Gujarati News

Gujarati News

News of Thursday, 8th June 2023

કુવાડવા પાસે અકસ્‍માત બાદ રેઢુ પડેલું બાઇક ચોરી કરી ફેરવતો કોઠારીયાનો હરેશ પકડાયો

એરપોર્ટ પોલીસે બામણબોર પાસેથી દબોચ્‍યો

રાજકોટ તા. ૮: કુવાડવા નજીક બામણબોર પાસેથી વાહન ચેકીંગ દરમ્‍યાન બાતમીના આધારે એરપોર્ટ પોલીસે વાંકાનેરના કોઠારીયા ગામના શખ્‍સને ચોરાઉ બાઇક સાથે પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ વાંકાનેર ચોકડી તરફથી એક શખ્‍સ ચોરાઉ બાઇક સાથે નીકળ્‍યો હોવાની બાતમી મળતા એરપોર્ટ પોલીસ મથકના પી.આઇ. એ. એસ. ગામીતના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. આર. એચ. કોડીયાતર, હેડ કોન્‍સ. કેશુભાઇ વાંજા, હેમતભાઇ તળાવીયા, ભગીરથસિંહ ડોડીયા, કોન્‍સ. ગોપાલસિંહ ઝાલા, ઉમેશભાઇ ચાવડા અને નરેશભાઇ ઝાલા સહિત વોચમાં હતા ત્‍યારે વાંકાનેર ચોકડી તરફથી આવતા જીજે-૩જે.એમ. ૪૯૦પ નંબરના બાઇકને શંકાના આધારે રોકી લાયસન્‍સ તથા બાઇકના કાગળો માગતા ચાલક ગલ્લા તલ્લા કરવા લાગ્‍યો હતો. બાદ પોલીસે તેનું નામ પૂછતા તેણે પોતાનું નામ હરેશ ઉર્ફે ગડો વિનુભાઇ કોબીયા (ઉ.વ. ર૭) (રહે. કોઠારીયા ગામ (જડેશ્‍વર), વાંકાનેર) આપ્‍યું હતું. બાદ તેની પૂછપરછ કરતા તેણે થોડા દિવસ પહેલા કુવાડવા ગામ નજીક જીત પંપ પાસે રોડની સાઇડમાં અકસ્‍માત થતા એક બાઇક સાઇડમાં પડેલું હતું. તેમાં ચાવી પણ હતી તે જોઇને હરેશ ઉર્ફે ગડાએ તે બાઇક લઇને ભાગી ગયો હોવાની કબુલાત આપી હતી.

(5:09 pm IST)