાં ડર લાગતાં લૂંટનું માંડી વાળ્યું હતું. છેલ્લે બાલાજી કુરિયરમાં લૂંટ કરવા ગયા હતાં ત્યાંથી લાખોની રકમ મળી ગઇ હતી.

આ ત્રિપુટીએ બાલાજી કુરિયરમાં લૂંટ કરી એ પહેલાના ૧૫ દિવસમાં જ લાગલગાટ નવ ગુના આચર્યા હતાં. પરંતુ એકેયમાં પોલીસ ફરિયાદ થઇ નહોતી.

કામગીરી કરનાર ટીમને રોકડ પુરષ્કાર

આ કામગીરી પીઆઇ વી. કે. ગઢવી, પીએસઆઇ પી. એમ. ધાખડા, હેડકોન્સ. મયુરભાઇ પટેલ, અમિતભાઇ અગ્રાવત, સિધ્ધરાજસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ ઝાલા, કોન્સ. સંજયભાઇ રૂપાપરા, નગીનભાઇ ડાંગર, પ્રદિપસિંહ જાડેજા, સાયબર ક્રાઇમના મહેન્દ્રસિંહ જાડેજાની ટીમે કરી હતી. ટીમને પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ તરફથી રૂ. ૧૫ હજારનું ઇનામ અપાયું હતું.

બપોરે કે સાંજના સમયે એકલ દોકલ વ્યકિત દૂકાનમાં હોય તેને જ લૂંટવાની અને જરૂર પડ્યે બાંધી દેવાની આદત

. આ લૂંટારૂ ત્રિપુટી મોટે ભાગે બપોરે એકથી ત્રણના સમયમાં અથવા સાંજના સમયમાં જ જે તે દૂકાન કે બીજી જગ્યાએ એકલ દોકલ વ્યકિત હોય ત્યાં જ લૂંટ કરવા જતી હતી. ત્રણેય છરી બતાવીને લૂંટ કરતાં અને જરૂર પડ્યે વેપારી કે દૂકાનમાં જે હોય તેને ખુરશીમાં બાંધી દેતાં હતાં. જ્યાં ભીંસ પડે એમ હોય અને દૂકાનમાં બીજુ કોઇ આવી જાય તો ભાગી જવામાં ભલાઇ સમજતાં હતાં.

રોડ પરથી રેકી કર્યા બાદ અંદર જતાં

. જ્યાં લૂંટ કરવાની હોઇ એ દૂકાન નજીક રોડ પરથી રેકી કરી લેતાં એ પછી દૂકાન અંદર જઇને ગ્રાહકનો સ્વાંગ રચતાં. એકલ દોકલ વેપારી હોય તો તક મળતાં જ છરી કાઢી લૂંટ કરી લેતાં હતાં. જ્યાં જોખમ હોય ત્યાં ઘુસતાં નહિ.

રેડીમેઇડ કપડાની દૂકાનો શોફટ ટારગેટ

. ત્રણેય મોટે ભાગે રેડીમેઇડ કપડાની દૂકાનમાં વધુ લૂંટ કરવા જતાં હતાં. ત્યાં વેપારી સાથે ભાવમાં બારગેનીંગનો સમય મળતો અને ચેન્જીંગ રૂમ પણ હોઇ તક મળતાં વેપારીને બાંધીને ટ્રાયલ રૂમમાં તેને પુરી દઇ લૂંટ કરી ભાગી જતાં હતાં.

માસ્ક પહેતા, નંબર વગરના વાહનનો ઉપયોગ કરતાં

. લૂંટ કરવા જાય ત્યારે ત્રણેય હમેંશા માસ્ક પહેરી રાખતા હતાં. તેમજ પોતે કેમેરામાં ઓળખાઇ ન જાય એ માટે માસ્ક ઉતારતાં નહિ અને વાહન પણ નંબર પ્લેટ વગરનું જ વાપરતાં હતાં. લૂંટેલા પૈસાનો ભાગ પાડી ત્રણેય મોજશોખમાં વાપરતાં હતાં.

(3:48 pm IST)