Gujarati News

Gujarati News

News of Thursday, 8th June 2023

આવતા અઠવાડિયાથી કલેકટર તંત્ર દ્વારા રાજકોટમાં જંત્રી - રી-સર્વે

જિલ્લાના તમામ ૫૯૭ ગામોમાં કાર્યવાહી પૂરી : ડેટા એન્‍ટ્રી કરી લેવાઇ : હાલ પ્રાંત તથા કલેકટર કચેરી દ્વારા ક્રોસ વેરીફિકેશન ચાલૂ : એક જ રોડ ઉપર અલગ-અલગ ભાવ ન આવે તે જોવું જરૂરી : રાજકોટમાં તલાટી - કોર્પોરેશનનો ટેકનીકલ સ્‍ટાફ તમામ મીલકતો આવરી લેશે:સાંજે ૫ વાગ્‍યે રાજ્‍ય સરકારની કલેકટર - કોર્પોરેશન સાથે ખાસ વીસીઃ તમામ SDM - મામલતદાર પણ જોડાશે

રાજકોટ તા. ૮ : રાજકોટ જિલ્લા કલેકટરશ્રી પ્રભવ જોષીએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્‍યું હતું કે, જિલ્લાના તમામ ૫૯૭ ગામોમાં જંત્રી રી-સર્વે કામગીરી પૂર્ણ કરી લેવાઇ છે, મામલતદાર લેવલે કામગીરી પૂર્ણ થઇ છે, ડેટા એન્‍ટ્રી પણ કરી લેવાઇ છે, હાલ ગ્રામ્‍ય લેવલે થયેલ જંત્રી - રી-સર્વે કામગીરીનું પ્રાંત અધિકારી લેવલે તથા કલેકટર લેવલે ક્રોસ વેરીફિકેશન થઇ રહ્યું છે, આ ક્રોસ વેરિફિકેશન એટલા માટે ક્‍યાંય કોઇ ખામી ન રહી જાય, કોઇ અન્‍યાયકર્તા બાબત ન બને... એક જ રોડ ઉપર સેઇમ ભાવ હોવા જોઇએ. જુદા-જુદા ભાવો જે તે મિલ્‍કતના હોય તે ન ચાલે.

રાજકોટ શહેર તથા ૬ નગરપાલીકામાં જંત્રી - રી-સર્વે અંગે કલેકટરે જણાવ્‍યું હતું કે, એ કામ હવે હાથ ઉપર લેવાશે, આજે સાંજે ૫ વાગ્‍યે સરકારની જંત્રી અંગે ખાસ વીસી છે, તેમાં હવે શહેરોમાં જંત્રી સર્વે અંગે સૂચનાઓ આવશે.

અત્રે એ નોંધનીય છે કે, આજે ગુરૂવાર છે, કાલે કચેરી વર્કિંગનો ચાલુ દિવસ છે, બાદમાં શનિ - રવિ રજા છે, આથી આવતા અઠવાડિયાથી રાજકોટમાં કલેકટર તંત્ર દ્વારા જંત્રી - રી-સર્વે કામગીરી શરૂ કરે તેવી શક્‍યતા છે.

કલેકટરે પણ ‘અકિલા' સાથેની વાતચીતમાં જણાવેલ કે, રાજકોટમાં પણ તલાટીઓની ટીમો અને કોર્પોરેશનની ટેકનિકલ ટીમોની મદદથી અમે સર્વે શરૂ કરીશું, એ પહેલા વ્‍યવસ્‍થિત આયોજન ઘડી કઢાશે, કેટલી મીલકતો અને કોઇ મીલકત - વિસ્‍તાર - રહી ન જાય તે ખાસ જોવાશે.

કલેકટરે જણાવેલ કે, આજની વીસીમાં કલેકટર ઉપરાંત કોર્પોરેશનના અધિકારીઓ તથા તમામ એસડીએમ - મામલતદારો પણ ખાસ જોડાશે.

(3:49 pm IST)