Gujarati News

Gujarati News

News of Thursday, 8th July 2021

ફાયર N.O.C. ઓન ધ સ્પોટ

અમિત અરોરાનો નવતર અભિગમઃ સ્કુલ અને પેટ્રોલીયમ પ્રોડકટનાં સ્થળોએ ફાયર બ્રીગેડનું સતત ચેકીંગઃ નિયમ મુજબનાં ફાયર સેફટી સાધનો લગાવેલા હોય તો સ્થળ પર જ એન.ઓ.સી. આપી દેવાય છેઃ ૯ સ્થળે તો પ્રમાણપત્રો આપી દેવાયા

રાજકોટ તા. ૮ :.. શહેરમાં સ્કુલો, હોસ્પીટલો, પેટ્રોલીયમ પ્રોડકટનું વેચાણ કે ગોડાઉનનાં સ્થળોએ ફાયર સેફટીનાં પુરતા સાધનો હોય તો જ 'ફાયર એન. ઓ. સી.' આપવાની કામગીરી મ.ન.પા.નાં ફાયર બ્રીગેડ  વિભાગ દ્વારા થઇ રહી છે. પરંતુ આ પ્રમાણ પત્ર મેળવવું ખૂબ જ જટીલ હોવાનો ભય અરજદારોમાં ફેલાયો હોવાથી આ બાબતે હજુ જાગૃતતા નથી આવી ત્યારે નવનિયુકત મ્યુ. કમિશનર અમિત અરોરાએ ઓન ધ સ્પોટ એટલે કે સ્થળ પર જ ફાયર એન. ઓ. સી. આપવાનો નવતર અભિગમ શરૂ કરાવ્યો છે. જેનાં કારણે હવે ફાયર એન. ઓ. સી. બાબતે થોડી જાગૃતતા આવી રહી છે.

આ બાબતે મ્યુ. કમિશનરશ્રી અરોરાએ જણાવ્યું હતું કે હાલમાં ફાયર એન. ઓ. સી. બાબતે દરરોજ ચેકીંગ થઇ રહ્યું છે. હાલ તુરંત પ્રથમ તબકકે શૈક્ષણીક સંકુલો અને પેટ્રોલ પમ્પ વગેરેમાં ચેકીંગ ચાલુ છે. અને જે સ્થળે ફાયર સેફટીનાં સાધનો પુરતાં પ્રમાણમાં હોઇ તે સ્થળે ઓન ધ સ્પોટ ફાયર એન. ઓ. સી. આપી દેવાની વ્યવસ્થા શરૂ કરાઇ છે.

શ્રી અરોરાનાં જણવ્યા મુજબ અત્યાર સુધીમાં ૪૩ સ્થળોએ ચકાસણી થયેલ. ફાયર સેફટીનું પાલન થતુ હોવાનું જોવા મળતાં આ ૯ સ્થળોને ફાયર એન. ઓ. સી. સ્થળ પર જ કાઢી આપવામાં આવ્યા હતાં.આ ઉપરાંત પેટ્રોલ પંપનાં કેટલાક કિસ્સાઓમાં ડીલરે એન. ઓ. સી. લેવાનું ? કે કંપનીએ લેવાનું ? એ બાબતનાં પ્રશ્નો ઉઠવા પામતાં આ બાબતે ડીલર અને કંપનીનાં પ્રતિનિધીની બેઠક બોલાવીને બન્ને માંથી કોઇપણ એકની જવાબદારી ફીકસ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. તેમ મ્યુ. કમિશનરશ્રીએ અંતમાં જણાવ્યું હતું.

(3:08 pm IST)