Gujarati News

Gujarati News

News of Thursday, 8th July 2021

સામા કાંઠે ગોવિંદબાગ શાક માર્કેટ પાસે બ્રાહ્મણીયાપરામાં બનાવ

૧૦૦ રૂપિયા ન આપનાર પત્નિને માથામાં દસ્તો ફટકાર્યા બાદ હરિભાઇએ ફાંસો ખાઇ જીવ દીધો હોસ્પિટલના બિછાને રહેલા સરોજબેનને પતિએ આપઘાત કરી લીધાની સવાર સુધી ખબર નહોતીઃ કોળી પરિવારમાં શોક

રાતે દસેક વાગ્યે પત્નિને ફટકારતાં તેણીને હોસ્પિટલમાં ખસેડાયા પછી પતિએ વહેલી સવારે આપઘાત કર્યો

રાજકોટ તા. ૮: શહેરના સામા કાંઠો ગોવિંદબાગ શાક માર્કેટ પાસે બ્રાહ્મણીયાપરા-૧૭માં રહેતાં હરિભાઇ ચનાભાઇ સિતાપરા (કોળી) (ઉ.વ.૪૫)એ રાત્રે પત્નિ સરોજબેન (ઉ.વ.૪૨) પાસે ૧૦૦ રૂપિયા માંગી માથાકુટ કર્યા બાદ તેણી વાસણ માંજી રહી હતી ત્યારે અચાનક દસ્તો લઇ આવી માથામાં ફટકારી દેતાં તેણીને હોસ્પિટલમાં ખસેડાઇ હતી. એ પછી હરિભાઇએ વહેલી સવારે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી ગઇ હતી.

બ્રાહ્મણીયાપરામાં રહેતાં સરોજબેન હરિભાઇને રાતે માથામાં ઇજા થયેલી હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. ત્યારે પગથીયેથી પડી ગયાનું જણાવાતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે એ મુજબની એન્ટ્રી બી-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.  સરોજબેનને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતાં.

બાદમાં આજે વહેલી સવારે પુત્ર જયદિપ બાથરૂમ કરવા ઉઠ્યો ત્યારે પિતા હરિભાઇના રૂમની બારીમાં જોતાં તે પંખામાં દૂપટ્ટો બાંધી લટકતાં જોવા મળતાં જયદિપે દેકારો મચાવી દીધો હતો. પરિવારજનો ભેગા થઇ જતાં તુરત જ હરિભાઇને બેભાન હાલતમાં નીચે ઉતારી સિવિલ હોસ્પિટલે ખસેડ્યા હતાં. પરંતુ તબિબે તેમને મૃત જાહેર કરતાં કલ્પાંત સર્જાયો હતો.

આપઘાત કરનાર હરિભાઇ પાંચ ભાઇ અને ત્રણ બહેનમાં સાતમા નંબરે હતાં અને દાણાપીઠમાં છકડા રિક્ષાના ફેરા કરી ગુજરાન ચલાવતાં હતાં. સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે. પુત્ર જયદિપના કહેવા મુજબ પિતા હરિભાઇએ રાતે દસેક વાગ્યે મારા માતા સરોજબેનને માથામાં દસ્તો મારી દીધો હતો. જેથી માતાને દાખલ કરવા પડ્યા હતાં. આ પછી પિતાને પોતાનાથી ખોટુ થઇ ગયાનું લાગતાં તેમણે વહેલી સવારે આપઘાત કરી લીધો હતો.

સારવારમાં રહેલા સરોજબેને કહ્યું હતું કે-પતિ અગાઉ દારૂ પીતા હતાં. આઠ દસ દિવસથી પીવાનું છોડી દીધું હતું. ગત રાતે તેણે મારી પાસેથી ૧૦૦ રૂપિયા માંગ્યા હતાં. પણ મેં ના પાડી હતી. એ પછી હું વાસણ સાફ કરતી હતી ત્યારે પાછળથી ઓચિંતા આવી તેણે માથામાં દસ્તો મારી દીધો હતો. સવારે સારવારમાં રહેલા સરોજબેનને પતિ હયાત નહિ રહ્યાની પણ ખબર નહોતી. આ બનાવથી પરિવારમાં શોક છવાઇ ગયો છે. હેડકોન્સ. કેતનભાઇ પટેલે જરૂરી કાર્યવાહી કરી હતી.

(3:12 pm IST)